અધ્યાય-૫૯-અર્જુન અને અશ્વસ્થામાનું યુદ્ધ
II वैशंपायन उवाच II ततो द्रौणिर्महाराज प्रययावर्जुनं रणे I
तं पार्थः प्रतिजग्राह वायुवेगभिवोद्वतं I शरजालेन महता वर्यमाणभिवायुदम् II१II
વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણનંદન અશ્વસ્થામાએ રણમાં અર્જુન પર ધસારો કર્યો,એટલે વાયુના જેવા ઉદ્વત વેગોવાળા અને મેઘની જેમ મોટી બાણવર્ષા વરસાવી રહેલા એ અશ્વસ્થામાને પૃથાપુત્રે સારો સત્કાર આપ્યો.ત્યાં તે બંને વચ્ચે દેવો અને અસુરોના જેવું ઘોર યુદ્ધ ચાલ્યું.ત્યારે બાણોની વર્ષાથી આકાશ છવાઈ ગયું ને સર્વત્ર અંધકાર પથરાઈ રહ્યો.
બંને યોદ્ધાઓ એકબીજા પર પ્રહાર કરતા હતા ત્યારે ત્યાં જાણે બળતા વાંસ જેવા ભયંકર ચડચડાટ થયા.
અર્જુને અશ્વસ્થામાના સર્વ અશ્વોને મરણતોલ કરી નાખ્યા ત્યારે તે દ્રોણપુત્રે,અર્જુનની એક નાનીસરખી નજરચૂક પકડી પાડીને ક્ષુર બાણ માર્યું ને તેના ધનુષ્યની પણછ કાપી નાખી ને તેના પર અસંખ્ય બાણોથી પ્રહાર કર્યો.ત્યાં તો અર્જુને ગાંડીવ પર ત્વરાથી પણછ ચડાવી દીધી અને અશ્વસ્થામા સાથે મુકાબલો કરવા માંડ્યો.અર્જુન પાસે તો બે દિવ્ય અને અક્ષય ભાથા હતા,એટલે તે રણમાં પહાડની જેમ અચલ ઉભો હતો,પણ,અશ્વસ્થામા ઝડપભેર બાણો છોડ્યે જતો હતો એટલે તેનાં બાણો તત્કાળ ખૂટી ગયાં,તેથી અર્જુન તેનાથી અધિક થઇ પડ્યો.
ત્યાં તો કર્ણે,ધનુષ્યનો ટંકાર કરીને રણમાં પ્રવેશ કર્યો.અર્જુને કર્ણને જોયો એટલે તેનો રોષ એકદમ વધી ગયો ને તેને હણી નાખવાની ઈચ્છાથી,તે અશ્વસ્થામાને છોડીને કર્ણ તરફ વળ્યો.ને કર્ણ પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-(21)
અધ્યાય-૫૯-સમાપ્ત