Aug 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-599

 

અધ્યાય-૨૬-કર્ણ અને દુઃશાસનના વાક્યો 


II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज ज्ञात्वा तेषां वचस्तदा I चिरमंतर्मना भूत्वा प्रत्युवाच सभासदः II १ II

ત્યારે દૂતોનાં આ વચન સાંભળીને દુર્યોધનરાજ ઘણા સમય સુધી મનમાં વિચાર કરીને સભાસદોને કહેવા લાગ્યો કે-

'તમે સર્વ સારી રીતે વિચાર કરો કે તે પાંડવો ક્યાં ગયા હશે? અજ્ઞાતવાસનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે,

જો આ સમય વીતી જશે તો તે તીવ્ર વિષવાળા સર્પો જેવા પાંડવો પોતાની પ્રતિજ્ઞા પુરી થવાથી અહીં પાછા આવશે

અને અહીં આવી કૌરવો પર કોપશે ને દુઃખ આપશે.આથી તેઓને જલ્દી શોધી કાઢો,એટલે તેઓ ફરીથી વનવાસ

જાય ને આપણું રાજ્ય નિષ્કંટક થાય.તેઓ ન ઓળખી શકાય તેવા વેશ ધરીને રહ્યા હોવા જોઈએ.(7)

કર્ણ બોલ્યો-બીજા ચતુર અને વિશ્વાસુ દૂતોને ફરીથી,ગુપ્ત વેશ ધારણ કરીને મોકલો.તેઓ દેશો,નગરો,સભાઓ,

આશ્રમો,તીર્થો વગેરેમાં જાય અને તર્કશક્તિ લગાવીને,સારી રીતે શોધ કરીને પાંડવોને શોધી જ કાઢે.


દુઃશાસન બોલ્યો-વિશ્વાસુ દૂતોને આગળથી વેતન આપો ને પાંડવોને શોધવા,કર્ણે જેમ કહ્યું તેમ ઠામેઠામ ફરીને

તેમને ખોળી કાઢે.તે પાંડવો અત્યંત ગુપ્ત રીતે સંતાઈ રહ્યા હોય,સાગરને પેલે પર ગયા હોય કે વનના હિંસક પ્રાણીઓ

તેમને ખાઈ ગયા હોય! તમે મનને સ્વસ્થ કરો.ને જે કરવાનું હોય તેનો ઉત્સાહથી નિર્ણય લો (18)

અધ્યાય-૨૬-સમાપ્ત 


અધ્યાય-૨૭-દ્રોણાચાર્યનાં વચનો 


II वैशंपायन उवाच II अथाब्रविन्महावीर्यो द्रोणस्तत्त्वार्थदर्शिवान् I न तादशा विनश्यंति प्रयांति पराभवम II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તત્વાર્થને જાણવાવાળા મહાવીર્યવાન દ્રોણાચાર્યે કહ્યું કે-'પાંડવો જેવા પુરુષો નાશ તેમ જ પરાભવ પામે નહિ.તેઓ શૂરવીર,વિદ્યાવાન,બુદ્ધિમાન,જિતેન્દ્રિય ને ધર્મવેત્તા છે,ને ધર્મરાજની આજ્ઞાને અનુસરે છે.

આથી મારી બુદ્ધિને પ્રતીતિપૂર્વક એમ લાગે છે કે-એ પાંડવો પોતાના ઉદયકાળને આવવાની જ યત્નપૂર્વક વાટ જોઈ રહ્યા છે,ને તેઓ નાશ પામ્યા નથી.તે શૂરવીર ને તપસ્વી છે,તેમને ઓળખી કાઢવા ને પકડી લેવા કઠિન છે.


એમાં પણ યુધિષ્ઠિર તો શુદ્ધચિત્ત છે,ગુણવાન છે,સત્યવાન છે,પવિત્ર છે,તેજપુંજ છે અને અપ્રમેય છે.આથી પ્રત્યક્ષ જોનારને પણ તે મૂંઝવી નાખે તેમ છે,એટલે બહુ વિચારીને કાર્ય કરો.બ્રાહ્મણો,ચારણો,સિદ્ધો અને બીજા જે મનુષ્યો પાંડવોને બરોબર ઓળખાતા હોય તેમની પાસે તપાસ કરાવો.એમ હું માનું છું (10)

અધ્યાય-૨૭-સમાપ્ત