Aug 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-609

 

અધ્યાય-૪૧-ઉત્તરે અસ્ત્રો ઉતાર્યા 


II उत्तर उवाच II अस्मिन् वृक्षे किलोदबद्वं शरीरमिति नः श्रुतम् I तदहं राजपुत्रः सन् स्पृशेयं पाणिना कथम् II १ II

ઉત્તર બોલ્યો-'મેં સાંભળ્યું છે કે આ ઝાડ પર કોઈનું મડદું બાંધ્યું છે,તો હું રાજપુત્ર કેમ તેને હાથથી અડું?

હું ક્ષત્રિયવંશમાં જન્મ્યો છું,મંત્ર-તંત્ર ને યજ્ઞોનો જાણકાર છું,તો હું તેને અડકું તે યોગ્ય નથી,હું તેને સ્પર્શ કરું તો શબના

ખાંધિયાની જેમ અપવિત્ર થઈશ,તો એ સ્થિતિમાં તું મારી સાથે સ્પર્શાદિક વ્યવહાર કરી શકે નહિ.

બ્રહન્નલા બોલ્યો-તું વ્યવહાર કરવાને યોગ્ય ને પવિત્ર જ રહેશે,તું ભય રાખીશ નહિ,એમાં ધનુષ્યો છે 

તે મડદું નથી,તું રાજકુમાર ને ક્ષત્રિય છે તો તારી પાસે હું નિંદિત કર્મ કેમ કરીને કરાવું? (5)


વૈશંપાયન બોલ્યા-અર્જુનના કહેવાથી ઉત્તર તે વૃક્ષ પર ચડ્યો ને પાંડવોના તે મહાન અસ્ત્રો નીચે ઉતાર્યા.તેમને વળગેલાં 

પાંદડા દૂર કરીને તેણે તે અર્જુન પાસે મૂક્યાં.પછી તે ધનુષ્યોનાં બધી બાજુઓ પરનાં બંધનોને ઉકેલીને 

તેણે જોયું તો ચાર ધનુષ્યો સાથે એક સૂર્ય જેવું તેજસ્વી ગાંડીવ ધનુષ્ય પણ હતું.ધનુષ્યોના રૂપ જોઈને તેનાં રૂવાં 

ઉભા થઇ ગયા અને એક ક્ષણમાં તો તે ભયથી ઉદ્વિગ્ન થયો,ને અર્જુનને કહેવા લાગ્યો કે- (12)

અધ્યાય-૪૧-સમાપ્ત 


અધ્યાય-૪૨-ઉત્તરના પ્રશ્નો 


II उत्तर उवाच II विंदवो जातरूपस्य शतं यस्मिन्निपातिताः I सहस्त्रकोटिसौवर्णाः कस्यैतद्वनुरुत्तमम् II १ II

ઉત્તર બોલ્યો-જેના પર સોનાની ટીલડીઓ જડી છે અને જેના બંને છેડાઓ અત્યંત તેજસ્વી છે તે આ ઉત્તમ ધનુષ્ય કોનું છે? જેના પર સોનાના હાથીઓ ચીતરેલા છે,જેનાં પડખાં સુંદર છે તે આ ધનુષ્ય કોનું છે? જેના પર સુવર્ણનાં ઇન્દ્ર્ગોપનાં ચિત્રો છે તે ધનુષ્ય કોનું છે?

જેના પર સુવર્ણની શોભાવાળાં ત્રણ સૂર્યો શોભી રહ્યં છે તે ધનુષ્ય કોનું છે?

જેના પર સોના અને મીનાકારીના ચાંદલાઓ જડ્યા છે તે ઉત્તમ ધનુષ્ય કોનું છે? ભાથામાં રહેલ આ નારાચ બાણો,વિપાઠ બાણો,વગેરે તેજ્દાર બાણો કોના છે? વળી આ જુદીજુદી સોનાની મઢેલી મૂઠવાળી દિવ્ય દેખાતી તલવારો કોની છે?આ અસ્ત્રો જોઈને મને ભારે વિસ્મય થયું છે તો હે બૃહન્નલા તેનો ઉત્તર આપ (18)

અધ્યાય-૪૨-સમાપ્ત