Aug 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-606

 

અધ્યાય-૩૬-ઉત્તરની બડાઈ 


II उत्तर उवाच II अद्याहमनुगच्छेयम् द्रढधन्वा गवां पदम् I यदि मे सारथिः कस्चिद्भवेदश्वेषु कोविदः II १ II

ઉત્તર બોલ્યો-'અહો,મારી પાસે જો કોઈ અશ્વનિષ્ણાત સારથિ હોય,તો હું આ જ ઘડીએ ધનુષ્ય ધારણ કરીને

ગાયોની પાછળ જાઉં.પણ એવો કોઈ પુરુષ મારી નજરમાં આવતો નથી,માટે કોઈ સારથિને શીઘ્ર શોધી કાઢો,

પૂર્વે થયેલા યુદ્ધમાં મારો સારથિ તો મારાં પામ્યો છે,હવે જો અશ્વગતિને જાણનારો બીજો કોઈ સારથિ મળે તો હું પલકવારમાં નીકળી પડું ને તે કુરુઓને નિર્વીર્ય કરી નાખી,પશુઓને પાછાં વાળી લાવું.તે એકઠા થયેલા કુરુઓ મારુ પરાક્રમ જોશે તો તેઓ એમ માનશે કે શું સાક્ષાત અર્જુન જ આપણને પીલી રહ્યો છે કે શું?

વૈશંપાયન બોલ્યા-રાજપુત્ર ઉત્તરને આ વચનો કહેતો સાંભળીને અને અજ્ઞાતવાસનો સમય પૂરો થયેલો જાણીને અર્જુને દ્રૌપદીને એકાંતમાં કહ્યું કે-'હે કલ્યાણી,મારા કહેવાથી તું ઉત્તરને કહે કે 'આ બૃહન્નલા અર્જુનનો દ્રઢ ને માનીતો સારથિ હતો,ને મહાયુદ્ધોમાં જઈને સિદ્ધ થયો છે તો એ તમારો સારથિ થશે' (13)

હવે,તે ઉત્તર સ્ત્રીઓની વચ્ચે અર્જુનનું નામ લઈને બડાઈ હાંકતો હતો તે દ્રૌપદીથી સહન થયું નહિ,એટલે તે ઉત્તરની પાસે જઈને કહેવા લાગી કે-'આ બૃહન્નલા પૂર્વે અર્જુનનો સારથિ હતો.ને એ અર્જુનનો શિષ્ય હતો,હું પાંડવોને ઘેર રહેતી હતી,ત્યારે મેં એને ત્યાં જોયો હતો,અગ્નિએ જયારે ખાંડવ વન બાળી નાખ્યું હતું ત્યારે તેણે અર્જુનનો રથ હાંકયો હતો,ને સર્વ પ્રાણીઓને પરાજિત કર્યા હતા,તેના જેવો બીજો કોઈ સારથિ નથી (19)


ઉત્તર બોલ્યો-'તું જેને આવો વીર ઓળખાવે છે તો તે નપુંસક ન જ હોઈ શકે.જોકે હું તેને કહી ન શકું'

દ્રૌપદી બોલી-હે વીર તમારી આ નાની બહેન,જે વચન કહેશે તે બૃહન્નલા નિઃસંશય અમલમાં મુકશે.

ને તે જો તમારો સારથિ થશે તો તમે તે કુરુઓને નિઃસંશય જીતીને ગાયોને પાછી લાવશો'

ત્યારે ઉત્તરે પોતાની નાની બહેનને,અર્જુનને તેડી લાવવાનું કહ્યું,એટલે તે અર્જુન લાસે દોડી ગઈ (24)

અધ્યાય-૩૬-સમાપ્ત 


અધ્યાય-૩૭-ઉત્તર રણક્ષેત્ર તરફ 


II वैशंपायन उवाच II सा प्राद्रवत्कांचनमाल्यधारिणी ज्येष्ठेन भ्रात्रा प्रहिता यशस्विनी I 

सुदक्षिणा वेदिविलग्नमध्या सा पद्मपन्नाभनिभा शिखण्डिनी  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ મોટાભાઈએ આજ્ઞા કરી ઉંટલે સુવર્ણની માળાને ધારણ કરનારી અને ભાઈની આજ્ઞામાં રહેનારી,વેદીના જેવી સુંદર પાતળી કટિવાળી અતિ સુંદર ઉત્તરાએ અર્જુન પાસે જઈને કહ્યું કે-

'હે બૃહન્નલા,કુરુઓ,રાજ્યની ગાયોને હાંકી જઈ રહયા છે,એટલે મારો ભાઈ એ ગાયોને પાછી કરવાને માટે રણમાં જવા ઈચ્છે છે.પણ તેમનો સારથિ,આગળના સંગ્રામમાં મરી ગયો છે એટલે તેનું સારથિપણું તું કરે,તેવી ભલામણ સૈરંધ્રીએ કરી છે,તેનું કહેવું છે કે તું અર્જુનનો પ્રિય સારથી હતો અને તારી સહાયથી અર્જુને પૃથ્વી પર વિજય મેળવ્યો હતો.તો હું તને પ્રેમથી કહું છું કે-તું મારા ભાઈનું સારથિપણું કર' (12)


ઉત્તરાના કહેવાથી અર્જુન ઉત્તર પાસે ગયો.ઉત્તરે જયારે તેને પોતાના સારથિ બનવાની વાત કરી ત્યારે અર્જુન

બધું જાણતો હોવા છતાં,ઉત્તરની આગળ ગાંડાઘેલાં કાઢ્યાં પણ છેવટે ઉત્તરે પોતે જ તેને કવચ પહેરાવ્યું.

અને રથને સજાવીને અર્જુનને સારથિ રાખીને ઉત્તર રણભૂમિ તરફ જવા નીકળ્યો.

ત્યારે ઉત્તરાએ બૃહન્નલાને કહ્યું કે-હે બૃહન્નલા,સંગ્રામમાં આવેલા ભીષ્મ,દ્રોણ આદિ કુરુઓને જીતીને,તું અમારી ઢીંગલીઓ માટે જાતજાતનાં સુંદર વસ્ત્રો લઇ આવજે' ત્યારે અર્જુને કહ્યું કે-'આ ઉત્તર જો રણસંગ્રામમાં મહારથીઓને હરાવશે તો હું તમાટે માટે દિવ્ય અને સોહામણાં તેમનાં વસ્ત્રો લઇ આવીશ'

આમ,કહીને અર્જુને પોતાના રથને કુરુઓની સેનાએ તરફ દોડાવ્યો.

અધ્યાય-૩૭-સમાપ્ત