Aug 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-610

 

અધ્યાય-૪૩-અર્જુનનો ઉત્તર 


II बृहन्नला उवाच II यन्मां पुर्वमिहाप्रुच्छ: शत्रुसेनापहारिणीम I गाण्डिवमेतत्पार्थस्य लोकेषु विदितं धनुः II १ II

બ્રહન્નલા બોલ્યો-તેં મને પ્રથમ આ જે ધનુષ્ય વિશે પૂઢહ્યું તે શત્રુસેનાને સંહારનારું અને ત્રણે લોકમાં પ્રસિદ્ધ એવું અર્જુનનું ગાંડીવ ધનુષ્ય છે,આ ધનુષ્ય આગળ સર્વ ધનુષ્યો પાણી ભરે છે,અર્જુનનું આ પરમ આયુધ લાખ ધનુષ્યોની બરાબરી કરનારું છે,કે જેનાથી અર્જુન દેવો ને મનુષ્યો પર વિજય મેળવે છે.પૂર્વે આ ગાંડીવને બ્રહ્માએ એક હજાર વર્ષ સુધી ધારણ કર્યું હતું,પછી પ્રજાપતિએ પાંચસો ને ત્રણ વર્ષ,ઇન્દ્રે પંચ્યાશી વર્ષ,સોમરાજાએ પાંચસો વર્ષ,વરુણે સો વર્ષ સુધી ધારણ કર્યું હતું ને પછી અર્જુને વરુણ પાસેથી તે મેળવી,પાંસઠ વર્ષથી તેને ધારણ કર્યું છે.

આ મોટું શોભી રહેલ ધનુષ્ય ભીમનું છે,ઇન્દ્ર્ગોપના ચિત્રવાળું ધનુષ્ય યુધિષ્ઠિરનું છે,સૂર્યોના ચિત્રવાળું ધનુષ્ય નકુલનું છે,ને મીનાકારીવાળું ધનુષ્ય સહદેવનું છે.હે ઉત્તર,આ તેજદાર ધારવાળાં,પીંછાંવાળાં,સર્પના જેવા લાંબા ને ઝેરી જે સહસ્ત્ર બાણો છે તે અર્જુનનાં છે,રણસંગ્રામમાં તે જયારે આ બાણોને શત્રુઓ પર છોડવા માંડે છે ત્યારે એ બાણોનો ક્ષય કદી થતો નથી.આ તીક્ષ્ણ,અર્ધચંદ્રાકાર બાણો ભીમના છે,આ સોનાના પીંછાવાળા નકુલના છે,

સૂર્ય જેવા ચમકતાં આ બાણો સહદેવના છે ને આ ત્રણ પર્વવાળાં મહાબાણો યુધિષ્ઠિરના છે.(18)


આ દેડકીના જેવા મોંવાળી મજબૂત તલવાર અર્જુનની છે.વ્યાઘ્ર ચર્મના મ્યાનમાં રાખેલી તલવાર ભીમની છે,સોનાની મૂઠવાળી તલવાર યુધિષ્ઠિરની છે,આ બકરાના ચામડાના મ્યાનમાં રાખેલી તલવાર નકુલની છે અને આ જે વિશાળ ને ગાયના ચામડાના મ્યાનમાં રાખેલી છે તે તલવારને તું સહદેવની જાણ (23)

અધ્યાય-૪૩-સમાપ્ત