ગોહરણ પર્વ
અધ્યાય-૨૫-ગુપ્ત દૂતો દુર્યોધન પાસે પાછા આવ્યા
II वैशंपायन उवाच II कीचकस्य तु घातेन सानुजस्य विशांपते I अत्याहितं चिंतयित्वा व्यस्ययंत पृथक्जना: II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજન,કીચક અને તેના ભાઈઓનો એકસાથે નાશ થયો,તેને ભયંકર કામ જાણીને સાધારણ
માણસો પણ આશ્ચર્યમાં પડી ગયા.તે નગરમાં અને આખા દેશમાં વાતો ચાલવા લાગી કે-'તે મહાબળવાન કીચક
તેના શૌર્યને કારણે રાજાને વહાલો હતો,પણ તેની બુદ્ધિ દુષ્ટ હતી અને પરસ્ત્રીની લાજ લૂંટતો હતો
તેથી જ તે પાપી મનના દુષ્ટ પુરુષને ગંધર્વોએ મારી નાખ્યો છે' (4)
આ સમયમાં જ,પાંડવોને ખોળી કાઢવા,દુર્યોધને મોકલેલા દૂતો હસ્તિનાપુર પાછા આવ્યા અને પોતે
જે જે જોયું,જાણ્યું એ બધું ધ્યાનમાં રાખીને રાજસભામાં આવીને નિવેદન કરવા લાગ્યા,
ગુપ્ત દૂતો બોલ્યા કે-'અમે એ પાંડવોને તે મહાવનમાં શોધી કાઢવા સતત ને અત્યંત પ્રયત્ન કર્યો હતો.
એ વન નિર્જન,ગીચ અને મૃગોથી ભરેલું છે.અમે ઠામેઠામ તેમનાં પગલાં જોઈ જોઈને શોધ ચલાવી,તો પણ તે પાંડવો
કયા માર્ગેથી ચાલી ગયા તે અમારી જાણમાં આવ્યું નથી.અમે પર્વતોના શિખરો પર,વિવિધ દેશોમાં,વસ્તીવાળા પ્રદેશોમાં,અને નગરોમાં ઘણી ઘણી તપાસ કરી પણ તેમનો પત્તો મેળવી શક્યા નથી.
અમને તો તેઓ નાશ પામ્યા હોય તેમ જ લાગે છે.અમે તેમના સારથિઓની પાછળ પાછળ ગયા,પણ તેઓ પાંડવો
વિના જ દ્વારકામાં ગયા છે.પાંડવો અને દ્રૌપદી ત્યાં દ્વારકામાં પણ નથી,એટલે તેઓ નાશ જ પામ્યા લાગ્યા છે.
હવે અમે શું કરીએ? તેની અમને આજ્ઞા આપો.હા એક સારી ખબર એ છે કે-મત્સ્યરાજના સેનાપતિ
કીચક કે જેણે ત્રિગર્તોને માર્યા હતા,તેને અને તેના ભાઈઓને ગંધર્વોએ મારી નાખ્યા છે.
શત્રુના આ પરાભવના સમાચાર જાણીને હવે પછી,તમારે જે કરવાનું હોય તે તમે કરો.(22)
અધ્યાય-૨૫-સમાપ્તINDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE