Aug 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-604

 

અધ્યાય-૩૩-ભીમસેને વિરાટરાજને છોડાવ્યો 


II वैशंपायन उवाच II तमसाभिप्लुते लोके रजसा चैव भारत I अतिष्ठन्वै मुहूर्त तु व्यूढानिकाः प्रहारिणः II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,આ પ્રમાણે જયારે આ લોક ધૂળ અને અંધકારમાં ડૂબી ગયો ત્યારે વ્યુહબદ્ધ યોદ્ધાઓ ઘડીભર વિરામ લઈને ઉભા.પછી,ચંદ્રમા ઉગ્યો એટલે તેના પ્રકાશમાં ફરીથી ભયંકર યુદ્ધ શરુ થયું.ને સુશર્માએ પોતાના નાના ભાઈઓને સાથે લઈને વિરાટરાજની સેના પર બધી બાજુએથી ધસારો કર્યો,ને સર્વ સેનાને બળપૂર્વક છિન્નભિન્ન કરીને તેને હરાવીને વિરાટરાજ પર એકદમ હલ્લો કર્યો.તેણે વિરાટરાજના રથના ઘોડાઓને 

મારી નાખ્યા અને તેની પાછળના અંગરક્ષકોને પણ મારી નાખ્યા ને આમ રથ વગરના ને સહાય વગરના તે મત્સ્યરાજને એણે જીવતો જ પકડી પડ્યો,ને તેને પોતાના રથમાં નાખીને ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો.(9)

ત્યારે યુધિષ્ઠિરે ભીમે કહ્યું કે-'તું જા અને મત્સ્યરાજને છોડાવ.આપણે તેના ત્યાં સુખેથી રહ્યા તેનો બદલો વાળ'

ભીમસેન બોલ્યો-તમારી આજ્ઞાથી હું તેને છોડાવીશ.આજે મારુ પરાક્રમ તમે જુઓ,આ સુંદર થડવાળું મહાવૃક્ષ અહીં ગદાની જેમ ઉભું છે,હું તેને ઊંચકીને શત્રુઓને નસાડી મુકીશ' આમ કહી તે ભીમ તે વૃક્ષને જોવા લાગ્યો.

એટલે ધર્મરાજે કહ્યું-'તું અમાનુષ કર્મ કરવાનું સાહસ કર નહિ કે જેથી લોકો જાણી જાય કે તું ભીમ છે.બીજા આયુધોથી તું તે રાજાને છોડાવી લાવ.નકુલ અને સહદેવ તારા રક્ષક થશે'(22)


ત્યારે ભીમે ધનુષ્ય લઈને તે ત્રિગર્તો પર વેગપૂર્વક બાણોની વર્ષા કરવા માંડી ને તે સુશર્માની પાછળ દોડ્યો.

કાળના કાળ જેવા ભીમને આવતો જોઈને સુશર્મા પોતાના ભાઈઓ સાથે પાછો ફર્યો,.ત્યારે ભીમે તે વિરાટરાજની સમીપના હજારો રથો ને ધનુર્ધારીઓનો ઘાણ કાઢી નાખ્યો.સુશર્મા પોતાના સૈન્યનો મહાનાશ થતો જોઈને અતિબળથી બાણોની વર્ષા કરવા લાગ્યો.એ વખતે સર્વ પાંડવો સાથે વિરાટરાજની સેનાએ પાછી રણમાં આવી અને પાંડવોએ દિવ્ય અસ્ત્રોથી ને વિરાટરાજના પુત્રે પણ પોતાના અસ્ત્રોથી,અદભુત યુદ્ધ કરવા માંડ્યું.


યુધિષ્ઠિરે એક હજાર યોદ્ધાઓને,ભીમે સાત હજાર યોદ્ધાઓને અને નકુલ સહદેવે પણ હજારો યોદ્ધાઓનો નાશ કર્યો.સુશર્માએ ક્રોધમાં આવી યુધિષ્ઠિર અને તેમના ઘોડાઓને વીંધ્યા ત્યારે ભીમે સુશર્મા પર ધસી જઈને તેના અશ્વોને મારી નાખ્યા.તેના અંગરક્ષકો ને તેના સારથિને પાડીને તે સુશર્મા સાથે ભીમે ગદાયુદ્ધ કર્યું.

વિરાટરાજ પણ રથમાંથી કૂદીને સુશર્માની જ ગદા લઈને તેની સામે પ્રહાર કરવા લાગ્યો.

સુશર્મા ત્યાંથી પલાયન થવા લાગ્યો ત્યારે ભીમે દોડીને તેને ચોટલી આગળથી પકડીને તેને ઊંચો કરી 

જમીન પર પછાડી નાખ્યો ને તેના માથા પર પગથી લાત મારી,તેના પેટ પર ઢીંચણ મૂકી

,ને તેના લમણાં પર મુક્કા મારવાથી તે સુશર્મા મૂર્છિત થયો,ને ભીમના હાથે પકડાઈ ગયો.(49)


સુશર્મા પકડાયો એટલે તેનું સર્વ સૈન્ય ભયભીત થઇ નાસભાગ કરવા લાગ્યું.પછી,પાંડવોએ તે સર્વ ગાયોને પાછી વાળી અને સુશર્માનુ સર્વ ધન હરી લીધું.ને વિરાટરાજની સમક્ષ આવી ઉભા રહ્યા.સુશર્માને પકડાયેલો જોઈને યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે-'હવે તું આ નરાધમને છોડી દે' એટલે ભીમે સુશર્માને કહ્યું કે-'જો તું જીવતો રહેવા ઈચ્છતો હોય તારે સભામાં 'હું દાસ છું' એમ કહેવું પડશે કેમ કે યુદ્ધમાં જિતેલાનો આ વિધી છે'

યુધિષ્ઠિર બોલ્યા-'અમે જો તારે માટે પ્રમાણરૂપ હોઈએ તો તું આ અધમ આચરણ કરનારને છોડી દે,

વિરાટરાજનો તો તે દાસ થઇ જ ચુક્યો છે' પછી યુધિષ્ટિરે સુશર્માને કહ્યું કે-

'જાઓ,તમે હવે દાસ નથી તમે છૂટા છો,પણ ફરીથી તમે આવું કામ કદી કરશો નહિ (61)

અધ્યાય-૩૩-સમાપ્ત