Sep 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-612

 

અધ્યાય-૪૫-ઉત્તર અને અર્જુનનો સંવાદ 


II उत्तर उवाच II आस्थाय रुचिरं वीर रथं सारथिना मया I कतमं यास्यसेनीकमुक्तो यास्याम्यहं त्वया II १ II

ઉત્તર બોલ્યો-હે વીર,તમે આ સોહામણા રથમાં બેસીને કઈ બાજુ જવા ઈચ્છો છે તે મને સારથિને કહો,

તમારી આજ્ઞા થતાં જ,હું તમને આ રથમાં એ પ્રમાણે લઇ જઈશ 

અર્જુન બોલ્યો-હે ઉત્તર,હું પ્રસન્ન થયો છું,હવે તને ભય નથી,હું તારા સર્વ શત્રુઓને રણમાંથી નસાડી મુકીશ,હવે તું મારુ

મહાભયંકર કર્મ જો,તું આ સર્વ ભાથાઓને રથ સાથે બાંધી દે ને માત્ર સોનાથી મઢેલી મારી તલવાર લઇ લે.

ઉત્તર બોલ્યો-હવે હું એ શત્રુઓથી બીતો નથી,કેમ કે હું જાણું છું કે તમે યુદ્ધમાં નિશ્ચળ છો.ને કેશવ કે ઇન્દ્રની બરાબરી કરો એમ છો,

પણ,હજુ મને એક વાતનો વિચાર કરતાં મૂંઝવણ થઇ આવે છે કે-તમને કયા કર્મ વડે નપુંસકપણું આવ્યું છે? 

હું તો તમને ગંધર્વરાજ,શંકર કે ઇન્દ્રદેવ જેવા માનું છું (13)


અર્જુન બોલ્યો-મોટાભાઈની આજ્ઞાથી આ એકવર્ષ માટે હું આ નપુંસકવ્રત પાળી રહ્યો છું.હું નપુંસક નથી પણ ધર્મનિષ્ઠ અને

પરતંત્ર હોવાથી આ દશામાં રહું છું,પણ,મારું આ વ્રત પૂરું થયું છે ને હું આપત્તિમાંથી પાર ઉતર્યો છું.

ઉત્તર બોલ્યો-હે નરોત્તમ,તમે આજે મારા પર ભારે કૃપા કરી છે.તમે નપુંસક હોઈ શકો નહિ,એવો મારો તર્ક વૃથા થયો નથી.હું ગુરુ પાસેથી સારથિનું કાર્ય શીખ્યો છું એટલે આ અશ્વોને હું લગામમાં રાખીશ,તમે મને વાસુદેવના સારથિ દારુક જેવો કે ઇન્દ્રના સારથિ માતલિ જેવો સારથિ કર્મમાં નિપુણ જાણો.

આ જમણી બાજુનો અશ્વ શ્રીકૃષ્ણના સુગ્રીવ અશ્વ જેવો ને ડાબી બાજુનો અશ્વ શ્રીકૃષ્ણના મેઘપુષ્પ અશ્વની બરાબરી કરે તેવો છે એમ હું માનું છું.વળી તેની પાછળના અશ્વો પણ શ્રીકૃષ્ણ શૈબ્ય અને બલાહક અશ્વ સમાન છે.આથી આ રથ,ધનુર્ધર એવા તમને સંગ્રામમાં વાહન કરવાને યોગ્ય છે એવો મારો મત છે.(24)


પછી,અર્જુને પોતાના બંને હાથ પરથી ચૂડીઓ ઉતારી પણછના આઘાતને રોકનારા પટ્ટાઓ બાંધી દીધા.ને સ્વસ્થ મન થઈને,પૂર્વાભિમુખ બેસી અસ્ત્રોનું સ્મરણ કરવા લાગ્યો,ત્યારે સર્વ અસ્ત્રો હાજર થયાં.અર્જુને તે સર્વને પ્રણામ કરીને હાથથી સ્પર્શ કરીને કહ્યું કે-'મારા મનમાં નિવાસ કરો'.પછી તેણે વેગપૂર્વક પણછ ચડાવીને ગાંડીવનો ટંકાર કર્યો.ત્યારે એક મહાપર્વત બીજા મહાપર્વત સાથે અથડાય તેવો મહાધ્વનિ ઉઠ્યો.ને પુષ્કળ પવન ફૂંકાવા લાગ્યો,

ઉલ્કાઓ પાડવા લાગી,ઘોર અંધારું થયું ને વૃક્ષો કંપી ઉઠ્યાં.કુરુઓએ આને વજ્રપાતનો કડાકો થયેલો જાણ્યો 


ઉત્તર બોલ્યો-હે પાંડવશ્રેષ્ઠ,તમે એકલા છો,તો સામેના અનેક મહારથીઓને તમે કેવી રીતે જીતી શકશો?

તમે અસહાય છો અને કૌરવો સહાયવાળા છે,તેથી મને થોડો ભય થાય છે 

અર્જુન બોલ્યો-તું બીશ નહિ,ઘોષયાત્રામાં મેં ગંધર્વો સાથે યુદ્ધ કર્યું ત્યારે ત્યાં કોણ મારો સહાયક હતો?

ખાંડવવનના યુદ્ધમાં,નિવાતકવચો ને પૌલોમોના યુદ્ધમાં કોણ મારો સહાયક હતો? પાંચાલીના સ્વયંવરમાં મેં અનેક રાજાઓ સાથે યુદ્ધ કર્યું હતું.મેં ગુરુ દ્રોણાચાર્યની,ઇન્દ્રની,કુબેરની,યમની,

વરુણની,અગ્નિની,કૃપાચારુની,શ્રીકૃષ્ણની અને શંકરની સેવા કરી છે તો હું આ યોદ્ધાઓની સામે 

એકલો યુદ્ધ કેમ ન કરી શકીશ?તું રથને ચલાવ ને મનનો સંતાપ દૂર કર (41)

અધ્યાય-૪૫-સમાપ્ત