અધ્યાય-૪૪-અર્જુનનો પરિચય
II उत्तर उवाच II सुवर्णविकृतानिमान्यायुधानि महात्मनः I रुचिराणि प्रकाशंते पार्थानामाशुकरिणां II १ II
ઉત્તર બોલ્યો-શીઘ્ર કામ કરનારા આ મહાત્મા પૃથાનંદનોના સુવર્ણચિત્રિત અને સોહામણાં આયુધો અહીં છે તો તે
અર્જુન,યુધિષ્ઠિર,ભીમ,નકુલ અને સહદેવ ક્યાં છે?દ્રૌપદી પણ તેમની પાછળ વનમાં ગઈ હતી,તો તે ક્યાં છે?
અર્જુન બોલ્યો-'હું અર્જુન છું,તારા પિતાના સભાસદ યુધિષ્ઠિર છે,બલ્લવ ભીમસેન છે,અશ્વશિક્ષક નકુલ છે અને
ગોરક્ષક સહદેવ છે.ને જેને કારણે કીચકો માર્યા ગયા તે સૈરંધ્રીને તું દ્રૌપદી જાણ (6)
ઉત્તર બૉંલ્યો-પૂર્વે મેં પૃથાપુત્ર અર્જુનનાં દશ નામ સાંભળ્યાં છે તે બધાં નામો અને તે કયા કારણથી પડ્યાં હતાં ?
તે મેં સાંભળ્યાં નથી તો તે તું કહે તો મને આ તારી બધી વાત પર વિશ્વાસ પડે,
અર્જુન બોલ્યો-હું સર્વ દેશોને જીતીને ધન લાવીને તેની વચ્ચે ઉભો રહું છું તેથી લોકો મને ધનંજય કહે છે,
સંગ્રામમાં વિજય મેળવ્યા વિના પાછો ફરતો નથી તેથી મને વિજય નામે જાણે છે,યુદ્ધમાં જતી વખતે મારા રથને સફેદ અશ્વો જોડવામાં આવે છે તેથી હું શ્વેતવાહન કહેવાઉં છું.હું ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં જન્મ્યો હોવાથી લોકો મને ફાલ્ગુન કહે છે,ઇન્દ્રે મારે માથે તેજસ્વી કિરીટ (મુકુટ)મુક્યો હતો તેથી હું કિરીટી કહેવાઉં છું.
યુદ્ધ કરતી વખતે હું કદી પણ બીભત્સ-નિંદ્યકર્મ કરતો નથી,તેથી હું બીભત્સુ નામે વિખ્યાત થયો છું.
મારા બંને હાથો ગાંડીવ ખેંચવામાં કુશળ છે તેથી સવ્યસાચી કહેવાઉં છું.આ સમસ્ત પૃથ્વીમાં મારા જેવો વર્ણ દુર્લભ છે,
હું સમભાવવાળો છું ને શુદ્ધ કર્મો કરું છું તેથી લોકો મને અર્જુન તરીકે જાણે છે.હું ઇન્દ્રપુત્ર છું
તેથી જિષ્ણુ નામે અને બાળવયમાં કૃષ્ણ વર્ણનો હોવાને લીધે કૃષ્ણ તરીકે પણ પ્રસિદ્ધ છું (22)
ત્યારે ઉત્તરે અર્જુનની પાસે જઈને તેને પ્રણામ કર્યા અને કહ્યું કે-હે પાર્થ,મારુ સદભાગ્ય છે કે હું તમેં જોઉં છું,
તમારું સ્વાગત હો,હે મહાબાહુ,મેં અજ્ઞાનમાં તમને જે કાંઈ કહી નાખ્યું છે તે માટે તમે મને ક્ષમા આપજો.
હવે મારો ભય દૂર થયો છે ને મને તમારા પ્રત્યે પરમ પ્રીતિ ઉપજી છે (25)
અધ્યાય-૪૪-સમાપ્ત