Aug 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-595

અધ્યાય-૨૨-કીચક વધ 


II भीमसेन उवाच II तथा भद्रे करिष्यामि यथा त्वं भीरु भाषसे I अद्य तं सुदयिष्यामि कीचकं सह बान्धवं II १ II

ભીમસેન બોલ્યો-હે ભદ્રા,તું કહે છે તેમ જ હું કરીશ.આજેજ હું તે કીચકને ને તેના ભાઈઓ સાથે પૂરો કરી દઈશ.

તું શોક અને દુઃખને ખંખેરી નાખી એ કીચકને મળીને એવી રીતે વાત કરજે કે તે કાલની રાતની સંઘ્યાવેળાએ

અવશ્ય આ નૃત્યશાળામાં આવે.બીજા કોઈ તને તેની સાથે વાત કરતી ન જુએ તેનો ખ્યાલ રાખજે'

આમ વાતચીત કરીને તે બંનેએ તે રાત્રિ  મહાભારની જેમ જેમતેમ વિતાવી (6)

વૈશંપાયન બોલ્યા-તે રાત્રિ પુરી થઇ એટલે કીચક સવારે ઉઠીને રાજભવને ગયો ને દ્રૌપદીને કહેવા લાગ્યો કે-

મેં રાજસભામાં રાજાની આંખ આગળ જ તને લાત મારી પાડી હતી,પણ તને ત્યાં કોઈ આશ્રય મળ્યો નહોતો.

વિરાટ તો નામનો જ મત્સ્યદેશનો રાજા છે,સાચો રાજા તો હું સેનાપતિ જ છું,તું મારો સ્વીકાર કર.હું તારો દાસ થઈશ ને તને પ્રતિદિન સો સો સોનામહોરો આપીશ,સો દાસીઓ આપીશ,રથ આપીશ,તું મારો સ્વીકાર કર.(11)


દ્રૌપદી બોલી-હે કીચક,મારી એક શરત સ્વીકાર,કે તારા મિત્રો કે ભાઈઓએ મારી સાથેના તારા મેળાપ વિષે કશું પણ કહેવું નહિ,કેમ કે મારા ગંધર્વ પતિઓથી હું ડરું છું.તું પ્રતિજ્ઞા કર તો હું તારે અધીન જ છું 

કીચક બોલ્યો-'તું કહે છે એમ જ હું કરીશ,હું મદનથી મોહિત થયો છું,હું એકલોજ આવીશ'

દ્રૌપદી બોલી-આ નૃત્યશાળામાં કન્યાઓ દિવસે નૃત્ય કરે છે ને રાતે ચાલી જાય છે,તું ત્યાં અંધારામાં 

જજે એટલે મારા પતિ ગંધર્વો જાણશે નહિ,એ વિશે સંશય નથી (17)


વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીએ આમ કહ્યું એટલે કીચકને તે દિવસ મહિના જેવો લાંબો થઇ પડ્યો.પણ,તે મૂરખ પોતાના આવી રહેલા મૃત્યુને જાણી શક્યો નહિ.કીચકે આખો દિવસ પોતાને શણગારવામાં ગાળ્યો.

કામથી મોહિત થયેલા તેને સૈરંધ્રીના વચન પર વિશ્વાસ બેઠો હતો ને સમાગમના વિચારમાં મગ્ન થયો હતો.

બીજી બાજુ દ્રૌપદી ભીમે રસોડામાં જઈને મળી,ને કહ્યું કે-કીચક રાત્રે નૃત્યશાળામાં એકલો જ આવશે,

ત્યારે તેને તમે હણી નાખજો ને આમ મારી રક્ષા કરીને તમારું ને કુળનું માન વધારજો (29)


ભીમસેન બોલ્યો-હું સત્યના,ધર્મના અને ભાઈઓના સોગન ખાઈને કહું છું કે આજે હું એ કીચકને મારી નાખીશ.

હું એ કીચકનો ગુપ્ત કે પ્રગટ સ્થાનમાં નાશ કરીશ,પછી ભલે ને મત્સ્ય યોદ્ધાઓ મારી સામે લડવા આવે,

તેમને પણ હું નિઃસંશય પુરા કરી દઈશ,અને આ વાત જો દુર્યોધનના જાણવામાં આવે તો તેને પણ હું પૂરો કરીને આ વસુંધરાને હાથ કરીશ,પછી ભલેને યુધિષ્ઠિર મત્સ્યરાજની સેવા કર્યા કરે'

દ્રૌપદી બોલી-તમે મારે માટે અજ્ઞાતવાસની પ્રતિજ્ઞા વીસર્યા વિના ગુપ્ત રીતે જ કીચકને મારી નાખજો'

ભીમ બોલ્યો-ભલે,હું તું કહે કે એમ જ કરીશ ને કીચકને તેના ભાઈઓ સાથે પૂરો કરી નાખીશ (37)


વૈશંપાયન બોલ્યા-'પછી તે રાતે ભીમ આગળથી જ નૃત્યશાળામાં છુપાઈને બેઠો ને કીચકની રાહ જોવા લાગ્યો.

કીચક પણ યચેચ્છ બનીઠનીને નૃત્યશાળામાં અંધારામાં જ આવીને પેઠો.અંધારામાં ફંફોસતો તે ભીમ પાસે જઈ પહોંચ્યો.ક્રોધમાં ભડભડી રહેલા ને શય્યામાં બેઠેલા ભીમને દ્રૌપદી સમજીને,કીચકે સ્પર્શ કર્યો.ને આનંદ પામી 

કહેવા લાગ્યો કે-હે સુંદરી,હું તારા માટે અઢળક ધન લાવ્યો છું,ને દાસીઓથી ભરેલું મારુ અંતઃપુર તને અર્પણ કરું છું.મારી સ્ત્રીઓ પણ આજે મારી પ્રસંશા કરવા લાગી છે કે-'મારા જેવો દેખાવડો કોઈ પુરુષ નથી'


ત્યારે ભીમસેન છલાંગ મારીને એકદમ ઉભો થયો ને તેને કહેવા લાગ્યો કે-આજે હું તને પાપીને જમીન પર ઘસડી મારી નાખીશ.તું મરણ પામશે એટલે સૈરંધ્રી ને તેના ગંધર્વ પતિઓ કશી અડચણ વિના સુખમાં વિચરશે'

આમ કહીને ભીમે કીચકના ફૂલથી ગૂંથેલા કેશોને પકડી લીધા.ત્યારે કીચકે વેગપૂર્વક આંચકો મારીને તે કેશોને છોડાવ્યા ને ભીમના હાથોને પકડી લીધા.ક્રોધમાં આવેલા તે બંને વચ્ચે બાહુયુદ્ધ શરુ થયું.ભીમે,તે કીચકને નૃત્યશાળાની મધ્યમાં લાવીને ઊંચે ઉપાડીને ગોળગોળ ઘુમાવીને પૃથ્વી પર પટકી નાખ્યો.કીચક બળહીન થયો ત્યારે ભીમે તેના માથાને તેની જ નાભિમાં દાબી દીધું ને અચેત થયેલા તેને જોરથી મસળી નાખ્યો.ને તેની ગળચી દબાવી દીધી.ને કીચકનાં સર્વ અંગો ભાંગી નાખી તેને ઓળખાય પણ નહિ તેવો કરી દીધો.

છેલ્લાં  ડસકાં લેતા તે કીચકને ભીમસેન કહેવા લાગ્યો કે-મારી પત્નીને સંતાપનારા,તને મારીને હું આજે ઋણમાંથી છૂટીશ અને પરમ શાંતિ પ્રાપ્ત કરીશ' આમ કહી,તે ભીમે કીચકને પ્રાણ રહિત કર્યો.ને અત્યંત ગુસ્સામાં આવેલા તે ભીમે તેના સર્વ અંગો રગડી નાખીને તેને માંસના ગોળા જેવો કરીને તેને દ્રૌપદીને,અજવાળું કરીને બતાવ્યો. 

ને તેને કહ્યું કે-'જે કોઈ તારી સામે કુદ્રષ્ટિ કરશે તે આમ જ જીવ પરવારી બેસશે'(87)


આ પ્રમાણે કીચકને હણવાનું કાર્ય કરીને અને કૃષ્ણાનું ઉત્તમ કાર્ય કરીને ભીમનો રોષ શાંત થયો.ને કૃષ્ણાથી વિદાઈ લઈને ઝટપટ પાકશાળામાં ચાલ્યો ગયો.કીચકનો વધ થવાથી દ્રૌપદી પણ આનંદ પામી,તેના સર્વ સંતાપો સમી ગયા,તેણે નૃત્યશાળાના રક્ષકોને બોલાવીને કહ્યું કે-'પરસ્ત્રીની કામનાથી ઉન્મત્ત થયેલા આ કીચકને મારા ગંધર્વ પતિઓએ મારી નાખ્યો છે તે જુઓ' ત્યારે નૃત્યશાળાના રક્ષકોએ મશાલો સળગાવીને જોયું તો તેમણે કીચકને લોહીથી લથપથ ને પ્રાણરહિત થયેલો જોયો.ઓળખાઈ પણ ન શકાય તેવા તેને જોઈને તે સર્વ આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે-'આવું કામ તો કોઈ મનુષ્યનું તો નથી જ' (94)

અધ્યાય-૨૨-સમાપ્ત