Sep 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-623

 

અધ્યાય-૫૬-યુદ્ધ જોવા માટે દેવો-આદિનું આગમન 


II वैशंपायन उवाच II तान्यानिकान्यद्रष्यंत कृरुणामग्रधन्विनाम I संसर्पत्ते यथा मेघा धर्मान्ते मंदमारुताः II १ II

 વૈશંપાયન બોલ્યા-ત્યાં ઉગ્ર ધનુષ્યને ધારણ કરનારી કુરુઓની સેનાઓ,ગ્રીષ્મકાલે પવનથી ચાલતા મેઘોની જેમ હળવે હળવે આગળ વધતી જણાઈ.કૃપાચાર્યની સાથેના યોદ્ધાઓ,તેમના હાથીઓ,ઘોડાઓ ને રથોથી સજ્જ સેના સાથે થનારા સંગ્રામને જોવા વિશ્વદેવા,અશ્વિનીકુમારો,મરુતગણો આદિ સાથે ઇંદ્ર ત્યાં તેના સુંદર વિમાનમાં બેસીને આવ્યો.દેવો,યક્ષો,ગંધર્વો

અને મહાસર્પોથી ભરાઈ ગયેલું આકાશ તે વખતે ગ્રહમંડળની જેમ શોભી રહ્યું.

જુદા જુદા દેવો પોતપોતાના વિમાનોમાં બેસીને ત્યાં આવ્યા હતા.દેવરાજ ઇન્દ્રના અતિ સુશોભિત વિમાનમાં,તેત્રીસ દેવો,ગંધર્વો,રાક્ષસો,સર્પો,પિતૃઓ,મહર્ષિઓ,ને રાજાઓ બેઠા હતા.વળી,ત્યાં અગ્નિ,ઈશ,સોમ,કુબેર,યમ,અલંબુશ,ઉગ્રસેન,તુમ્બરુ ગંધર્વ આદિ સર્વ પોતાના વિમાનોમાં આ અર્જુન અને કુરુઓ વચ્ચેનો સંગ્રામ જોવા આવ્યા હતા.સર્વેથી વીંટળાયેલો ઇન્દ્ર ત્યાં શોભી રહ્યો હતો.(19)

અધ્યાય-૫૬-સમાપ્ત 


અધ્યાય-૫૭-કૃપાચાર્ય અને અર્જુન વચ્ચે સંગ્રામ 


II वैशंपायन उवाच II द्रष्ट्वा व्यूढान्यनिकानी कुरूणां कुरुनन्दन I तत्र वैराटीमामन्त्र्य पार्थो वचनं ब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-હે કુરુનંદન,ત્યાં કુરુઓનાં વ્યુહબદ્ધ સૈન્યોને જોઈને પૃથાપુત્ર અર્જુને,વિરાટપુટર ઉત્તરને હાંક મારીને કહ્યું કે-

'આ જેની ધજા પર સુવર્ણમય વેદી છે તે કૃપાચાર્યની જમણી બાજુએ તું રથને લઇ જા' અર્જુનના આમ કહેવાથી,ઉત્તરે,રથને દોડાવ્યો ને રથને મંડલાકાર ગતિએ ગુમાવીને,કુરુઓને મૂંઝવી નાખીને કૃપાચાર્યની જમણી બાજુએ ફરીને તેમની સામે ઉભો રાખ્યો.પછી,અર્જુને પોતાનું નામ સંભળાવીને પોતાના દેવદત્ત શંખનો નાદ કરીને ગાંડીવનો ટંકાર કર્યો.કૃપાચાર્ય અર્જુનના શંખના નાદને સહન કરી શક્યા નહિ,તેમને પણ યુદ્ધની ઈચ્છાથી પોતાના શંખને જોશથી ફૂંકવા માંડ્યો .


પછી,તે શારદવાને (કૃપાચાર્યે)દશ તીક્ષ્ણ બાણોથી અર્જુન પર પ્રહાર કર્યો.ત્યારે અર્જુને પણ અનેક મર્મભેદી નારાચ બાણો તેમની સામે છોડ્યાં પણ કૃપાચાર્યએ તે બાણો પોતાની નજદીક આવે તે પહેલા જ કાપી નાખ્યાં.ગુસ્સે થયેલા અર્જુને કૃપાચાર્યને સો બાણોથી ઢાંકી દીધા,તો કૃપાચાર્યએ અર્જુન પર દશ હજાર બાણો ચલાવીને તેને પીડા પહોંચાડી.ત્યારે અર્જુને ઉત્તમ બાણો ચલાવીને કૃપાચાર્યના ચાર ઘોડાઓને વીંધ્યા એટલે કૃપાચાર્ય પોતાના સ્થાન પરથી ગબડી પડ્યા,પણ તે વખતે અર્જુને તેમને ન વીંધીને તેમના ગૌરવનું રક્ષણ કર્યું.પણ પછી તેને તેજસ્વી ભલ્લબાણ છોડીને તેમનું ધનુષ્ય કાપ્યું ને બીજું બાણ છોડીને તેમનાં કવચ ઉડાડી દીધાં પણ તેમના શરીને ઇજા પહોંચાડી નહિ.


પછી,કૃપાચાર્યે નવું બાણ લઈને,સજ્જ થઈને દશ બાણોથી અર્જુનને વીંધ્યો,ત્યારે અર્જુને એક બાણથી કૃપના રથનાં પૈડાં તોડી નાખ્યાં,ને બીજા બાણથી તેમના સારથિનું માથું ઉડાવી દીધું ને ત્રીજા બાણથી તેમનું ધનુષ્ય કાપી નાખ્યું.ત્યારે કૃપાચાર્યએ હાથમાં ગદાને ધારણ કરીને તેને વેગપૂર્વક અર્જુન તરફ ફેંકી.અર્જુને તેની સામે બાણો ચલાવી તોડી પાડી.બીજા યોદ્ધાઓ કૃપાચાર્યની મદદે આવવા લાગ્યા ત્યારે ઉત્તરે રથને 'ચમકમંડલ'માં ચલાવીને તેમને રોક્યા.રથ વગરના બનેલા તે કૃપાચાર્યને તેમના રક્ષકો,કુંતીપુત્ર ધનંજય આગળથી દૂર લઇ જઈને તેમનું રક્ષણ કરવા લાગ્યા (43)

અધ્યાય-૫૭-સમાપ્ત