Aug 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-593

 

અધ્યાય-૨૦-દ્રૌપદીનો આત્મવિલાપ 


 II द्रौपदी उवाच II अहं सैरंध्रीवेषेण चरंति राजवेष्यनि I सौचदास्मि सुदेष्णाया अक्षधूर्तस्य कारणात् II १ II

દ્રૌપદી બોલી-હું એ અટ્ટલ જુગારી યુધિષ્ઠિરને લીધે જ આ રાજભવનમાં સૈરંધ્રી વેશે રહું છું ને મારે સુદેષ્ણાને હાથપગ

ધોવાનું પાણી આપવું પડે છે.જુઓ તો ખરા,હું એક રાજપુત્રી,આજે આવી અવદશામાં આવી પડી છું.

પણ,જેમ,મનુષ્યોની અર્થસિદ્ધિ,જય-પરાજય અનિત્ય છે એમ માનીને હું મારા સ્વામીઓના પુનઃ ઉદયની જ

પ્રતીક્ષા કરું છું.સુખ-દુઃખ એ પૈડાંની માફક ફર્યા કરે છે એમ માનીને હું પુનઃ ઉદયની જ વાટ જોઉં છું.

પણ,હે ભીમસેન,આ હું મરવા જેવી થઇ ગઈ છું છતાં તમે કેમ મારી ભાળ લેતા નથી? દૈવને કશું જ દુષ્કર નથી,ને તેનું કોઈ ઉલ્લંઘન કરી શકે તેમ નથી,એ મહાસિદ્ધાંત વિચારીને હું દૈવની આજ્ઞાને માથે ચડાવું છું ને કાળનું બળ જોઈને હું પુનઃ ઉદયની પ્રતીક્ષા કરું છું.પરંતુ આ જે વચનો મેં તમને કહ્યાં છે તેનું પ્રયોજન શું છે?તે તો મને દુખિયારીને પૂછો તો હું કહીશ કે-પાંડુપુત્રોની પટરાણી અને દ્રુપદરાજની દુહિતા છતાં,હું આ અવદશામાં પડી છું,તો મારા સિવાય બીજી કઈ સ્ત્રી જીવવાની ઈચ્છા કરે? (10)


મને આજે જે આ દુઃખ પડી રહ્યું છે તે સર્વ કુરુઓને,પાંચાલોને અને પાંડુપુત્રોને પણ લાંછન લગાડશે.

મેં બાળપણમાં વિધાતાનો કોઈ અપરાધ કર્યો હશે,એટલે તો હું આ દુર્દશાને પામી છું.હે પાંડવ,જુઓ મારો વર્ણ કેવો બદલાઈ ગયો છે! વનવાસના પરમદુખમાં પણ હું આવી ફિક્કી પડી ગઈ નહોતી.પૂર્વે મને જે સુખ હતું તે તો તમે જાણો જ છો,પણ આજે દાસી બનીને હું પરવશ પડી છું તેથી મને કશી પણ શાંતિ મળતી નથી.

આપણા સર્વની આ દશા માટે હું દૈવ વિના બીજું કશું કારણ માનતી નથી.પ્રાણીઓની ભાવિ ગતિને મનુષ્યો જાણી

શકતા નથી.તમે બધા જીવતા હો,તો મારી આવી સ્થિતિ ન જ થઇ શકે,પણ કાળનો આ પલટો જુઓ.


હે કુંતીનંદન,તમે મારુ આ અસહ્ય દુઃખ સાંભળો.મેં મારી પોતાની માટે પણ અંગરાગને માટે ચંદન ઘસ્યું નહોતું,

પણ આજે હું પારકાને માટે ચંદન ઘસી રહી છું,આ કણીઓ પડેલા મારા હાથ તમે જુઓ'

આમ પોતાના દુઃખોને વર્ણવીને દ્રૌપદી નિસાસા નાખીને આંસુથી ગળગળતી વાણીમાં ભીમસેનના હૃદયને

કંપાવતી બોલી કે-'હે ભીમસેન,મેં પૂર્વે દેવોનો નેનો સરખો પણ અપરાધ કર્યો નથી,છતાં,મારે મરી જવું જોઈએ

તેવા આ સમયમાં પણ હું અભાગણી જીવી રહી છું (29)


વૈશંપાયન બોલ્યા-ત્યારે તે વૃકોદર,એ પત્નીના સુકુમાર ને કણીઓ પડેલા હાથને પોતાના મુખ પર મૂકીને

પોક મૂકીને રડવા લાગ્યો.ને અત્યંત દુઃખતુર થઈને દ્રૌપદીને કહેવા લાગ્યો (31)

અધ્યાય-૨૦-સમાપ્ત