અધ્યાય-૬૦-કર્ણ ફરીથી નાઠો
II अर्जुन उवाच II कर्ण यत्ते सभामध्ये बहु वाचा विकत्थितम् I न मे युधि समोस्तीति तदिदं समुपस्थितम् II १ II
અર્જુન બોલ્યો-હે કર્ણ,તેં સભા વચ્ચે બહુ બકવાદ કર્યો હતો અને બડાશ મારી હતી કે યુદ્ધમાં કોઈ જ મારી બરોબરીનો નથી,તો તે સાચી કરી બતાવવાનો આજે સમય આવી ગયો છે.આજે તું તારી જાતને નિર્બળ જાણીશ ને બીજાઓનું અપમાન કરતો અટકીશ,તેં કેવળ ધર્મનો ત્યાગ કરીને કઠોર વાણી કાઢી હતી,પણ આજે તું મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છી રહ્યો છે તે આ તારું કર્મ મને દુષ્કર લાગે છે.આજે તું યુદ્ધ કરીને આ કુરુઓની વચ્ચે તું તારી વાણીને સત્ય કરી બતાવ.પૂર્વે ધર્મપાશથી બંધાયેલો હોઈને મેં જે સાંખી લીધું હતું,તે મારા ક્રોધનો આજે તું યુદ્ધમાં મારો વિજય જોજે.(8)
કર્ણ બોલ્યો-'હે પાર્થ,આ તું જે વાણીથી બોલી રહ્યો છે તે તું કર્મથી કરી બતાવ.અરે,ઇન્દ્ર પોતે પણ જો તારે માટે
મારી સાથે યુદ્ધ કરવા આવે તો,પણ હું તેને મારુ પરાક્રમ બતાવી આપું.આજના યુદ્ધમાં તું મારુ બળ જોજે'
અર્જુન બોલ્યો-'ઓ રાધાપુત્ર,હમણાં બે ઘડી ઉપર તો તું મારી સાથે યુદ્ધ કરતાં કરતાં નાસી ગયો હતો,એટલે જ અત્યારે
તું જીવતો રહ્યો છે.તારો નાનો ભાઈ મર્યો હતો,છતાં,તું રણ છોડીને નાસી જઈને શા માટે આવો મિથ્યા બકવાદ કરે છે?'
વૈશંપાયન બોલ્યા-કર્ણને આમ કહીને તે અર્જુને તરત જ કવચને ભેદનારાં બાણો છોડીને કર્ણ પર ધસારો કર્યો.કર્ણે પણ અર્જુન પર શક્તિનો પ્રહાર કર્યો,ત્યારે અર્જુને તેના ટુકડા કરી નાખ્યા.કર્ણના અનેક અનુચરોએ જયારે અર્જુન પર ધસારો કર્યો ત્યારે તેમને સર્વને અર્જુને હણી નાખ્યા.ને પછી,તીક્ષણ બાણો વડે કર્ણના અશ્વોને હણી નાખ્યા.ને બીજું તીક્ષ્ણ,મહાબળવાન અને મહાતેજસ્વી દિવ્ય બાણ છોડીને કર્ણની છાતીને વીંધી નાખી.તે બાણ બખ્તરને વીંધીને કર્ણની કાયામાં પેસી ગયું,એટલે તેને અંધારાં આવી ગયાં.ગાઢ વેદના થવાથી તે રણભૂમિ છોડીને ઉત્તર દિશા તરફ નાઠો.(27)
અધ્યાય-૬૦-સમાપ્ત