Sep 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-628

 

અધ્યાય-૬૨-અર્જુનનું ઘોર યુદ્ધ 


II वैशंपायन उवाच II अथ संगम्य सर्वे ते कौरवाणां महारथाः I अर्जुनं सहिता यत्ताः प्रत्ययुध्यंत भारत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હે ભારત,કૌરવોના સર્વ મહારથીઓ એક સાથે ભેગા થયા અને સજ્જ થઈને અર્જુનની સામે લડવા લાગ્યા.ત્યારે અર્જુને તે સર્વ મહારથીઓને બાણમય જાળોથી,જેમ ધુમ્મસ વડે પર્વતો ઢંકાઈ જાય તેમ બધી બાજુએથી ઢાંકી દીધા.અર્જુનનાં હજારો બાણો,માણસોને,અશ્વોને ને લોઢાના કવચોને ભેદીને આરપાર નીકળતાં હતાં.

ગાંડીવનો ઘોષ સાંભળીને સર્વ સૈન્યો ત્રાસીને યુદ્ધમાંથી નાસી જવા લાગ્યા.જે અર્જુન તેર વરસ સુધી રોકાઈ રહ્યો હતો તે હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ પ્રગટાવીને ધૃતરાષ્ટ્રપુત્રો પર ક્રોધાગ્નિ વરસાવવા લાગ્યો હતો.સૈન્યને બાળી રહેલા અર્જુનનું પરાક્રમ જોઈને સર્વ યોદ્ધાઓ ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનના દેખતાં જ શાંત થઇ ગયા.અર્જુન ક્યારે બાણો લે છે,ક્યારે ગાંડિવને ખેંચે છે અને ક્યારે બાણોને સાંધીને છોડે છે,તે કોઈ પણ જણાના જોવામાં આવી શક્યું નહોતું.(22)

અધ્યાય-૬૨-સમાપ્ત 


અધ્યાય-૬૩-અર્જુનનું સંકુલ યુદ્ધ 


II वैशंपायन उवाच II ततो दुर्योधनः कर्णो दुःशासनविविंशती I द्रोणश्च सह पुत्रेण कृपश्वा महारथः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દુર્યોધન,કર્ણ,વિવીંશતિ,દ્રોણ,અશ્વસ્થામા અને કૃપ એ સર્વ ધનંજયને મારવાની ઈચ્છાથી પોતાનાં દ્રઢ અને બળવાન ધનુષ્યોને ખેંચતાં ખેંચતાં રોષે ભરાઈને ફરી,સામે ચડી આવ્યા.ને તેને ઘેરીને તેના પર બાણોની વર્ષા કરીને તેને ચારે બાજુથી ઢાંકી દીધા.ત્યારે અર્જુને ખડખડાટ હાસ્ય કરીને દિવ્ય ઐન્દ્રાસ્ત્રને ગાંડીવ પર સાધ્યું અને સામે સર્વ કુરુઓને ઢાંકી દેવા લાગ્યો ને સંગ્રામભૂમિમાં આગળ વધ્યો.તેના બાણોથી સર્વ રથીઓ અને હાથીઓ મૂર્છિત થઇ ગયા.તે સમયે સર્વ યોદ્ધાઓ શાંત પડી ગયા અને તેમનાં ચિત્ત ઠેકાણે રહ્યાં નહિ.નિરાશ થયેલા તે સર્વ યોદ્ધાઓ સંગ્રામમાં પૂંઠ બતાવીને નાસવા લાગ્યા (14)

અધ્યાય-૬૩-સમાપ્ત