Aug 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-601

 

અધ્યાય-૩૦-ત્રિગર્તરાજે વિરાટની ગાયોનું કરેલું હરણ 


II वैशंपायन उवाच II अथ राजा त्रिगर्तानां सुशर्मा रथयुथपः I प्राप्तकालमिदं वाक्यमुवाच त्वरितो बली II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રથસમૂહનો પાલક ત્રિગર્તરાજ સુશર્મા ઉતાવળો આવીને સમયોચિત વચન કહેવા લાગ્યો કે-મત્સ્યરાજના સેનાપતિ કીચકે  મારા રાજ્યને અનેકવાર રંજાડ્યું છે,પણ હવે તે કીચકોને ગંધર્વોએ મારી નાખ્યો છે

એટલે વિરાટરાજનો આધાર તૂટી ગયો હશે એમ હું માનું છું.આથી તમને સર્વ કૌરવો ને કર્ણને રુચે તો આપણે

તેના રાજ્ય પર ચડાઈ કરી એનાં રત્નો,વિવિધ ધનને કબ્જે કરી ભાગ પાડી વહેંચી લઈએ.અથવા આપણે બળપૂર્વક

તેના નગરને સારી રીતે પીડીએ ને તેની જાતજાતની અત્યંત સુંદર એવી ગાયોનું હરણ કરીએ.

આપણે સેનાના વિભાગ કરીને,ચારે બાજુથી આક્રમણ કરી તેના સૈન્યને હણીને,તેમને આધીન કરવાથી 

તમારા બળમાં નિઃસંશય વૃદ્ધિ થશે.અને આપણે સુખેથી રહી શકીશું (13)

સુશર્માનાં વચન સાંભળીને કર્ણે,દુર્યોધનને કહ્યું કે-'સુશર્માની વાત સમયોચિત અને આપણા હિતની છે.આપણે આપણી સેનાએ સજ્જ કરીને,સૈનિકોના જુદાજુદા વિભાગ પાડીને ચડાઈ કરીએ.ભીષ્મ,દ્રોણ અને કૃપ એ સર્વનું જેવું માનવું હોય તેમ તેમની સાથે મંત્રણા કર્યા બાદ તે વિરાટને જીતવા આપણે નીકળવું જોઈએ.ધન,બળ ને પુરુષાર્થથી પરવારી બેઠેલા એ પાંડવોનું આપણને હવે શું પ્રયોજન છે?તેઓ તો સદા ક્યાંક ચાલ્યા ગયા હશે કે યમલોકના વાસી થઇ ગયા હશે,એટલે વિરાટનગર પર ચડાઈ કરી તેમની ગાયો અને સંપતિ હરી લાવીએ(18)


કર્ણનું એ વચન સાંભળીને દુર્યોધને દુઃશાસનને તત્કાલ આજ્ઞા કરીને કહ્યું કે-'તું વૃદ્ધો સાથે મંત્રણા કરીને સેનાને સજ્જ કર.આપણે મત્સ્યદેશ પર દક્ષિણ દિશાએથી ચડાઈ કરીએ.બીજી બાજુએ સુશર્મા તેની સેના સાથે પ્રથમ ચડાઈ કરે.બીજે દિવસે એકઠા મળીને એ સુસમૃદ્ધ વિરાટનગર પર ચડાઈ કરીશું.આમ સેનાને બે ભાગમાં વહેંચીને આપણે તે વિરાટરાજની એકલાખ સોહામણી તથા ગુણવાળી ગાયોને હરી લઈશું' (24)


પછી,સુશર્મા ઠરાવ મુજબ અગ્નિ ખૂણેથી વિરાટનગર પર ધસી ગયો.ને ગાયોનું હરણ કર્યું.બીજે દિવસે કૌરવો

આવ્યા ને સર્વે એક સાથે ચડાઈ કરીને વિરાટરાજનાં હજારો ગોધનો કબ્જે કર્યા (27)

અધ્યાય-૩૦-સમાપ્ત