Sep 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-613

 
અધ્યાય-૪૬-અર્જુનનો શંખનાદ તથા ઉત્પાતો 

II वैशंपायन उवाच II उत्तरं सारथिं कृत्वा शमीं कृत्वा प्रदिक्षणम् I आयुधं सर्वमादाय प्रपयो पांडवर्षभ: II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવવર અર્જુને ઉત્તરને સારથિ કર્યો,શમીવૃક્ષની પ્રદિક્ષણા કરી અને સર્વ આયુધો લઈ 
ત્યાંથી પ્રયાણ કર્યું.જતી વખતે તેણે તે રથમાંથી સિંહધ્વજ ઉતારીને તેને શમીવૃક્ષના મૂળ આગળ મુક્યો અને 
વિશ્વકર્માએ નિર્મેલી,દૈવી માયાવાળી અને શત્રુઓનો સંહાર કરે એવા વાનરના ચિહ્નવાળી સોનેરી ધ્વજાનું અને 
અગ્નિદેવના પ્રસાદથી મળેલા રથનું મનમાં ચિંતન કર્યું કે તરત જ તે રથ આકાશમાંથી નીચે ઉતરી આવ્યો.
અગ્નિદેવે પોતાની સર્વ ભૂતમંડળીને રથના ધ્વજ પર રહેવાનો આદેશ આપ્યો.
અશ્વને આવેલો જોઈને અર્જુને,જેના વાવટા પર હનુમાન છે તે રથની પ્રદિક્ષણા કરી અને ઘોના ચામડાના મોજાં પહેર્યા,
ધનુષ્ય હાથમાં લીધું અને શત્રુઓનાં રુંવાડાં ઊભાં કરી નાખે એવા નાદવાળા શંખને વગાડ્યો.
ત્યારે ઘોડાઓ પણ ગભરાઈને પૃથ્વી પર ઘૂંટણભેર થઇ ગયા,ઉત્તર તો ગભરાઈને ઠરી  જ ગયો ત્યારે અર્જુને હાથમાં 
લગામ લઈને અશ્વોને ફરી ઠીક કર્યા અને ઉત્તરને આશ્વાસન આપતાં કહ્યું કે-તું ક્ષત્રિય છે ને શંખોના અનેક નાદ 
તેં સાંભળ્યા છે તો તું આ શંખનાદથી શાને ડરી ગયો છે ને ફિક્કો પડી ગયો છે? (13)

ઉત્તર બોલ્યો-મેં અનેક શંખનાદ સાંભળ્યા છે પણ આના જેવો શંખનાદ પૂર્વે કદી સાંભળ્યો નથી.
આ શંખનાદથી,ધજા પર રહેલા અમાનુષ ભૂતોના શબ્દથી અને રથના નિનાદથી મારું મન મુંજાઈ જાય છે,
મારા કાનો બહેરા થઇ ગયા છે ને ધ્વજાથી ઢંકાઈ ગયેલી સર્વ દિશાઓને લીધે મને દિશા સૂઝતી નથી.
અર્જુન બોલ્યો-હે ઉત્તર,તું બંને પગે રથની બેસણીને દબાવી બેસી રહીને 
લગામોને મજબૂત રીતે પકડી રાખ,હું ફરીથી શંખનાદ કરું છું.

પછી,અર્જુને,પર્વતોને,ગુફાઓને,દિશાઓને અને શિલાસમુહોને જાને ચીરી નાખતો હોય તેવો શંખધ્વનિ ફૂંક્યો.
ને પછી ગાંડીવનો ટંકાર કર્યો ત્યારે પૃથ્વી ધણધણવા લાગી.ત્યારે કુરુસેનામાં રહેલા દ્રોણ બોલી ઉઠયા કે-
ગાંડીવના ટંકાર પરથી લાગે છે કે-સામો આવનાર બીજો કોઈ નહિ પણ અર્જુન જ છે.આપણાં શસ્ત્રો નિસ્તેજ લાગે છે,આપણા અશ્વો ઉદાસ લાગે છે અને આપણા અગ્નિઓ ચેતાવ્યા છતાં પ્રકાશતા નથી,એ સારા ચિહ્નો નથી.
આપણાં પશુઓ સૂર્યની સામે જોઈને ઘોર શબ્દો કરી રહ્યા છે,કાગડાઓ આવી ધ્વજા પર બેસે છે-
એ સારા ચિહ્નો નથી.પક્ષીઓ ડાબી બાજુએ જઈને આપણેને મહાન ભયની સૂચના આપે છે.

આ શિયાળ રડતું રડતું આપણી સેનાની વચ્ચે થઈને જરા પણ ઘાયલ થયા વિના દોડ્યું જાય છે તે મહાભય સૂચવે છે,
એમ લાગે છે કે આ યુદ્ધમાં ક્ષત્રિયોનો અવશ્ય ઘાણ નીકળી જશે.આ સૂર્યાદિ જ્યોતિઓ ઝાંખા થઇ ગયા છે,
પશુ પંખીઓ દારુણ ચીસો પાડે છે અને ક્ષત્રિયોનો નાશ સુચવનારા ઘોર ઉત્પાતો જોવામાં આવે છે.
હે દુર્યોધન,તારાં વાહનો ઉદાસીન થઈને જાણે રડી રહ્યાં હોય એમ દેખાય છે,આ તારી સેના અત્યારે જ હારીને બેઠેલી લાગે છે ને એમાંનો કોઈ પણ યુદ્ધ કરવા માટે ઈચ્છતો નથી,બધા યોદ્ધાઓનાં મોં ફિક્કાં પડી ગયાં છે અને ચિત્ત જાણે ફટકી ગયાં  છે,આથી ગાયોને મોકલી દઈને યુદ્ધની વ્યૂહરચનામાં ઉભા રહીએ (33)
અધ્યાય-૪૬-સમાપ્ત