અધ્યાય-૨૪-દ્રૌપદી નગરમાં આવી
II वैशंपायन उवाच II ते द्रष्ट्वा निहतान्सुतान राज्ञे गत्वा न्यवेदयन I गन्धर्वैर्निहता राजन सूतपुत्रा महाबलाः II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સુતપુત્રોને માર્યા ગયેલા જોઈને,તે લોકોએ રાજાને ખબર આપી કે-હે રાજન ગાંધર્વોએ મહાબલાવન સૂતપુત્રોને મારી નાખ્યા છે,ને તે પૃથ્વી પર આડાઅવળા પડયા છે,સૈરંધ્રી તેમનાથી છૂટી થઈને રાજભવને પછી આવી રહી છે,તમારું સમસ્ત નગર ભયમાં આવી પડશે તેથી તમે તત્કાલ એવો ઉપાય કરો કે તે સૈરંધ્રીના રોષથી આ નગરનો વિનાશ થાય નહિ' તેમનાં વચન સાંભળી વિરાટરાજ બોલ્યો કે -'પહેલાં તો તે સૂતપુત્રોની અંત્યેષ્ટિક્રિયા કરો' પછી ભયભીત થયેલા તે રાજાએ સુદેષ્ણા પાસે જઈને કહ્યું કે-
'તે સૈરંધ્રી ઘેર આવે ત્યારે મારા કહેવાથી તેને કહેજે કે-તારું કલ્યાણ થાઓ.હવે તારી ઇચ્છામાં આવે
ત્યાં તું ચાલી જા,કેમ કે ગંધર્વો તારી રક્ષા કરે છે ને રાજાને તેમનાથી પરાભવ થવાનો ડર છે' (10)
બીજી બાજુ,સુતપુત્રોના ભયથી મુક્ત થયેલી દ્રૌપદી,પોતાના અંગોને ને વસ્ત્રોને શુદ્ધ કરીને બીતી બીતી નગર તરફ ચાલવા લાગી.તેને આવતી જોઈને,કેટલાક તો ગંધર્વોના ભયથી નાસભાગ કરવા લાગ્યા.પાકશાળાના દ્વારે તેણે ભીમસેનને જોયો,ત્યારે તેને સંજ્ઞાથી કહ્યું કે-'જેને મને છોડાવી તે ગંધર્વરાજને મારા નમસ્કાર હો'
ભીમસેન બોલ્યો-'જે વશવર્તી પુરુષો આ નગરમાં એકવર્ષથી વિચરી રહ્યા છે તેઓ તારું આ વચન સાંભળી ઋણમુક્ત થાઓ' પછી દ્રૌપદીએ,નૃત્યશાળામાં ધનંજયને જોયો.ધનંજય તેને પૂછવા લાગ્યો કે-
'તું કેવી રીતે છૂટી?તે પાપીઓ કેવી રીતે મરાયા?તે હું સાંભળવા ઈચ્છું છું' (20)
દ્રૌપદી બોલી-'અરે,બૃહન્નલા,તારે હવે આ સૈરંધ્રીની શી પડી છે?તું તો આ કન્યાવાસમાં સુખથી રહે છે,હું જે દુઃખ
ભોગવી રહી છું,તેવું દુઃખ તારે ક્યાં છે? તેથી જ તું મારી મશ્કરી કરતી હોય તેમ મને દુખીયારીને પૂછે છે'
બૃહન્નલા બોલી-'હે કલ્યાણી,આ બૃહન્નલા પણ વિલક્ષણ દુઃખ ભોગવી રહી છે.તેને ષંઢની નીચ યોનિ આવી છે,તને એ વીતકની ક્યાંથી ખબર પડે?પણ તું કષ્ટ પામે ત્યારે કોને કષ્ટ ન થાય?તું મને બરોબર જાણતી નથી (25)
પછી,દ્રૌપદી રાજભવનમાં પ્રવેશી અને સુદેષ્ણા પાસે ગઈ,ત્યારે રાજરાણીએ વિરાટના કહેવાથી તેને કહ્યું કે-
હે સૈરંધ્રી,તારી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં તું ચાલી ઝટ ચાલી જા.ગંધર્વોને હાથે પરાભવ થવાનો રાજાને ભય લાગે છે.તારું શુભ થાઓ,પણ તારા ગંધર્વો અત્યંત ક્રોધી છે,તે શું કરશે? તે વિશે સર્વને ચિંતા છે'
સૈરંધ્રી બોલી-હે રાણી,મને માત્ર તેર દિવસ વધુ રહેવા દેવાની કૃપા કરો.તેટલા સમય પછી મારા ગંધર્વનાથો
મને લઇ જશે ને તમારું પ્રિય કરશે.તે વિરાટરાજ અને તેમના કુટુંબનું ચોક્કસ કલ્યાણ કરશે (30)
અધ્યાય-૨૪-સમાપ્ત
કીચક વધ પર્વ સમાપ્ત