Sep 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-629

 

અધ્યાય-૬૪-ભીષ્મનું પાછું હટવું 


II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भारतानां पितामहः I वध्यमानेषु योधेषु धनंजयमुपाद्रवत II १ II

વૈશંપાયન બોલ્યા-આમ યોદ્ધાઓ હણાઈ ગયા,ત્યારે શાંતનુપુત્ર પિતામહ ભીષ્મ ધનંજયની સામે ચડી આવ્યા.તેમણે સોનાથી શણગારેલું શ્રેષ્ઠ ધનુષ્ય લીધું હતું અને તીણાં અણીવાળાં પ્રચંડ બાણો લીધાં હતાં,ધૃતરાષ્ટ્રપુત્રોને હર્ષ પમાડવા માટે તેમણે શંખનાદ કર્યો.તેમને ચડી આવેલા જોઈને અર્જુન અત્યંત પ્રસન્ન થયો ને જેમ,પર્વત મેઘને ઝીલી લે,તેમ તેણે તેમને આવકાર આપ્યો.પછી ભીષ્મે અર્જુનની ધજા પર સાપની જેમ ફૂંફાડા મારતાં આઠ મહાવેગવાળાં બાણો મૂક્યાં કે જે બાણોએ તે 

ધ્વજમાં રહેલા વાનરને ઘાયલ કર્યો અને ધ્વજની ટોચે રહેલ બીજાં પ્રાણીઓને વીંધી નાખ્યાં.એટલે અર્જુને વિશાળ ધારવાળું મોટું ભલ્લ બાણ છોડીને ભીષ્મના છત્રને ભેદી નાખ્યું.ને બીજા બાણો ચલાવીને રથના ઘોડાઓને ને સારથિને ઘાયલ કર્યા.

ભીષ્મથી આ સહન થયું નહિ અને પોતે અર્જુનને ઓળખાતા હતા છતાં,દિવ્યાસ્ત્ર ચલાવીને અર્જુનને ઢાંકી દીધો.એ જ પ્રમાણે અર્જુને પણ દિવ્યાસ્ત્ર ચલાવ્યું.આમ ભીષ્મ અને અર્જુન વચ્ચે ઘોર અને રોમાંચ ખડાં કરી દે તેવું યુદ્ધ ચાલ્યું,અને સર્વ યોદ્ધાઓ તે જોઈ રહ્યા.તે બંનેએ પ્રાજાપત્યસ્ત્ર,ઐન્દ્રાસ્ત્ર,આગ્નેયાસ્ત્ર આદિ દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરીને પાછું બાણયુદ્ધ શરુ કર્યું.

પછી,અર્જુને ભીષ્મની પાસે જઈને ભીષ્મના સુવર્ણમંડિત ધનુષ્યને કાપી નાખ્યું,એટલે ભીષ્મએ તરત જ બીજું ધનુષ્ય લઈને સજ્જ થઈને સામે પ્રહાર કરવા માંડ્યો.એકબીજા પર બાણોનો મારો ચલાવી રહેલા તે બંનેમાં કોણ ચડિયાતું છે એ જાણી શકાતું નહોતું.કદી ભીષ્મ ચડી જતા હતા તો કદી અર્જુન ભીષ્મથી ચડી જતો હતો.


આશ્ચર્ય થાય એ રીતે અર્જુન લગાતાર બાણો ચલાવી રહ્યો હતો ત્યારે આકાશમાંથી તેના દિવ્ય કર્મને જોઈને ચિત્રસેન ગંધર્વ અત્યંત પ્રસન્ન થયો ને ઇન્દ્રને કહેવા લાગ્યો કે-'જુઓ,પાર્થે મૂકેલાં  આ બાણો જાણે એકમેકને વળગીને જઈ રહ્યાં છે,દિવ્ય અસ્ત્રો છોડતા અર્જુનનું આ કર્મ આશ્ચર્યજનક છે.મનુષ્યો તો આ અસ્ત્રોનું સંધાન કરી શકતા નથી,સૂર્ય સમાન તપી રહેલા આ બંને યોદ્ધાઓની સામે કોઈ જોઈ પણ શકતા નથી.બંને તીવ્ર પરાક્રમી છે ને યુદ્ધમાં અતિ દુર્જય છે' ત્યારે ઇન્દ્રે,અર્જુન અને ભીષ્મ વચ્ચે ચાલતા યુદ્ધ પર પુષ્પોની વૃષ્ટિ કરીને તેને વધાવ્યું.


પછી,ભીષ્મે,બાણથી અર્જુનની ડાબી બાજુ પ્રહાર કર્યો,એટલે અર્જુને ખડખડાટ હાસ્ય કરીને વિશાળ ધરવાળું બાણ મૂકીને ભીષ્મના ધનુષ્યને કાપી નાખ્યું ને તરત જ દશ બાણો મૂકીને ભીષ્મને છાતીમાં વીંધી નાખ્યા.જખ્મી થવાથી ભીષ્મ કંઈ વાર સુધી રથના ધોળ પકડીને બેસી રહ્યા,ને બેભાન જેવા થયા.ત્યારે સારથિએ પોતાને મળેલા ઉપદેશને સંભારીને,તેમનું રક્ષણ કરવાને માટે તેમને ત્યાંથી દૂર લઇ ગયો.(49)

અધ્યાય-૬૪-સમાપ્ત