અધ્યાય-૫૫-અર્જુનનો સપાટો
II वैशंपायन उवाच II अपयाते तु राधेये दुर्योधनपुरोगमाः I अनीकेन यथा स्वेन शनैरार्च्छत् पाण्डवं II १ II
વૈશંપાયન બોલ્યા-તે રાધેય કર્ણ પલાયન થયો ત્યારે દુર્યોધન આદિ કૌરવો પોતપોતાની સેનાની સાથે ધીરે ધીરે અર્જુનની સામે આવવા લાગ્યા.વ્યુહબદ્ધ થઈને તેઓએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરવા માંડી.ત્યારે અર્જુને તેમના વેગને રોકીને,દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરતો તે સામે ધસ્યો.ને ગાંડીવથી અસંખ્ય બાણો છોડીને તેણે દશે દિશાઓને ઢાંકી દીધી.તે વખતે રથો,અશ્વો,હાથીઓ અને કવચોની બે આંગળ જેટલી જગ્યા પણ અર્જુનનાં તીક્ષણ બાણોથી વીંધાયા વગરની રહી નહોતી.અર્જુનનું આ શીઘ્ર અને શ્રેષ્ઠ પરાક્રમ જોઈને શત્રુઓ પણ તેની સ્તુતિ કરવા લાગ્યા.
શત્રુઓ તો સામે આવેલા અર્જુનના રથને માત્ર એક જ વાર જોવા પામતા હતા,કેમ કે સામે આવેલાને અર્જુન એક જ ક્ષણમાં પરલોક પહોંચાડી દેતો હતો.શત્રુઓનો અતિશય ઘાણ કાઢી રહેલા અર્જુનને જોઈને શત્રુઓએ માન્યું કે આ અર્જુન તો સર્વના કાળરૂપે આવ્યો છે.ત્યાં અર્જુને ધાન્યનાં કણસલાંની જેમ શત્રુઓનાં શિર કાપવા માંડ્યાં હતાં,એટલે અર્જુનના ભયથી કૌરવોનું પરાક્રમ નષ્ટ થઇ ગયું.પછી,તે અર્જુને ક્ષુર નામનાં તોતેર બાણો દ્રોણ તરફ,આઠ બાણો અશ્વસ્થામા તરફ,બાર બાણો દુઃશાસન તરફ,ત્રણ બાણો કૃપ તરફ,આઠ બાણો ભીષ્મ તરફ અને સો બાણો દુર્યોધન તરફ છોડ્યાં ને કર્ણી નામનાં બાણો મારીને
ભાગી જતા કર્ણના કાનને વીંધી નાખ્યો.ને તેના ઘોડાઓને તથા સારથિને પણ હણી નાખ્યો.ને શત્રુની સેનામાં ભંગાણ પડ્યું.
પછી,અર્જુને ઉત્તરને કહ્યું કે-'હે ઉત્તર,પથમ,આ રાતા ઘોડાવાળા,ને શ્યામ પતાકાવાળા રથમાં બેઠેલા તે કૃપાચાર્ય છે તેમની પાસે રથને લઇ જા કે જેથી તેમને હું અસ્ત્રો મુકવાની મારી ઝડપ બતાવી દઉં.પછી જેમની ધજા પર સુવર્ણમય કમંડલુ છે તે આચાર્ય દ્રોણની રથની પ્રદિક્ષણા કરી તેમને માન આપ,તે જો મારા પર પ્રથમ પ્રહાર કરશે તો જ હું તેમની પર પ્રહાર કરીશ,પછી,તેમની પાસેના રથમાં કનકના કવચથી ઢંકાયેલા દુર્યોધન પાસે રથને લઇ જા,આજે તેને મારા અસ્ત્રોનો પરિચય કરાવીશ.છેલ્લે,જે ઉત્તમ રથ પર સૂર્ય અને તારાવાળો ધ્વજ છે તે પિતામહ ભીષ્મ પાસે લઇ જજે,એ મને વિઘ્ન કરે તેમ નથી પણ તેમની સામે જયારે હું યુદ્ધ કરું ત્યારે તું સાવધ રહીને અશ્વોને વશમાં રાખજે' અર્જુનના કહેવાથી ઉત્તર રથને કૃપાચાર્ય સામે લઇ ગયો(60)
અધ્યાય-૫૫-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE