અધ્યાય-૫૪-કર્ણ પલાયન થયો
II वैशंपायन उवाच II
स शत्रुसेनां तरसा प्रनुध्य गास्ता विजित्याथ धनुरधराभ्यः I दुर्योधनायाभिमुखं प्रयातो भूयो रणं सोभिचिकीर्पमाणः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને,શત્રુસેનાને શીઘ્ર અસ્તવ્યસ્ત કરી નાખી અને ગાયોને જીતી લીધી,પછી ફરી યુદ્ધ કરવાની ઈચ્છાથી તેણે દુર્યોધન તરફ પ્રયાણ કર્યું.ત્યારે સામે ગાયોને પાછી જતી જતી જોઈ,કુરુ યોદ્ધાઓ અર્જુન સામે ધસ્યા.
તે વખતે સામે ધસી આવેલા તે યોદ્ધાઓને જોઈને અર્જુને,ઉત્તરને રથને કર્ણ તરફ લઇ જવાનું કહ્યું અને તે રથીઓની સેનાને વીંધી દઈને રણભૂમિની મધ્યમાં કર્ણની સામે આવીને ઉભો.ત્યારે કર્ણને બચાવવા ચિત્રસેન આદિયોદ્ધાઓ તેની સામે દોડી આવ્યા તો અર્જુને ક્રોધે ભરાઈને તેમના રથોને બાળી મૂકીને નિઃસહાય કરી દીધા.
કર્ણને સહાય કરવા દોડી આવેલા તેના ભાઈ સંગ્રામજીતને,અર્જુને હણી નાખ્યો,ત્યારે પોતાના ભાઈને હણાયેલો જાણીને કર્ણને ગુસ્સાને લીધે જોર ચડ્યું,તે એકદમ અર્જુન તરફ ધસી ગયો ને અર્જુન પર બાણોનો માર કર્યો.એટલે અર્જુન કોપાયમાન થઈને સામો કર્ણ પર તૂટી પડ્યો,બાણોની ભયંકર ઝડીઓ વરસાવી તેણે કર્ણના અશ્વો,રથ અને સારથિને એક ક્ષણમાં ઢાંકી દીધા.
કર્ણની મદદે આવેલા દ્રોણ,કૃપાચાર્ય ને ભીષ્મ આદિ સામે પણ બાણોની વર્ષા કરીને તેમના રથોને ઢાંકી દઈને તેમને રોકી દીધા.
પછી,અર્જુને પોતાના ભાથામાંથી તેજ્દાર ભલ્લ જાતનાં બાણો ચડાવ્યાં ને ધનુષ્યને છેક કાન સુધી ખેંચીને તે બાણોથી
કર્ણના હાથ,સાથળ,માથું આદિને ભેદી નાખ્યા.એટલે એક હાથીથી પરાજય પામેલા બીજા હાથીના જેવો કર્ણ,તે અર્જુનના બાણોથી વીંધાઈ જઈને,તથા તેના તાપથી તપી જઈને રણમોખરો છોડી દઈને ઝડપભેર ત્યાંથી નાસી છૂટ્યો (36)
અધ્યાય-૫૪-સમાપ્ત