Sep 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-624

અધ્યાય-૫૮-દ્રોણાચાર્ય અને અર્જુન વચ્ચે સંગ્રામ 


II वैशंपायन उवाच II क्रुपेपनिते द्रोणस्तु प्रगृह्य सशरं धनुः I अभ्यद्रवदनाधृष्पः शोणाश्वः श्वेतवाहनम् II १ II 

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કૃપાચાર્ય રણભૂમિમાંથી પાછા હટ્યા,એટલે લાલ અશ્વના રથવાળા અને અપરાજિત એવા દ્રોણાચાર્ય ધનુષ્યબાણ લઈને શ્વેતવાહન અર્જુનની સામે ધસી આવ્યા.સુવર્ણરથમાં બેસેલા ગુરુને પોતાની સમીપ આવી રહેલા જોઈને અર્જુને ઉત્તરને કહ્યું કે-'સામે આવી રહેલા મારા ગુરુ દ્રોણાચાર્ય સામે તું રથ લે,આ સંગ્રામમાં હું તેમની સામે યુદ્ધ કરવા ઈચ્છું છું' અર્જુનના કહેવાથી ઉત્તરે રથને વેગપૂર્વક રથને દ્રોણાચાર્ય તરફ હાંક્યો.ત્યારે શંખના ઘોષો થયા અને સેંકડો ભેરીઓના નાદ ઉઠ્યા.એટલે ત્યાં આખું સૈન્ય ઉછળી રહેલા સાગરની જેમ ખળભળી ઉઠ્યું.લોકો વિસ્મયમાં પડ્યા.

અર્જુન દ્રોણાચાર્યના રથના પાસે પહોંચીને આચાર્યને પ્રણામ કરીએ કોમળ વાણીમાં કહ્યું-'હે રણમાં સદૈવ દુર્જય ગુરુદેવ,અમે વનવાસ ભોગવ્યો છે અને વેર લેવાને ઈચ્છી રહ્યા છીએ,તો તમારે અમારા પર ક્રોધ કરવો જોઈએ નહિ,તમે મારા પર પ્રહાર કરશો ત્યાર પછી જ હું તમારા પર પ્રહાર કરીશ,એવો મારો નિશ્ચય છે,તો તે પ્રમાણે કરવા તમે યોગ્ય છો'

ત્યારે દ્રોણાચાર્યે અર્જુન પર વીસ બાણ છોડ્યાં,કે જે બાણોને,અર્જુને પોતાના નજીક આવે તે પહેલા જ કાપી નાખ્યાં.


પછી,દ્રોણે,અર્જુનના રથને સહસ્ત્ર બાણોથી ઢાંકીને અર્જુનને ઉકળાવી દીધો.ત્યાર બાદ તેમણે અર્જુનને પણ વીંધવા માંડ્યો,એટલે અર્જુને ગાંડીવ હાથમાં લઈને દ્રોણની બાણવર્ષાને વિખેરી નાખી,ને સામે અસંખ્ય બાણોની વર્ષાં કરીને દ્રોણની આસપાસ ને આકાશને ઘેરી લીધું.પોતાને બાણોથી ઘેરાઈ ગયેલા જોઈને દ્રોણે અગ્નિચક્રના જેવું આયુધ છોડીને અર્જુનના બાણોના ટુકડા કરવા મંડ્યા.આમ તે ગુરુ શિષ્ય વચ્ચે ઘોર યુદ્ધ થયું.બંનેના સામસામા થયેલા બાણોના પ્રહારથી આકાશ છવાઈ ગયું.બંનેના ધનુષ્યોમાંથી તીડોની જેમ નીકળતા બાણો જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈને 'વાહ,ધન્ય છે' એમ સ્તુતિ કરવા લાગ્યા.પછી,દ્રોણના રથ આગળ નમેલા પર્વવાળા એકલાખ બાણો મૂકીને અર્જુને દ્રોણને ઢાંકી દીધા.


ત્યારે દ્રોણના પુત્ર અશ્વસ્થામાએ,મોટા રથસમૂહ સાથે આવીને,અર્જુનને એકાએક ઘેરી લીધો.અશ્વસ્થામાએ હૃદયથી તો અર્જુનના પરાક્રમની પ્રસંશા કરી પણ બહારથી તેના પર અત્યંત રોષ ધારણ કર્યો,ને તેણે અર્જુન પર ધસારો કર્યો,ને તેના પર અસંખ્ય બાણોની વૃષ્ટિ કરી,એટલે અર્જુને પોતાના રથને તેની સામે કરાવડાવ્યો ને દ્રોણાચાર્યને નીકળી જવાનો માર્ગ કરી આપ્યો,એટલે જેમુ કવચ ભાંગી ગયું હતું,ને વીંધાઈ ગયેલા હતા તે દ્રોણાચાર્ય માર્ગ મળતા જ ત્યાંથી વિદાય થયા (76)

અધ્યાય-૫૮-સમાપ્ત