અધ્યાય-૨૧-ભીમે દ્રૌપદીને સાંત્વન આપ્યું
II भीमसेन उवाच II धिगस्तु मे बाहुबलं गाण्डीव फ़ाल्गुनस्य च I यत्तैरक्तौ पुरा भूत्वा पाणीकृतकिणाविमौ II १ II
ભીમસેન બોલ્યો-એકવાર તારા હાથ રાતાં તળિયાવાળા હતા,તે આજે પારકાના કામ કરીને કણીઓવાળા થયા છે,
તેથી મારા બાહુબળને ધિક્કાર હોયને ધિક્કાર હો અર્જુનના તે ગાંડીવને ! હું તો વિરાટની સભામાં જ મહાસંહાર
માંડત,પણ યુધિષ્ઠિરે 'છતા ના થવું' એવી સૂચના કરતાં મારી સામે જોયું એટલે હું રોકાઈ ગયો હતો.બાકી ઐશ્વર્યના
મદમાં ગંદા થયેલા એ કીચકનું માથું હું રમત વાતમાં પગ તળે કચરી નાખત.હે કૃષ્ણા,એ કીચકે તને લાત મારી,તે જ
વખતે હું મત્સ્યદેશવાસીઓનો મહાસંહાર કરવા તલપી રહ્યો હતો,પણ ધર્મરાજે મને વાર્યો,ને હું બેસી રહ્યો હતો.
આપણે રાજ્યથી ભ્રષ્ટ થયા છતાં,મેં દુર્યોધન,કર્ણ,શકુની ને કુરુઓનો વધ કર્યો નહિ,એ વાત મારા હૃદયમાં હજુ કંટકની જેમ સાલે છે.હે સુશ્રોણી,તું ધર્મને છોડીશ નહિ ને તારા ક્રોધને દૂર કર,યુધિષ્ઠિરરાજ,તારે મોઢેથી કદી જો આ તારાં મહેણાં સાંભળે,તો તે ખાતરીથી પોતાના પ્રાણનો ત્યાગ કરે.ધનંજય,નકુલ કે સહદેવ પણ જો આ ઠપકો સાંભળે તો તેઓ પરલોકવાસી જ થાય,અને જો તેઓ આમ પરલોકમાં જાય તો હું પણ જીવી શકું નહિ (9)
પૂર્વે,ચ્યવન મુનિ વનમાં શાંતિમગ્ન રહી રાફડારૂપ થઇ ગયા હતા ત્યારે તેમની સુંદર પત્ની સુકન્યા તેમની સેવા કરતી હતી.વળી,રૂપમાં નારાયણી જેવી ઇંદ્રસેના,પોતાના હજાર વર્ષના વૃદ્ધ પતિની સેવા કરતી હતી.
જનકસુતા સીતા પોતાના પતિ સાથે વનનિવાસિની થઇ હતી ને તેને રાવણ હરી ગયો ત્યારે અત્યંત કષ્ટ વેઠ્યાં હતાં તો પણ પછી રામને આવીને મળી હતી.વય અને રૂપથી સંપન્ન હોવા છતાં લોપામુદ્રા સર્વ દિવ્ય કામનાઓનો ત્યાગ કરીને અગસ્ત્યની સેવામાં જ રહી હતી.સતી સાવિત્રી,પતિ સત્યવાનની પાછળ એકલી યમલોક જવા નીકળી હતી.હે કલ્યાણી આ મેં જે રૂપવતી ને પતિવ્રતા નારીઓ વિશે કહ્યું,તેવી જ તું પણ સર્વ ગુણોથી સંપન્ન છે.
હવે તો માત્ર પંદર દિવસ જ બાકી રહ્યા છે,એટલો સમય પસાર કરી નાખ,ને આ તેરમું વર્ષ પૂરું થશે
ત્યારે તો તું મહારાજેશ્વરી થશે.હવે તારે દુઃખના દહાડા વધુ વેઠવાના નથી.(17)
દ્રૌપદી બોલી-હે ભીમસેન,મારાથી દુઃખો સહન થયાં નહિ,ને તેથી ગભરાઈને મારાથી બોલાઈ ગયું છે,હું યુધિષ્ટિરને ઠપકો આપતી નથી,ગઈ ગુજરી સંભાર્યે હવે શું વળે? પણ,હવે જે કર્તવ્ય કરવાનો સમય આવ્યો છે તે માટે તમે તૈયાર થાઓ.સુદેષ્ણા,મારા રૂપથી તેનો પરાભવ થશે એવી નિત્ય શંકા રાખે છે,તેને સદા ઉદ્વેગ રહ્યા કરે છે કે રખેને વિરાટરાજ મારી પાસે જાય ! સુદેષ્ણાનો આ ભાવ જાણીને કીચક નિત્ય મારી ઈચ્છા રાખે છે.
મેં ક્રોધથી એને કહ્યું પણ ખરું કે-હું પાંચ ગંધર્વોની પત્ની છું,તેઓ ક્રોધે ભરાશે તો તારો નાશ કરશે'
તો એણે સામે કહ્યું કે-એવા લાખો ગંધર્વોનો હું એકલો ઘાણ કાઢી નાખીશ,તું મારો સ્વીકાર કર'
સુદેષ્ણાએ ભાઈ સ્નેહથી પ્રેરાઈને,મદિરા લાવવાના બહાનાથી મને કીચકને ભવને,મારી ઈચ્છા વિરુદ્ધ મોકલી.
ત્યાં એ મારા પર બળજોરી કરવા તૈયાર થયો ત્યારે તેનો સંકલ્પ જાણી લઈને તત્કાળ રાજાને શરણે આવી હતી,પણ ત્યાં રાજાની આંખ સમક્ષ જ તેણે મને લાત મારી.રાજાએ કે તમે કોઈએ તેને રોક્યો નહિ કે શિક્ષા કરી નહિ.તે કીચક ઘાતકી છે ને રાજા ને રાણીનો પ્રિય ને માનીતો છે.તે પાપીને મેં અનેકવાર ધુતકાર્યો છે,
એટલે તે હવે મને ફરી જોશે ત્યારે મને મારશે.તમે અજ્ઞાતવાસની મર્યાદાને સાચવ્યા કરશો તો તમારી ભાર્યા આ લોકમાં રહેશે નહિ.તમે મને જટાસુરથી બચાવી હતી ને જયદ્રથની પાસેથી મને છોડાવી હતી,તો આ પાપી કીચક મને અપમાન આપે છે તો તેને તમે હણી નાખો.મારા પર જુલમ કરનાર તે કીચક જો કાલે સવારે જીવતો ઉઠશે તો હું વિષ ઘોળીને પી લઈશ,પણ તે કીચકને વશ નહિ જ થાઉં.એ કરતાં તમારા ચરણ આગળ મરવું કલ્યાણકરી છે
વૈશંપાયન બોલ્યા-આમ કહીને તે કૃષ્ણાએ ભીમની છાતીએ વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યું,ત્યારે ભીમે તેને છાતી સરસી લઈને તેને સમજાવટથી ધીરી પાડી.ને અત્યંત દુઃખી થયેલી તે દ્રૌપદીને તત્વાર્થથી યુક્ત એવા વચનોથી આશ્વાસન આપ્યું,તેણે આંસુથી ભરાયેલા દ્રૌપદીના વદનને હાથથી લૂછી નાક્યું ને મનમાં કીચકનું સ્મરણ કરીને અત્યંત ક્રોધયુક્ત થઈને તે દુઃખાતુર દ્રૌપદીને આ પ્રમાણે કહેવા લાગ્યો (51)
અધ્યાય-૨૧-સમાપ્ત