Sep 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-618

 
અધ્યાય-૫૧-ભીષ્મે સાંત્વન કર્યું 

II भीष्म उवाच II साधु पश्यति वै द्रौणिः कृपः साध्वनुपश्यति I कर्णस्तु क्षात्रधमण केवलं योद्धवुमिच्छति II १ II
ભીષ્મ બોલ્યા-આ દ્રોણપુત્ર અને કૃપાચાર્ય યોગ્ય જ કહે છે.એક આ કર્ણ જ કેવળ ક્ષાત્રધર્મથી યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે.
પણ,વિદ્વાન પુરુષે આચાર્યને દોષ દેવો યોગ્ય નથી,દેશકાળને જોઈને જ યુદ્ધ કરવું જોઈએ એમ હું પણ માનું છું.
જેના સૂર્ય જેવા તેજસ્વી ને પ્રહાર કરનારા પાંચ શત્રુઓ (પાંડવો) છે એ શત્રુઓનો ઉદય થાય ત્યારે પંડિત મનુષ્ય પણ કેમ મૂંઝવણમાં ન પડે? સર્વ ધર્મવેત્તા મનુષ્યો પણ સ્વાર્થની વાતમાં મૂંઝાઈ પડે છે.કર્ણે,આચાર્યની નિંદા કરનારાં જે વચન કહ્યાં તે તો આચાર્યમાં તેજ પ્રગટાવવા માટે છે માટે અશ્વસ્થામા તેને ક્ષમા કરે,કેમ કે અત્યારે આપણી સમક્ષ મોટું કામ આવી ઉભું છે.
જયારે અર્જુન સામે આવીને ઉભો છે ત્યારે આ વિરોધ કરવાનો સમય નથી,તો તમે સર્વ તેને ક્ષમા કરો.વેદોનું જ્ઞાન અને બ્રહ્માસ્ત્ર,એ બંને આચાર્ય સિવાય બીજા કોઈમાં એક સાથે રહેલાં જોવામાં આવતાં નથી,આ સમય પરસ્પર ઝગડાવાનો નથી પણ આપણે સર્વ એક થઈને સામે આવેલા આ ઇન્દ્રપુત્ર સામે યુદ્ધ કરીએ.વિદ્વાનોએ સેનાના વિનાશના જે કારણો વર્ણવ્યા છે તેમાં પરસ્પર ફાટફૂટ એ સૌથી મુખ્ય કારણ છે,ને તે મહાપાપરુપ જ છે.(13)

દુર્યોધન બોલ્યો-'હે આચાર્ય આ કર્ણને ક્ષમા આપો ને અહીં શાંતિ થાય તેમ કરો,આપે જે વચનો કહ્યાં છે 
તે રોષથી જ કહ્યાં છે,ને પરસ્પર ભેદ પડાવવાને નથી જ કહ્યાં તે હું જાણું છું'
આમ,ભીષ્મ,કૃપાચાર્ય અને દુર્યોધને જયારે દ્રોણની ક્ષમા માગી ત્યારે દ્રોણ બોલ્યા-'ભીષ્મે પ્રથમ જે કહ્યું કે 'ભેદ ન પાડવો અને ક્ષમા આપવી'તે વચનથી હું પ્રસન્ન થયો છું માટે હવે યુદ્ધનીતિની વ્યવસ્થા કરો.તે અર્જુન,વનવાસનાં તેર વર્ષ પૂરાં થયા વિના કદી પણ દેખા દે જ નહિ અને જ્યાં સુધી એ ગોધન પાછું મેળવશે નહિ ત્યાં સુધી એ આપણને ક્ષમા કરશે નહિ.
હે ભીષ્મ,દુર્યોધને અજ્ઞાતવાસના સંબંધમાં જે વચન કહ્યું છે તેનો તમે વિચાર કરીને યથાર્થ ઉત્તર આપો (22)
અધ્યાય-૫૧-સમાપ્ત