Sep 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-616

 

અધ્યાય-૪૯-કૃપાચાર્યનું ભાષણ 


II कृप उवाच II सदैव तव राधेय युद्धे क्रुरतरा मतिः I नार्थानां प्रकृतिं वेत्सि नानुवन्धमवेक्षसे II १ II

કૃપ બોલ્યા-હે રાધેય,યુદ્ધના વિષયમાં તારી મતિ સદૈવ ક્રૂર હોય છે પણ તું કાર્યનું સ્વરૂપ જાણતો નથી અને તેના પરિણામને પણ લક્ષમાં લેતો નથી.શાસ્ત્રનો આધાર લઈને અનેક કપટયુક્તિઓ વિચારાઈ છે પણ તેમાં યુદ્ધ એ સૌથી પાપિષ્ટ છે એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે.દેશ અને કાળને અનુસરીને કરવામાં આવેલું યુદ્ધ જ વિજયદાયી ને કલ્યાણકારી છે.ઊંડો વિચાર કરવામાં આવે તો જણાશે કે જેણે એકલાએ જ ખાંડવ વનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો,તે એકલો જ જો અહીં આપણી સામે ચડી આવ્યો હશે તો તેની સામે યુદ્ધ કરવામાં આપણે સમર્થ નથી.એણે એકલાએ જ સુભદ્રાનું હરણ કરી,કૃષ્ણ ને બલરામને યુદ્ધનું આહવાન આપ્યું હતું,એણે એકલાએ જ કિરાતરૂપમાં રહેલા શિવ સાથે યુદ્ધ કર્યું હતું,

એ એકલો જ પાંચ વર્ષ સુધી ઇન્દ્ર પાસેથી યુદ્ધ શીખીને દિવ્ય અસ્ત્રોને પામેલો છે,એણે એકલાએ જ ગંધર્વરાજ ચિત્રસેનને જીત્યો હતો,એણે એકલાએ જ નિવાત કવચો કે જેનો દેવો પણ વધ કરી શકતા નહોતા,તેઓનો વધ કર્યો છે.ઇન્દ્ર પણ તેની સામે યુદ્ધ કરવા યોગ્ય નથી ત્યારે તું તે અર્જુન સામે યુદ્ધ કરવા તલપી રહ્યો છે.તારે તારી આ ઘેલછાનું કંઈ ઓસડ કરવું જોઈએ.તું વનમાં વિચારતા મદમત્ત માતંગ પર વગર અંકુશે એકલો જ ચડીને નગરમાં જવાને ઈચ્છે તેવું લાગે છે કે ભડભડતા અગ્નિની મધ્યમાંથી પસાર થવાને ઈચ્છે છે.


હે કર્ણ,અસ્ત્રવિદ્યાને નહિ જાણનારો અને અત્યંત દુર્બળ એવો જે પુરુષ,એકલો જ,અસ્ત્રવિદ્યામાં નિપુણ અને અત્યંત બળવાન એવા આ પાર્થ સામે યુદ્ધ કરવાને જે ઈચ્છે છે તે મૂર્ખ બુદ્ધિનો જ છે.આપણે જ કપટ કરીને તેને તેર વર્ષ સુધી વનમાં ધકેલી દીધો હતો,પણ એ સિંહ હવે બંધનમાંથી છૂટ્યો છે અને આપણને કોઈને છોડશે નહિ.માટે આપણે સાથે રહીને તેની સામે યુદ્ધ કરીએ.તું,દ્રોણ,ભીષ્મ,અશ્વસ્થામા,સૂર્યોધન ને હું એ સર્વ રથીઓ એકસાથે રહીને યુદ્ધ કરીશું તો જ આપણે તેની સામે ટકી શકીશું.માટે સૈન્યને સજ્જ કરીને તે અર્જુન સામે યુદ્ધ કરવાને તત્પર થઈએ (23)

અધ્યાય-૪૯-સમાપ્ત