અધ્યાય-૨૩-કીચકના ભાઈઓનો વધ
II वैशंपायन उवाच II तस्मिन्काले समागम्य सर्वे तव्रास्य बान्धवाः I रुरुदुः कीचकं द्रष्ट्वा परिवार्य समंततः II १ II
વૈશંપાયન બોલ્યા-તે સમયૅ કીચકના ભાઈઓ ત્યાં ભેગા થઇ ગયા,કીચકને મરેલો જોઈને તેની આસપાસ
વીંટળાઈને મોટેથી પોક મૂકીને રડવા લાગ્યા.ઓળખાઈ પણ ન શકે તેવી કીચકની હાલત જોઈને,તેના અગ્નિસંસ્કાર
કરવા લઇ જવાની તૈયારી કરવા લાગ્યા.તે જ સમયે તેઓએ દ્રૌપદીને ત્યાં નજીકમાં જોઈ એટલે તે સર્વે
એક સાથે બોલી ઉઠયા કે-આને.લીધે જ કીચકને મોત આવ્યું છે તેથી તેને પણ કીચક સાથે બાળી મુકો'
પછી,તેમણે વિરાટરાજ પાસે તેમ કરવાની આજ્ઞા માગી,ત્યારે તેના પર વિચાર કરીને વિરાટરાજે તે સૈરંધ્રીને કીચક
સાથે બાળી મુકવાનું અનુમોદન આપ્યું.એટલે કીચકોએ દ્રૌપદીને જોરથી પકડીને,તેને બાંધીને ઠાઠડી પર નાખી,
ને સ્મશાન તરફ ચાલવા માંડ્યું.ત્યારે દ્રૌપદીએ મોટા સાદથી રડીને ભીમસેન પાસે સહાયની ધા નાખી.
ભીમસેને દ્રૌપદીનાં વિલાપવચનો સાંભળ્યાં કે તરતજ ગંધર્વોનો વેશ ધરીને,આડે માર્ગેથી કિલ્લો કૂદીને,
ઝપાટાભેર તે કીચક ભાઈઓ પાસે પહોંચ્યો.ત્યાં તેણે એક વિશાળ સુકાયેલા વૃક્ષને જોયું કે તરત જ તેણે
બાથ ભરીને તેને ઉખાડી પોતાના ખભે ચડાવી લીધું,ને યમરાજની જેમ કીચકો તરફ ધસારો કર્યો.(22)
ક્રોધપૂર્વક આવતા તે વિશાળકાય ભીમને જોઈને તે સૂતપુત્રો 'આ તો ગંધર્વ છે'એમ માનીને ગભરાયા,ને દ્રૌપદીને છોડીને નગર તરફ દોડી જવા લાગ્યા.નાસી જતા તે સર્વ એકસો પાંચ કીચકોને એક વૃક્ષથી જ યમદ્વાર પહોંચાડી દીધા.ને પછી કૃષ્ણાને બંધનમુક્ત કરીને તેને આશ્વાસન આપ્યું ને કહ્યું-હે કૃષ્ણા,હવે તું નગરમાં જા,તારે હવે કશો ભય નથી,હું બીજે રસ્તેથી પાકશાળામાં પાછો પહોંચી જાઉં છું'(31)
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે એક કીચક અને તેના એકસો પાંચ ભાઈઓ ભીમના હાથે મોત પામ્યા.અને આ
આશ્ચર્ય જોઈને ત્યાં એકઠાં થયેલાં સ્ત્રી પુરુષો વિસ્મય પામ્યા પણ ભયને લીધે કશું બોલી શક્યા નહિ (34)
અધ્યાય-૨૩-સમાપ્ત