Aug 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-592

 

અધ્યાય-૧૯-દ્રૌપદીનો ભીમ સંબંધી વિલાપ 


II द्रौपदी उवाच II इदं तु ते महादुखं यत्प्रवक्ष्यामि भारत I न मेम्यसुया कर्तव्या दुःखादेतद् ब्रविम्यहम् II १ II

દ્રૌપદી બોલી-હે ભારત,આ હું તમને મારી મહાદુઃખકારી વાત કહું છું,તમે મારા પર રોષ કરશો નહિ કેમ કે હું દુઃખને

લીધે જ બોલી રહી છું.તમને ન શોભે તેવું રસોઈયાનું હીન કામ કરીને તમારી જાતને બલ્લવ કહેવડાવો છો,

આથી કોનો શોક ન વધે? તમે દાસપણામાં પડયા છો ને રસોઈયા તરીકે વિરાટની સેવામાં હાજર 

થાઓ છો ત્યારે મારુ કાળજું ભેદાઈ જાય છે.વિરાટરાજ તમને કુંજરો સાથે યુદ્ધ કરાવે છે 

ત્યારે રાણીવાસની રમણીઓ હર્ષમાં આવી જાય છે પણ મારુ કાળજું ફફડી ઉઠે છે.

કૈકયી રાણીના દેખતાં તમે સિંહો,વાઘો અને પાડાઓ સાથે યુદ્ધ કરો છો ત્યારે મારા મનમાં ખેદ થાય છે,તે જોઈને સર્વ સ્ત્રીઓ મારા ને તમારા વિષે અજુગતી વાતો કરીને મારુ અપમાન કરે છે,ત્યારે મારુ મન ફાટી જાય છે.

તમારી ને યુધિષ્ઠિરની આવી દાસપણાની નારકી સ્થિતિ જોઈને શોકમાં પડેલી હું જીવવાની હોંશ રાખતી નથી.


જે અર્જુને,રથમાં બેસીને સર્વ દેવો ને મનુષ્યોને જીત્યા હતા,તે આજે વિરાટરાજની કન્યાઓને નાચ શીખવી રહયા છે,ને રાણીવાસમાં વાસી રહયા છે.જેનાથી શત્રુઓને સદૈવ ભય રહેતો હતો તે આજે લોકનિંદિત એવા હીજડાના વેશમાં રહ્યા છે.જેના બાહુઓ ધનુષ્ય ખેંચીને કઠિન થઇ ગયા હતા તે બાહુઓમાં આજે શંખની ચૂડીઓ છે.

મસ્તકે મુગટને બદલે કઢંગો ચોંટેલો ને વેણીઓ છે,તેમને કન્યાઓંથી વીંટાયેલા જોઉં છું ત્યારે મારુ મન બળી જાય છે.કાનમાં કુંડળો પહેરી,વેશ બદલી,તે કન્યાઓના નૃત્યશિક્ષક થઇ કન્યાઓના નોકર થઈને રહ્યા છે!


જેનો જન્મ થતાં કુંતીનો શોક નાશ પામ્યો હતો તે તમારા નાના ભાઈ અર્જુન મને શોકાતુર કરી રહ્યા છે.

અર્જુનને સ્ત્રીના વેશમાં જોઈને મારુ અંતર ભડકે બળે છે,તેમને કન્યાઓંથી ઘેરાયેલા રહીને વિરાટરાજની સેવા કરતા જોઉં છું ત્યારે હું આંધળી ભીંત થઇ જાઉં છું ને મને દિશાનું ભાન રહેતું નથી સાચે જ ધનંજય આવા કષ્ટમાં પડ્યા છે ને યુધિષ્ઠિર પણ આવા કષ્ટમાં ડૂબી ગયા છે તે વાત સાસુજી નહિ જ જાણતાં હોય (31)


વળી,હે ભારત,ગોવાળિયા બનેલા નાના સહદેવને ગોવાળના વેશમાં ગાયોની પાછળ આવતા જોઉં છું ત્યારે મારુ શરીર ફિક્કું પડી જાય છે.સહદેવને આવું દુઃખ પડે તેના કારણરૂપ એમનું એકે દુષ્કર્મ હું જોતી નથી.

વનમાં નીકળતી વખતે સાસુજીએ મને કહ્યું હતું કે-આ સહદેવ,લજ્જાશીલ,મધુરભાષી અને ધાર્મિક છે ને મને વહાલો છે,તું વનમાં એની સંભાળ લેજે,ને તારે હાથે જ તેને જમાડજે' એ સહદેવને આજે ગાયોના કામમાં રોકાયેલા અને રાત્રે વાછરડાના ચામડા પર સૂતા જોઈને મને જીવવાની ઈચ્છા કેમ રહે?


અને જે રૂપ,અસ્ત્ર ને બુદ્ધિ એ ત્રણથી સંપન્ન છે તે આજે વિરાટરાજના અશ્વશિક્ષક થયા છે ને તેમની સેવામાં ઉભા રહે છે.ગ્રંથિકનું નામ ધારણ કરનાર જે નકુલને જોતાં જ પૂર્વે શત્રુઓનાં ટોળાં નાસી જતાં હતાં તે આજે વિરાટરાજની આંખ આગળ તેના ઘોડાઓને કેળવી રહ્યા છે,તે મારાથી સહન થતું નથી.હે પરંતપ,આવી 

સ્થિતિમાં હું સુખી છું એમ તમે માનો છો શું?હું તો યુધિષ્ઠિરના નિમિત્તથી આવા સેંકડો દુઃખમાં ડૂબી ગઈ છું 

અને આથી પણ બીજાં વિશેષ દુઃખો હું તમને કહું છું,કે જે મારા શરીરને સુકવી રહ્યાં છે.(47)

અધ્યાય-૧૯-સમાપ્ત