Aug 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-600

 

અધ્યાય-૨૮-ભીષ્મનું ભાષણ 


II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भरतानां पितामहः I श्रुतवान्देशकालज्ञस्तत्त्वज्ञ: सर्वधर्मवित II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રોણાચાર્યનું ભાષણ પૂરું થયું ત્યારે શાસ્ત્રજ્ઞ,દેશકાળને જાણનારા,તત્વના જ્ઞાતા,સર્વ ધર્મોના જ્ઞાનવાળા,ભરતવંશીઓના પિતામહ અને શાંતનુના પુત્ર ભીષ્મ,કૌરવોના હિત માટે બોલવા લાગ્યા કે-

સર્વ વિષયના તત્વોને જાણનારા દ્રોણે,પાંડવોના સંબંધમાં જે કહ્યું તે સત્ય જ છે.તે પાંડવો ધર્મથી અને અત્યંત

પરાક્રમથી સુરક્ષિત છે તેથી તેઓ નાશ નહિ જ પામે,એવું મારુ પણ માનવું છે.હું મારી બુદ્ધિ અનુસાર જે કહું છું 

તે સાંભળો,ને હું તમારો દ્રોહ કરું છું એવું તમે રખે સમજતા.મારા જેવાએ આ નીતિ દુર્જનોને કહેવી 

જોઈએ નહિ,તેમ છતાં મારે અનીતિ પણ કહેવી જોઈએ નહિ.

આ અન્ય લોકો પાંડવોના નિવાસ સંબંધમાં જેવું માને છે તેવું હું માનતો નથી.ધર્મરાજે જે નગરમાં નિવાસ કર્યો હશે,

તે દેશના રાજાનું અકલ્યાણ હોય જ નહિ,ઉલટું ,જે નગરમાં તેમણે વાસ કર્યો હશે તે દેશના મનુષ્યો ઉદાર,દાનશીલ,જિતેન્દ્રિય અને લજ્જાશીલ થયા હશે.ને ધર્મને અનુસરીને ચાલતા થયા હશે.જેનામાં સત્ય,ધૃતિ,દાન,લજ્જા,શ્રી,કીર્તિ,પરમ તેજ,અક્રુરતા અને સરળતા છે તે યુધિષ્ઠિરને બ્રાહ્મણો પણ ઓળખી 

શકે તેમ નથી.તો પછી સામાન્ય મનુષ્યો તો તેમને ક્યાંથી ઓળખી શકે?

આમ,ધર્મરાજનો નિવાસ મેં કહ્યા તેવા દેશમાં જ હશે.એથી બીજું વધુ કશું કહેવાની મારી હિંમત નથી.

માટે જો મારામાં શ્રદ્ધા હોય તો તું આ વાતનો વિચાર કરીને તને જે હિતકારી લાગે તેમ કર.(33)

અધ્યાય-૨૮-સમાપ્ત 


અધ્યાય-૨૯-કૃપાચાર્યનાં વચનો 


II वैशंपायन उवाच II ततः शारद्वतो वाक्यमित्युवाच कृपस्तदा I युक्तं प्राप्तं च वृद्वेन पांडवान्प्रति भाषितम् II १ II

વૈશંપાયન બોલ્યા પછી શારદ્વાન કૃપાચાર્યએ કહ્યું કે-વૃદ્ધ ભીષ્મે પાંડવોના સંબંધમાં જે કહ્યું છે,તે યુક્ત છે,

સમયોચિત છે,યુક્તિયુક્ત છે અને અનુરૂપ છે.તેઓ ક્યાં ગયા છે? ને ક્યાં રહ્યા છે એનો દૂતો દ્વારા નિશ્ચય કરવો.

પાંડવો પ્રતિજ્ઞાકાળ પૂરો થતાં બહાર આવે ત્યારે આપણે આપણા રાજ્યનું અને પરરાજ્યોનું સામર્થ્ય જાણી

લઈને સેના,કોશ આદિની વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે તેઓ બહાર આવે તે સમયે આપણે તેમની સાથે મૈત્રી કે

યુદ્ધ કરી શકીએ.ને વ્યવસ્થા કરવાથી જ તું સૈન્ય અને વાહનોમાં ઉતરતા પાંડવો સામે લડી શકાશે.

અને બીજા કોઈ શત્રુઓ ચડી આવે તો તેમની સામે પણ યુદ્ધ કરી શકાશે.(14)

અધ્યાય-૨૯-સમાપ્ત