Aug 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-605

 

અધ્યાય-૩૪-વિરાટની કૃતજ્ઞતા અને જયઘોષણા 


II वैशंपायन उवाच II एवमुक्ते तु सव्रिडः सुशर्मासीदधोमुखः I समुक्तोभ्येत्य राजानमभिवाद्य प्रतस्थिवान II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરના આમ કહેવાથી સુશર્માએ શરમથી પોતાનું માથું નીચે કર્યું.ભીમસેને તેને છોડી દીધો

ત્યારે તે વિરાટરાજને અભિનંદન આપી ત્યાંથી ચાલ્યો ગયો.આમ,યુદ્ધ જીતીને તે પાંડવો તે રાત્રે તે સંગ્રામના

મધ્ય ભાગમાં સુઈ રહ્યા.વાંચી,વિરાટરાજે તે પાંડવોને માન અને ધનથી સન્માન આપતાં કહ્યું કે-આ જે મારાં

રત્નો છે તે તમારાં જ છે તો તમે તમને સુખ થાય તેમ કરો.હું તમને શણગાર સજેલી કન્યાઓ ને વિવિધ ધનો

આપું છું.ને વળી તમારી જે કોઈ બીજી ઈચ્છા હોય તે પૂરવાને હું તૈયાર છું.કેમ કે તમારા પરાક્રમથી જ

હું મુક્ત ને સ્વાધીન થયો છું.આથી તમે જ મત્સ્યદેશના સ્વામી થાઓ (6)

ત્યારે યુધિષ્ઠિરે હાથ જોડી કહ્યું કે-'હે રાજન,અમે તમારાં વચનોને અભિનંદન આપીએ છીએ,

પણ તમે આજે શત્રુઓથી મુક્ત થયા છો એટલાથી જ અમે પ્રસન્ન છીએ'

વિરાટરાજ બોલ્યા-'હું તમારો રાજ્યાભિષેક કરું,તમે જ મત્સ્યદેશના રાજા થાઓ,તમે તેના માટે યોગ્ય છો'

યુધિષ્ઠિર બોલ્યા-'હે રાજન,તમે નિત્ય દયાપરાયણ અને સતત સુખી રહો.તમે તમારા વિજયની ઘોષણા કરવા દૂતોને મોકલો,(તમે જ રાજા રહો) ત્યારે વિરાટરાજે દૂતોને આજ્ઞા આપી કે-'તમે નગરમાં જઈને મારા સંગ્રામ વિજયની વાત જાહેર કરો.ને અમારા આગમનને વધાવવાની તૈયારી કરાવો'

ત્યારે દૂતો ત્યાંથી આખીરાત ચાલીને નગરમાં આવીને ત્યાં જયઘોષ કરવા લાગ્યા (19)

અધ્યાય-૩૪-સમાપ્ત 


અધ્યાય-૩૫-કૌરવોએ ઉત્તર તરફની ગાયોનું હરણ કર્યું 


II वैशंपायन उवाच II याते त्रिगर्त्तान्मत्स्ये तु पशुंस्तान्वै परिप्सति I दुर्योधनः सहामात्यो विराटमुपयादथ II १ II

વૈશંપાયન બોલ્યા-જયારે વિરાટરાજ પોતાના પશુઓને પાછાં મેળવવા માટે ત્રિગર્તોની પાછળ ગયા હતા,તે જ વખતે દુર્યોધને પોતાના પ્રધાનો સાથે વિરાટ દેશ પર આક્રમણ કર્યું.તે મયે,ભીષ્મ,દ્રોણ,કર્ણ,કૃપાચાર્ય,અશ્વસ્થામા,

શકુનિ,અને બીજા મહારથીઓ તેની સાથે હતા.તેઓ વેગપૂર્વક ચડી આવ્યા ને નેસોને વેરવિખેર કરી નાખી,

બળપૂર્વક સાઠ હજાર ગાયોને હાંકી જવા લાગ્યા.તેઓ જયારે નેસના ગોવાળોને મારવા લાગ્યા ત્યારે ગોવાળોનો વડો ભયભીત થઈને,રાજાને ખબર આપવા ને સહાય માટે એકદમ નીકળી રાજભવને પહોંચ્યો.


ત્યાં,મત્સ્યરાજના ભૂમિંજય (ઉત્તર) નામના અભિમાની પુત્રને જોઈને તેણે તેને સર્વ વાત જણાવી.ને કહ્યું કે-

'કૌરવો સાઠ હજાર ગાયોને હાંકી જય રહ્યા છે તો તેને પાછું મેળવવા તમે તત્કાળ રણમાં નીકળો,કેમ કે મત્સ્યરાજે

પોતાની ગેરહાજરીમાં તમને જ અહીંના રક્ષક નીમ્યા છે,તમે રથે બેસીને રણે  ચઢો ને સર્વ કુરુઓને જીતીને,

મહાયશ મેળવીને પુનઃ આ નગરમાં પધારો.તમે જ અત્યારે રાષ્ટ્રના આધારરૂપ છો'

ત્યારે અંતઃપુરમાં સ્ત્રીઓ વચ્ચે બેઠેલા એ ભૂમિંજયે (ઉત્તરે) પોતાની આપવડાઈ હાંકતાં તેને કહ્યું (22)

અધ્યાય-૩૫-સમાપ્ત