Aug 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-607

 

અધ્યાય-૩૮-કૌરવોની સેનાએ જોઈને ઉત્તર ગભરાયો 


II वैशंपायन उवाच II स राजधान्या निर्याय वैराटिरकुतोभय: I प्रयाहीत्यब्रवित्सुतं यत्र ते कुरवो गता II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે નિર્ભય વિરાટપુત્ર ઉત્તર,રાજધાનીમાંથી બહાર નીકળ્યો ને સારથિને કહેવા લાગ્યો કે-'પેલા કુરુઓ જ્યાં ગયા હોય ત્યાં તું રથને હાંકીને લઇ જા.તે સર્વને હું હરાવીને,ગાયો પાછી મેળવીને જલદીથી આ નગરમાં પાછો આવીશ' ત્યારે અર્જુને ઉત્તમ અશ્વોને હાંક્યા ને રથ વેગથી દોડવા લાગ્યો.

હજુ ઘણે દૂર ગયા પણ નહોતા ત્યારે ઉત્તરે તે કુરુઓની બળવાન સેનાને જોઈ,ત્યારે તેનાં રુંવાડાં ઊભાં થઇ ગયાં ને ભયથી અર્જુનને કહેવા લાગ્યો કે-'આ કુરુઓ સાથે યુદ્ધ કરવાની મારુ હિમ્મત ચાલતી નથી,આ સેના અપાર છે,ને તેમાં તો અનેક મહાવીરો દેખાય છે,હું તેમની સામે લડી શકું તેમ નથી.તેમની સેનામાં પ્રવેશવાની મને હિંમત  ને મરજી પણ થતી નથી.મારુ મન ગભરાઈ જાય છે,ને મને મૂર્છા આવી જાય છે' રડતાં રડતાં તે વધુ કહેવા લાગ્યો -અરે,મારા પિતા મને આ શૂન્ય નગરમાં એકલો મૂકીને સેના લઈને ગયા છે ને અહીં મારી પાસે થોડા સૈનિકો પણ નથી,હું એકલો છું,બાળવયનો છું,શસ્ત્રવિદ્યામાં અભ્યાસ વિનાનો છું,તો હું આ અનેક અસ્ત્રપ્રવીણ યોદ્ધાઓ સામે યુદ્ધ કરી શકીશ નહિ,માટે હે બૃહન્નલા તું રથને પાછો વાળ' (18)


બૃહન્નલા બોલ્યો-હજુ શત્રુઓએ રણભૂમિમાં યુદ્ધ પણ કર્યું નથી ને તું ભયથી રાંક થઇ ગયો? સ્ત્રીઓ વચ્ચે તો તું બડાશ મારીને યુદ્ધ કરવા નીકળ્યો હતો,હવે જો તું આમ ભાગીને પાછો જઈશ તો લોકો તારી હાંસી કરશે'

ઉત્તર બોલ્યો-'ભલે લોકો મારી હાંસી કરે ને ભલે કુરુઓ ગાયોને હરી જાય,મારે સંગ્રામ કરવો નથી'

આમ કહીને તે ઉત્તર રથમાંથી કૂદી પડ્યો ને ભયનો માર્યો નાસવા લાગ્યો.ત્યારે અર્જુન તેની પાછળ દોડીને ગયો.


ઉત્તરની પાછળ સ્ત્રીવેશમાં અર્જુનને દોડતો જોઈને શત્રુપક્ષના કેટલાક સૈનિકો ખડખડાટ હસી પડ્યા.કુરુઓ આ જોઈને કહેવા લાગ્યા કે-'આ સ્ત્રી વેશમાં ઢંકાયેલો તો અર્જુન જેવો લાગે છે.એને રૂપ ધારણ કર્યું છે નપુંસકનું,પણ એનું માથું,કંઠ,બાહુઓને એની છલંગ  એ સર્વ અર્જુન જેવા જ છે.તે નક્કી અર્જુન જ છે કેમ કે તેના સિવાય,કોણ આપણી આ મોટી સેના સામે એકલો આવી શકે? વિરાટપુત્ર તેને સારથિ તરીકે લઈને આપણી સામે આવ્યો છે પણ આપણને જોઈને ડરી ગયો લાગે છે એટલે પલાયન થતા તેને અર્જુન જ પકડી રાખતો લાગે છે'


આમ કુરુઓ તેને જોઈને આગળ શું કરવું તેનો નિશ્ચય કરી શક્યા નહિ,તો બીજી તરફ અર્જુને,પલાયન થતા ઉત્તરને પકડ્યો ત્યારે ઉત્તર વિલાપ કરીને કહેવા લાગ્યો કે-હે બૃહન્નલા,તું રથને પાછો વાળ,જીવતો નર સુખ પામે છે,હું તને સો સોનામહોરો,મણિઓ,ઘોડાઓ,રથો વગેરે આપીશ,પણ મને છોડી દે ને રથ પાછો વાળ.


મૂઢ જેવા થઇ ગયેલા તે ઉત્તરને જોઈને પાર્થ હસ્યો ને ઉત્તરને કહેવા લાગ્યો કે-'હે ઉત્તર,તું જો શત્રુઓ સામે યુદ્ધ કરવાનો ઉત્સાહ ન રાખતો હોય તો તે શત્રુઓ સાથે હું યુદ્ધ કરીશ,તું મારુ સારથિપણું કર,ને રથને સેનાએ તરફ ચલાવ,હું મારા બાહુબળથી તારું રક્ષણ કરીશ,ને કુરુઓ સામે યુદ્ધ કરીને તારાં પશુઓને પાછાં જીતી લાવીશ'

આમ કહીને અર્જુને તે ઉત્તરને પકડીને રથમાં ચડાવી દીધો (51)

અધ્યાય-૩૮-સમાપ્ત