Sep 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-614

 

અધ્યાય-૪૭-કર્ણ અને દુર્યોધનનાં વચન 


II वैशंपायन उवाच II अथ दुर्योधनो राजा समरे भीष्मब्रवीत I द्रोणं च रथशार्दुलं कृपं च सुमहारथम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દુર્યોધને રણભૂમિમાં ભીષ્મને,રથશાર્દુલ દ્રોણને અને ઉત્તમ મહારથી કૃપાચાર્યને કહ્યું કે-

'મેં આ એક વાત વારંવાર કહી છે કે એવો ઠરાવ હતો કે પાંડવોએ તેરમે વર્ષે અજ્ઞાતવાસમાં રહેવું,હવે એ અજ્ઞાતવાસનું તેરમું વર્ષ

પૂરું થયું નથી અને અર્જુન આપણી સામે આવ્યો છે,એટલે પાંડવોએ ફરીથી બાર વર્ષ વનમાં રહેવાનું થશે.તેઓ સમયની

ગણતરીમાં ચૂક ખાઈ ગયા હોય કે અમારી કોઈ ગફલત થતી હોય તો સમયના સંબંધમાં નિર્ણય કરવા ભીષ્મ યોગ્ય છે.

આપણે તો મત્સ્યદેશની ઉત્તર તરફની ગાયો મેળવવાને યુદ્ધ કરી રહ્યા છીએ,ત્યારે અર્જુન જ સામેથી આવ્યો હોય 

તો તેમાં આપણે કોનો અપરાધ કર્યો ગણાય? (5)

ભયથી પરાભવ પામેલા ત્રિગર્તોને માટે જ આપણે મત્સ્યો સાથે યુદ્ધની પ્રતિજ્ઞા કરી છે ને તેમની સાથે ઠરાવ કર્યો હતો કે પ્રથમ સાતમને દિવસે સાંજના સમયે ત્રિગર્તોએ ગોધન કરવું,જેથી મત્સ્યરાજ પોતાની ગાયોને પાછી મેળવવા જાય ત્યારે બીજે  દિવસે સૂર્યોદય સમયે આપણે આ બાજુની ગાયો હરવી.હવે જો એ ત્રિગર્તો ગાયો હરી લાવે,પરાજય પામે કે સંધિ કરે,કે પછી મત્સ્યરાજ ત્રિગર્તોને પડતા મૂકી પાછો નગરમાં આવ્યો હોય તો તેની સેનાએ લઈને તે જ યુદ્ધ કરવા આવી રહ્યો હોય.

જો મત્સ્યરાજ આવ્યો હોય કે અર્જુન આવ્યો હોય પણ આપણે સૌએ તેની સાથે યુદ્ધ કરવું જ એવી આપણે 

પ્રતિજ્ઞા કરી છે,તો તમે કેમ ગભરાવ છો? અહીં,યુદ્ધ વિના બીજી કોઈ ગતિ નથી,

સંગ્રામમાં તેમને પરાજય આપ્યા વિના આપણે કેમ પાછા જઈ શકીએ? (19)


કર્ણ બોલ્યો-દ્રોણાચાર્યને પાછળ રાખીને જ આપણે ઠરાવ પ્રમાણે યુદ્ધવ્યવસ્થા કરો.એ આચાર્ય પાંડવોને જાણે છે 

એટલે જ આપણને ગભરાવે છે વળી હું જોઉં છું કે તેમને અર્જુન પર વિશેષ પ્રીતિ છે,એથી તેને આવતો જોઈને 

તેની પ્રસંશા કરવા માંડે છે.આપણે એવી વ્યવસ્થા કરી નાખો કે જેથી સૈન્યમાં ભંગાણ પડે નહિ.આ આચાર્યને 

તો પાંડવો નિત્ય વહાલા છે તેથી જ સ્વાર્થી પાંડવોએ એમને તમારી પાસે રાખ્યા છે,બાકી ઘોડાઓનો હણહણાટ 

સાંભળીને બીજો કોણ અર્જુનની સ્તુતિ કરવા માંડે? ઘોડાઓની તો હણહણાટ કરવાની ટેવ હોય છે જ.

પવનો તો સદૈવ વાયા કરે,મેઘની ગર્જનાઓ વારેવારે સંભળાયા કરે તેમાં શાનો ભય?


કેવળ અર્જુનનું ભલું કરવાની ઈચ્છા સિવાય અથવા આપણા તરફ દ્વેષ કે રોષ સિવાય,આચાર્યનું બીજું શું પ્રયોજન હોય?

અરે,આચાર્યો તો દયાળુ હોય,જ્ઞાની હોય કે હિંસામાં પાપ જોનારા હોય છે,એટલે આવા સમયે તેમની કોઈ રીતે સલાહ 

લેવાય નહિ.પંડિતો તો સભામાં જ શોભે,કે વ્યવહારોની જાતજાતની વિધિઓના નિયમો સમજાવવામાં જ 

આ પંડિતો શૉભે,આથી શત્રુઓની ગુણગાથા કરનારા પંડિતોને વેગળા મૂકી દઈને એવી વ્યવસ્થા કરો 

કે જેથી શત્રુનો વધ કરી શકાય.ગાયોને વચ્ચે રાખીને તેની ચારે બાજુ રક્ષકો ગોઠવી દો (34)

અધ્યાય-૪૭-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE