Sep 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-615

 
અધ્યાય-૪૮-કર્ણની બડાઈ 

II कर्ण उवाच II सर्वानायुष्मतो भीतान संत्रस्तानिव लक्षये I अयुद्वमनसश्चैव सर्वाश्वैवानवस्थितान् II १ II
કર્ણ બોલ્યો-મને તો તમે સર્વ વૃદ્ધો,ભયભીત થયેલા અને સર્વશઃ અસ્થિરચિત્ત બની ગયેલા લાગો છો.અહીં સામે મત્સ્યરાજ કે અર્જુન ગમે તે આવ્યો હોય,પણ હું તેમને,જેમ કિનારા સમુદ્રને અટકાવી રાખે છે તેમ તેમને અટકાવી રાખીશ.મારા હાથનાં બાણો,જેમ તીડો,વૃક્ષને ઢાંકી દે છે,તેમ તે પૃથાપુત્રને ઢાંકી દેશે.મારા સુવર્ણ બાણોથી આકાશ આગિયાથી છવાઈ ગયેલા જેવું જણાશે.પૂર્વે વચનથી સ્વીકારેલું દુર્યોધનનું ઋણ,આજે હું આ સંગ્રામમાં અર્જુનને હણીને વાળી દઈશ.જેમ,ગરુડ,સાપને પકડી લે છે તેમ આજે હું તે અર્જુનને મારા બાણોથી વિવશ કરીને રથમાંથી જ પકડી લઈશ.
જેમ,સર્પો રાફડામાં પેસી જાય,તેમ,મારા ધનુષ્યમાંથી છૂટેલા ઝેરી સર્પ જેવા બાણો એ પાર્થના શરીરમાં પેસી જશે.ઋષિશ્રેષ્ઠ પરશુરામ પાસેથી મને જે અસ્ત્ર પ્રાપ્ત થયું છે તેનો આશ્રય કરીને હું ઇન્દ્રની સામે પણ યુદ્ધ કરી શકું તેમ છું.અરે,એની ધજાની ટોચ પર જે વાંદરો ઉભો છે તેને તું મારા ભાલાથી જ વીંધી નાખીશ એટલે તે ચિત્કાર કરીને પૃથ્વી પર પડશે અને તેની ધજા પર રહેલા ભૂતો મારા મારથી દિશાઓમાં ભાગવા લાગશે.આજે હું દુર્યોધનના હૃદયમાં ચિરકાળથી રહેલું સ્વપ્ન,
અર્જુનને રોળી પાડીને સમૂળગું કાઢી નાખીશ.આજે તે પૃથાપુત્રને તમે રથ વિનાનો થયેલો જોશો,
તેના ઘોડાને મરી ગયેલા જોશો ને તેને ભયથી ફૂંફાડા મારતો જોશો 
હે કૌરવો,તમે તો આ ગોધનને લઈને અહીંથી જાઓ,અથવા જો તમારે જોવું હોય તો મારું આજનું યુદ્ધ જુઓ.(23)
અધ્યાય-૪૮-સમાપ્ત