Sep 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-619

 

અધ્યાય-૫૨-વનવાસનાં વર્ષોનો નિર્ણય ને વ્યૂહરચના 


II भीष्म उवाच II कलाः काष्ठाश्च युज्यंते मुहुर्ताश्व दिनानि च I अर्धमासाश्व नक्षत्राणि ग्रहास्तथा II १ II

ભીષ્મ બોલ્યા-કલા,કાષ્ઠા,મુહૂર્ત,દિવસ,પક્ષ,નક્ષત્ર,ગ્રહ,ઋતુ અને સંવત્સર એ સૌના યોગથી કાળગણના થાય છે ને એ રીતે 

કાળવિભાગ પ્રમાણે કાળચક્ર ચાલ્યા કરે છે.તેમાં કાળના અતિરેકથી અને નક્ષત્રોના વ્યતિક્રમને લીધે જે ભેદ પડે છે તે દૂર કરવાને માટે પ્રત્યેક પાંચ પાંચ વર્ષે,બબ્બે માસ ઉમેરવામાં આવે છે,એ રીતે જોતાં,પાંડવોને તેર વર્ષ ઉપર પાંચ મહિના અને બાર રાતો વધારે થાય છે,એમ મારુ માનવું છે.તેમને જે પ્રતિજ્ઞા કરી હતી તે તેમણે યથાર્થ પાળી છે.અને ખાતરીપૂર્વક જાણ્યા પછી જ અર્જુન અહીં યુદ્ધ કરવા સામે આવ્યો છે.તે સર્વ પાંડવો ધર્મ ને અર્થમાં નિષ્ણાત છે,તેઓ નિર્લોભી છે ને તેમણે દુષ્કર કાર્યો કર્યા છે,તેથી તેઓ કેવળ ઉલટા ઉપાયથી રાજ્ય મેળવવાની ઈચ્છા કરે તેમ નથી.

એ કુરુનંદનો,તો ત્યાં દ્યુતસભામાં પણ પરાક્રમ કરવાને સમર્થ હતા,પણ તેઓ ધર્મપાશથી બંધાયેલા હતા.તેઓ મરણને વહાલું કરશે પણ અસત્ય સાથે સંમત થશે નહિ,એટલે જે કોઈ અર્જુનને અસત્ય આચરણ કરનારો કહેશે તે પરાભવ જ પામશે.

પાંડવો યોગ્ય કાલે,યોગ્ય વસ્તુ મેળવ્યા વિના છોડે નહિ એવા પરાક્રમી છે.સર્વ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ એવા અર્જુન સાથે આપણે સંગ્રામમાં ભેટો કરવાનો છે,ત્યારે આ સંબંધમાં જે કલ્યાણકારી હોય તે શીઘ્ર કરો.આ સંગ્રામમાં વિજય જ થાય એવું મને લાગતું નથી.સંગ્રામમાં જય એક જ પક્ષે જાય છે,ત્યારે સંગ્રામ કે ધર્મસંમત કર્મ (સુલેહ) એ બેમાંથી ગમે તે કરી લો (14)


દુર્યોધન બોલ્યો-'હે પિતામહ,હું પાંડવોને રાજ્ય નહિ જ આપું,માટે યુદ્ધ સંબંધી જે કર્તવ્ય હોય તે તમે સત્વરે કરો'

ભીષ્મ બોલ્યા-'હે દુર્યોધન,મારે તને સર્વથા જે કલ્યાણકારી હોય તે કહેવું જોઈએ તેથી મને આ સંબંધમાં જે વિચાર આવે છે તે તું તને રુચે તો સાંભળ.તું સેનાનો ચોથો ભાગ લઈને શીઘ્ર હસ્તિનાપુર તરફ જા,પછી બીજો ચોથો ભાગ આ ગાયોને લઈને જાય.આમ સેનાનો અડધો ભાગ રહેશે ત વડે અમે અર્જુન સામે યુદ્ધ કરશું.પછી,ભલેને મત્સ્યરાજ અને ઇન્દ્ર પણ આવે તો અમે જેમ,કિનારા સાગરને અટકાવી રાખે છે તેમ તેમને અટકાવી રાખીશું.(19)


ત્યારે ભીષ્મનાં વચન મુજબ દુર્યોધને તે પ્રમાણે જ કર્યું પછી,ભીષ્મે સેનાના અધિપતિઓને વ્યસ્થિત ઉભા રાખતાં કહ્યું કે-

'હે આચાર્ય,તમે સર્વ સેનાની મધ્યમાં ઉભા રહો,અશ્વસ્થામા ડાબી બાજુ,કૃપાચાર્ય જમણી બાજુએ રહીને તેમનું રક્ષણ કરો,

સેનાને મોખરે કર્ણ ઉભો રહે ને હું સર્વ સૈન્યની પાછળ રહીને સર્વનું રક્ષણ કરતો રહીશ (23)

અધ્યાય-૫૨-સમાપ્ત