Aug 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-603

 

અધ્યાય-૩૨-વિરાટરાજ અને સુશર્માનુ યુદ્ધ 


II वैशंपायन उवाच II निर्याय नगराच्छुरा व्यूढानिकाः प्रहारिणः I त्रिगर्तानस्पृशन्मत्स्या: सूर्ये परिणते सति II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,મત્સ્યદેશના શૂર યોદ્ધાઓ નગરની બહાર નીકળ્યા અને સેનાને વ્યુહબદ્ધ કરીને તેમણે સૂર્ય અસ્ત પામે તે પહેલાં જ ત્રિગર્તોને પકડી પાડ્યા.ત્રિગર્તો અને મત્સ્યોને ક્રોધમાં આવીને યુદ્ધ કરવા માટે ભારે મદ ચડ્યો હતો,ને બંને ગાયો લઇ જવા તત્પર હતા.ત્યાં તેઓ એકબીજા સામે ગર્જના કરવા લાગ્યા,ને પછી,

પરસ્પર અસ્ત્રોના પ્રહાર કરીને ભયંકર યુદ્ધની શરૂઆત થઇ.રણસંગ્રામમાં આવેશમાં આવેલા તે યોદ્ધાઓ,

તલવારો,પ્રાસો,શક્તિઓ,બાણો આદિ જાતજાતનાં અસ્ત્રો વડે એકબીજાને હણવા લાગ્યા.

રથીઓ,રથીઓ સાથે,ઘોડેસવારો,ઘોડેસવારોની સાથે અને પાળાઓ,પાળાઓ સાથે લડતા હતા.લોહીની ધારાઓથી ભૂમિ પરની ધૂળ બેસી ગઈ હતી.પછી,મહારથી શતાનીકે સો યોદ્ધાઓનો અને વિશાલાક્ષે ચારસો યોદ્ધાઓનો ઘાણ કાઢીને ત્રિગર્તોની મહાસેનામાં પ્રવેશ કર્યો ને મહાયુદ્ધ કરવા માંડ્યું.તેમને ત્રિગર્તોની સેનામાં પ્રવેશેલા જોઈને સૂર્યદત્તે આગળથી અને મદિરાક્ષે પાછળથી તે સેનામાં પ્રવેશ કર્યો.ને ધમાસાણ યુદ્ધ કરવા માંડ્યું.


પછી,જેવો,સુવર્ણરથમાં બેઠેલા ત્રિગર્તરાજ પર ધસારો થયો ત્યારે સુશર્મા,મત્સ્યરાજ સમક્ષ યુદ્ધ માટે આવી પહોંચ્યો.તે બંનેએ એક બીજા પર ક્રોધે ભરાઈને તીવ્ર વેગથી બાણો છોડવા માંડ્યા,વિરાટરાજે સુશર્માને દશ બાણોથી ને તેના ચાર ઘોડાઓને પાંચ પાંચ બાણો મારીને વીંધી નાખ્યા.ત્યારે  યુદ્ધમાં મહામદ રાખનારા સુશર્માએ મત્સ્યરાજને પચાસ તીક્ષ્ણ બાણોથી વીંધી કાઢ્યો.તે વખતે સૈન્યોના પગસંચારથી વ્યાપી રહેલી ધૂળને લીધે,મત્સ્યરાજ અને સુશર્માનાં સૈન્યો એકબીજાનાં કામો જાણી શકે નહિ તેવી સ્થિતિ હતી.(30)

અધ્યાય-૩૨-સમાપ્ત