Aug 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-608

 
અધ્યાય-૩૯-અર્જુનની પ્રશંસા 

II वैशंपायन उवाच II तं दष्ट्वा क्लीववेषेण रथस्थं नरपुंगवम I शमीमभिमुखं यांतं रथमारोप्य चोत्तरम्  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ ઉત્તરને રથમાં બેસાડીને નપુંસક વેશમાં રહેલો તે ધનંજય પોતે રથમાં બેઠો અને શમીવૃક્ષ તરફ જવા લાગ્યો.

તેને જોઈને ભીષ્મ,દ્રોણ આદિ શ્રેષ્ઠ મહારથીઓ 'આ અર્જુન છે' એવી બીકથી મનમાં થરથર્યા.

આમ ઉત્સાહભંગ થયેલા તેમને જોઈને ને અદ્ભૂત ઉત્પાતોને નીરખીને ગુરુ ભારદ્વાજ બોલ્યા કે-

'સૂકા ને પ્રચંડ પવનો વાય છે,આકાશ રાખોડી રંગથી છવાઈ ગયું છે,શિયાળવીઓ રુદન કરે છે,અશ્વો આંસુ સારે છે ને ધજાઓ વગર હલાવ્યે હલે છે,તે પરથી લાગે છે કે કોઈ ભય આવી પહોંચ્યો છે તો સર્વ સાવધાન થઈને ઉભા રહો.ને ભયંકર સંહાર માટે તૈયાર થાઓ ને ગોધનનું રક્ષણ કરો.નિઃસંશય,આ નપુંસક વેશમાં અર્જુન જ અહીં આવ્યો લાગે છે.હે ભીષ્મ,હનુમાનજી જેની ધજા પર વિરાજે છે,તે ઇન્દ્રપુત્ર,દુર્યોધનને હરાવીને આજે ગાયો પછી લઇ જશે.આ અર્જુન બે હાથે બાણ છોડનારો છે,ઇન્દ્રે તેને અસ્ત્રવિદ્યાનું શિક્ષણ ને દિવ્ય અસ્ત્રો આપ્યા છે,યુદ્ધમાં એ ઇન્દ્ર સમાન છે ને અહીં તેની સામે લડી શકે તેવો એકેય યોદ્ધો હું જોતો નથી,

સંભળાય છે કે તેણે હિમાલયમાં કિરાતવેશે આવેલા મહાદેવને પ્રસન્ન કર્યા છે' (13)


કર્ણ બોલ્યો-તમે સદાસર્વદા અર્જુનના ગુણો ગાઈને અમને નિંદ્યા કરો છી,

પણ એ અર્જુન મારી અને દુર્યોધનની સોળમી કલાની પણ બરાબરી કરી શકે તેમ નથી.(14)

દુર્યોધન બોલ્યો-'હે કર્ણ,આ જો અર્જુન જ હશે તો મારો બેડો પર થયો સમજ .કેમ કે પાંડવો ઓળખાઈ જશે

તો તેઓ ફરી બાર વર્ષ વનમાં જશે.ને એ સ્ત્રીરૂપધારી જો બીજો કોઈ હશે તો હું તેને મારા બાણોથી મારી નાખીશ'

દુર્યોધને આવા વચનો કહ્યાં ત્યારે ભીષ્મ,દ્રોણ,કૃપાચાર્ય અને અશ્વસ્થામાએ પણ તે અર્જુનની પ્રશંસા કરી (17)

અધ્યાય-૩૯-સમાપ્ત 


અધ્યાય-૪૦-અર્જુને શમીવૃક્ષ પરથી અસ્ત્રો ઉતરાવડાવ્યા 


II वैशंपायन उवाच II तां शमीमुपसंगम्य पार्थो वैराटिमब्रवीत I सुकुमारं समाज्ञाय संग्रामे नातिकोविदम्  II १ II

વૈશંપાયન બોલ્યા-'પછી,પૃથાપુત્ર અર્જુને,પેલા શમીવૃક્ષ પાસે જઈને,વિરાટપુત્ર ઉત્તરને,સુકુમાર અને સંગ્રામના સંબંધમાં અલ્પજ્ઞાન વાળો જાણીને તેને કહ્યું કે-'હે ઉત્તર,તું આ વૃક્ષ પરથી તત્કાળ ધનુષ્યો ઉતાર,કેમ કે તારાં શસ્ત્રો આ સંગ્રામમાં શત્રુઓ પર વિજય મેળવવા મારા બાહુઓના સપાટાને જીરવી શકશે નહિ.અહીં આ વૃક્ષ પર પાંડવોએ પોતાનાં ધનુષ્યો,કવચો ને ધજાઓ મૂકી રાખ્યાં છે,ને એ જ સ્થાને અર્જુનનું ગાંડીવ ધનુષ્ય પણ છે કે જે એક ધનુષ્ય એક લાખ ધનુષ્યની બરાબરી કરનારું છે,તાડવૃક્ષ જેવું લાબું,સુવર્ણથી મઢેલું,દિવ્ય,સુંવાળું,વિશાલ અને છિદ્રરહિત,

તે ગાંડીવ,મોટા ભારને સહન કરવાને સમર્થ છે.(8)

અધ્યાય-૪૦-સમાપ્ત