Aug 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-602

 

અધ્યાય-૩૧-વિરાટરાજનો રણઉદ્યોગ 


II वैशंपायन उवाच II ततस्तेषां महाराज तत्रैवामिततेजसाम् I छद्मलिंग[प्रविष्टानां पांडवानां महात्मानम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અમાપ તેજવાળા અને કપટવેશમાં રહેલા તે મહાત્મા પાંડવોનો,અજ્ઞાતવાસનો સમય ત્યાં,વિરાટનગરમાં રહેતાં ને રાજાના કાર્યો કરતાં સારી રીતે વીતી ગયો.કીચક માર્યો ગયો પછી વિરાટરાજા યુધિષ્ઠિર પર સારી આશા રાખી રહ્યો હતો.ત્યાં તેરમા વર્ષની આખરે,સુશર્માએ આવીને વિરાટરાજના પુષ્કળ ગોધનને વેગપૂર્વક કબ્જે કરી લીધું.ત્યારે ગોપોનો અઘ્યક્ષ સભામાં દોડી આવ્યો ને વિરાટરાજને કહેવા લાગ્યો કે-

'સુશર્માએ અમારા બાંધવોને પરાભવ આપીને તે તમારી એકલાખ ગાયોને હાંકી જાય છે,તો તેનું રક્ષણ કરો'

આ સાંભળી,મત્સ્યરાજે પોતાની સેનાએ તૈયાર કરી.રાજપુત્રોએ કવચ સજવા માંડ્યાં.વિરાટના પ્રિય ભાઈ શતાનીકે સોનાના તારવાળું પોલાદી કવચ પહેર્યું,શતાનીકના નાના ભાઈ મદિરાક્ષે અને મત્સ્યરાજે પણ સોને જડેલ ભેદી ન શકાય તેવાં કવચ ધારણ કર્યાં.સૂર્યદત્તે અને વિરાટરાજના પાટવીપુત્ર શંખે પણ કવચ ધારણ કર્યાં .

આમ સર્વ મહારથીઓ કવચો પહેરીને પોતાને માટે ધ્વજથી સજાવેલા રથમાં બેઠા.


ત્યારે મત્સ્યરાજે શતાનીકને કહ્યું કે-'કંક,બલ્લવ,તંતીપાલ અને અશ્વપાલ દામગ્રંથિ એ સૌ પણ પરાક્રમી છે તેમને પણ કવચો,અસ્ત્રો અને ધ્વજવાળા રથો આપો,તેઓ યુદ્ધ ન કરે તેવું હું માની શકતો નથી' આ સાંભળી શતાનીકે ધર્મરાજ,ભીમ,નકુલ અને સહદેવને વિરાટની આજ્ઞા પ્રમાણે,કવચો,શસ્ત્રો ને રથો આપ્યા.એટલે તે પણ સજ્જ થઈન વિરાટરાજની પાછળ યુદ્ધમાં જવા લાગ્યા.તે વખતે મત્સ્યયોદ્ધાઓના આઠ હજાર રથો,એક હજાર હાથીઓ,અને આઠ હજાર અશ્વો વિરાટરાજની સાથે હતા.ને તેઓ ગાયોના પગલાં જોતાં ચાલી રહ્યા હતા (35)

અધ્યાય-૩૧-સમાપ્ત