Sep 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-617

 

અધ્યાય-૫૦-અશ્વસ્થામાનું ભાષણ 


II अश्वस्थामा उवाच II न च ताव्ज्विता गावो न च सिमांतरं गताः I न हस्तिनापुरं प्राप्तास्तवं च कर्ण विकत्थसे II १ II

અશ્વસ્થામા બોલ્યો-હે કર્ણ,હજુ તો આ ગાયો હસ્તિનાપુરમાં પહોંચી નથી ને તું શેની બડાશો મારે છે? શૂરાઓ તો સંગ્રામો જીતીને

પોતાના પરાક્રમની કશી લાંબીચોડી વાતો કરતા નથી.અગ્નિ બોલ્યા વિના જ બળે છે,સૂર્ય મૌન રહીને જ ઝળહળે છે.

જુગટાથી ને છેતરપિંડીથી,ક્રૂર અને નિર્લજ્જ દુર્યોધને રાજ્ય મેળવ્યું છે,ને આવા રાજ્યથી કયો ક્ષત્રિય સંતોષ લઇ શકે?

કે કોણ તેની બડાઈ હાંકી શકે? આજે મેળવેલું ગૌધન શું તેં કોઈ સામે યુદ્ધ કરીને મેળવ્યું છે? કયા યુદ્ધમાં તેં પાંડવોના એકને

પણ જીત્યો છે? કયા યુદ્ધમાં ઇન્દ્રપ્રસ્થ પર વિજય મેળવ્યો છે? કયા યુદ્ધમાં દ્રૌપદીને જીતી હતી? 

ધનના લોભથી જુગારમાં રાજ્ય જીતીને પાંડવોને દાસ બનાવ્યા ત્યારે વિદુરે શું કહ્યું હતું,તે યાદ કર.મનુષ્ય અમુક હદ સુધી જ પોતાની શક્તિ પ્રમાણે શાંતિ રાખે છે,એટલે દ્રૌપદી પર થયેલો અત્યાચાર અર્જુન સહન જ નહિ કરી શકવાનો.અને ધૃતરાષ્ટ્ર પુત્રોનો નાશ કરવા જ તે પ્રગટ થયો છે.ત્યારે તું ડાહ્યો થઈને આડંબર કરીને આમ બોલે છે પણ જો વેરનો છેડો લાવશે તો આપણામાંથી કોઈ બાકી રહેશે નહિ.તે અર્જુન,દેવો,ગંધર્વો,અસુરો અને રાક્ષસો સામે લડતાં,ભયથી પાછો પડે તેવો નથી,વીર્યમાં જે તારાથી વિશેષ છે,ધનુર્વિદ્યામાં જે ઇન્દ્રસમો છે,ને યુદ્ધમાં જે વાસુદેવ સમાન છે તેને કોણ ન પૂજે?


એ દેવોની સામે દેવોની વિધિએ,મનુષ્યોની સામે મનુષ્યોની વિધિએ યુદ્ધ કરે છે ને અસ્ત્રોથી અસ્ત્રોનો સંહાર કરે છે,

એ અર્જુનની સમાન બીજો કયો પુરુષ છે?મારા પિતા દ્રોણાચાર્યને મારા કરતાં પણ અર્જુન પ્રિય છે.

આ જુગાર ખેલનારા મામાને આગળ કરીને,તેનાથી સુરક્ષિત રહીને તું યુદ્ધ કર.કેમ કે અર્જુનનું ગાંડીવ કંઈ પાસા નાખતું નથી,

તેમાંથી તો ધોધબંધ તીક્ષ્ણ ધારવાળાં બાણો છૂટે છે,ને તે કોપેલો અર્જુન કંઈજ શેષ રહેવા દેશે નહિ.

યુદ્ધની ઈચ્છા રાખનારા બીજા યોદ્ધાઓ ભલે યુદ્ધ કરે પણ હું તો તે ધનંજય સાથે યુદ્ધ  નહીં કરું,જો મત્સ્યરાજ કદી

ગાયો છોડાવવા આવશે તોજ મારે તેમની સાથે યુદ્ધ કરવું જોઈએ (28)

અધ્યાય-૫૦-સમાપ્ત