અધ્યાય-૫૩-અર્જુને ગાયોને પાછી વાળી
II वैशंपायन उवाच II तथा व्युढेष्वनिकेषु कौरवेयेषु भारत I उपायादर्जुनस्तुर्ण रथघोषेण नादयन् II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભારત,આમ,કૌરવોએ વ્યુહબંધી કરી ત્યારે અર્જુન રથના ઘોષથી દિશાઓ ગજવતો ત્યાં આવી પહોંચ્યો.
ત્યારે કૌરવોએ અર્જુનની ધજા જોઈ,ને ગાંડીવના લાગલગાટ થતા ટંકારોથી તેમના કાન ભરાઈ ગયા.આ જોઈને અને અર્જુનને આવી પહોંચેલો જાણીને દ્રોણાચાર્ય બોલ્યા-'આ પૃથાનંદનના ધ્વજની ટોચ દૂરથી ઝગઝગી રહી છે,એના રથનો ઘોષ ગાજી રહ્યો છે ને એની ધજા ઉપર રહેલા વાનરની ગર્જના સંભળાઈ રહી છે.જુઓ એના ગાંડીવના બે બાણો મારા પગ આગળ આવીને પડ્યા,એ અર્જુન આમ કરીને મને પ્રણામ કરે છે.રથમાં બેઠેલો તે અગ્નિના જેવો શૉભી રહ્યો છે.(9)
અર્જુન બોલ્યો-હે સારથિ,થોડે છેટે તું રથને ઉભો રાખ,એટલે હું જોઈ લઉં કે દુર્યોધન આ સૈન્યમાં ક્યાં રહ્યો છે.સામે ઉભેલા
ભીષ્મ,દ્રોણ આદિ સર્વને પડતા મૂકીને હું એ અધમના માથા પર જ તૂટી પડીશ,ત્યારે બાકીના સર્વનો આપોઆપ પરાજય થઇ જશે.
અરે,અહીં તો તે દુર્યોધન દેખાતો નથી મને શંકા છે કે તે જીવ બચાવવા માટે ગાયો લઈને દક્ષિણ માર્ગે નાસી ગયો હશે,
હે વિરાટપુત્ર,આ સેનાને અહીં જ છોડીને જે બાજુ દુર્યોધન હોય તે બાજુ જ હવે રથને લઇ જા,
એ દુર્યોધનને હરાવીને હું ગાયોને પાછી લઇ આવીશ.(14)
વૈશંપાયન બોલ્યા-અર્જુનના કહેવાથી વિરાટપુત્રે જે દિશાએ દુર્યોધન ગયો હતો તે દિશા તરફ રથને હાંક્યો.ત્યારે કૃપાચાર્ય
તેનો અભિપ્રાય જાણી લઈને બોલ્યા-'આ અર્જુન દુર્યોધન સિવાય આપણી સાથે યુદ્ધ કરવા ઈચ્છતો લાગતો નથી,
તો આપણે પણ તેની પાછળ જવું જોઈએ કેમ કે રોષે ભરાયેલા તે અર્જુન આગળ દુર્યોધન ટકી શકશે નહિ'
બીજી બાજુ,અર્જુન દુર્યોધન પાછળ પહોંચી ગયો અને તેણે પોતાનું નામ સંભળાવીને,તીડની જેમ બાણો છોડીને તે સેનાને એકદમ ઢાંકી દીધી.અને શત્રુઓનાં રૂવાં ઊભાં કરી દે તેવો શંખનાદ કર્યો ને ગાંડીવનો કરીને ધ્વજ પર રહેલા ભૂતોને ગર્જના કરવા પ્રેરણા કરી.ત્યારે તેમની ગર્જનાથી,ગાંડીવના ઘોષથી ને શંખનાદથી પૃથ્વી ધણધણી ઉઠી.ત્યારે ગાયો પૂંછડાં ઊભાં કરી હલાવવા લાગી અને હંભા હંભા કરતી દક્ષિણ દિશામાં જવા લાગી. (25)
અધ્યાય-૫૩-સમાપ્ત