Sep 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-627

 

અધ્યાય-૬૧-દુઃશાસન આદિ સાથે અર્જુનનું યુદ્ધ 


II वैशंपायन उवाच II ततो वैकर्तनं जित्वा पार्थो वैराटीमब्रवीत I एतन्मां प्रापयानीकं यत्र तालो हिरण्मयः II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,સૂર્યપુત્ર કર્ણને જીત્યા પછી,અર્જુને ઉત્તરને કહ્યું કે-'જ્યાં પેલો સુવર્ણમય તાલધ્વજ દેખાય છે,

તેમાં દેવ સમાન પિતામહ ભીષ્મ બેઠા છે ને મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે,તો તું મને ત્યાં લઇ જા.'

ત્યારે બાણોથી અત્યંત વીંધાઈ ગયેલા ઉત્તરે કહ્યું કે-'હે વીર,હવે હું અહીં આ ઘોડાઓને નિયમનમાં રાખી શકું તેમ નથી,કેમકે મારા પ્રાણ મૂંઝાઈ રહ્યા છે.અને મારુ મન વિહવળ થઇ ગયું છે.ગાંડીવના ટંકારથી મારા કાન બહેરા થઇ ગયા છે,મારી સ્મૃતિ નાશ પામી ગઈ છે.મારુ ભાન નષ્ટ થવાથી હું જોઈ શકતો નથી,મારા પ્રાણ ગૂંગળાઈ રહ્યા છે અને આ પૃથ્વી મને ફરતીહોય એમ લાગે છે,ચાબૂકને તથા લગામને હાથમાં રાખવાની મારામાં શક્તિ પણ રહી નથી (12)

અર્જુન બોલ્યો-'તું બીશ નહિ,જરા ધીરજ ધર .તું રાજપુત્ર છે ને રણમાં તેં અદભુત કર્મો કરેલા છે.આ સમયે ખિન્ન થવું યોગ્ય નથી.હું સંગ્રામ ભૂમિમાં યુદ્ધ કરવા ઈચ્છું છું તો ધૈર્ય ધરીને મારા ઘોડાઓને કબ્જે રાખ ને ભીષ્મની સેનાને મોખરે લઇ જા.

હું યુદ્ધમાં તેમના ધનુષ્યની પણછ કાપી નાખીશ.આજે તું મને દિવ્ય અસ્ત્રોનો આશ્ચર્યકારી પ્રયોગ કરતો જોઇશ.

હું એકલે હાથે જ સર્વ કૌરવોની સામે બાણો મૂકીને તેમને રથમાંથી ઉથલાવી મુકીશ.હું રુદ્ર પાસેથી રુદ્રાસ્ત્ર,વરુણ પાસેથી વારુણાસ્ત્ર,અગ્નિ પાસેથી આગ્નેયાસ્ત્ર,વાયુ પાસેથી વાયવ્યાસ્ત્ર,અને ઇન્દ્ર પાસે રહી વજ્ર આદિ અસ્ત્રો પામ્યો છું,

આજે આ સર્વ ધૃતરાષ્ટ્રપુત્રોરૂપી ઘોર વનને હું ઉખેડી નાખીશ,તો તારો ભય દૂર થાઓ.'


આમ,અર્જુનના આશ્વાસનથી ઉત્તરે રથને ભીષ્મ પ્રતિ દોર્યો.ભીષ્મે તેને સાવધાનીપૂર્વક રોકી દીધો.ત્યારે અર્જુને ભીષ્મના ધ્વજને મૂળમાંથી કાપી નાખ્યો.એ વખતે દુઃશાસન,વિકર્ણ,દુઃસહ અને વિવિંશતિ -એ ચાર યોદ્ધાઓ અર્જુન પાસે આવી પહોંચ્યા.ને અર્જુનને ચારે બાજુથી ઘેરી લીધો.દુઃશાસને ઉત્તરને અને અર્જુનને બાણથી વીંધ્યા એટલે અર્જુને તેના ધનુષ્યને કાપી નાખ્યું ને તેના હૃદયભાગને પાંચ બાણોથી વીંધી નાખ્યો.બાણથી પીડાયેલો દુઃશાસન રણભૂમિ છોડીને નાસી છૂટ્યો.

એ જ રીતે અર્જુને બાકીના વિકર્ણ,દુઃસહ અને વિવિંશતિના એ જ હાલ કર્યા કે જેથી તેઓ પણ નાસી છૂટ્યા.(41)

અધ્યાય-૬૧-સમાપ્ત