Aug 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-591

 

અધ્યાય-૧૮-દ્રૌપદીનો યુધિષ્ઠિર સંબંધી વિલાપ 


II द्रौपदी उवाच II अशोच्यत्वं कुतस्तस्या यस्या भर्ता युधिष्ठिरः I जानन्सर्वाणि दुःखानि किं मां त्वं परिप्रुच्छसि II १ II

દ્રૌપદી બોલી-જેનો ભર્તા યુધિષ્ઠિર હોય તે સ્ત્રીને સુખ તે ક્યાંથી હોય? બધાં દુઃખ તમે જાણો છો,છતાં શા માટે મને

પૂછો છો? દુર્યોધનની સભામાં મને દાસી કહીને તાણી લાવવામાં આવી તે દુઃખ મારા કાળજાને બાળી રહ્યું છે.

આવાં દુઃખ અનુભવીને મારા સિવાય કઈ રાજાની છોકરી જીવતી રહે?

વનવાસમાં જયદ્રથે મારો પરાભવ કર્યો હતો તેને પણ કઈ સ્ત્રી સહન કરી શકે તેમ છે?

અને આજે કીચકે ભરી સભામાં મને લાત મારી,એ સ્થિતિમાં કઈ સ્ત્રી જીવતી રહી શકે? હું અનેકવિધ ક્લેશોથી ઘેરાઈ રહેલી છું છતાં તમે મારી સંભાળ લેતા નથી તો મારે જીવીને શું કરવું? આ કીચક,જે વિરાટરાજનો સાળો 

ને મહાનીચ બુદ્ધિનો છે તે મારા ભવનમાં આવીને વારંવાર મને કહે છે કે-'મને વશ થા ને મારુ ઘર માંડ' 

એના વર્તનથી મારુ હૃદય દુઃખથી ફાટી રહ્યું છે.(9)


ભૂંડું જુગટું રમનારા તમારા એ ભાઈને તમે જરા ઠપકો આપો.એમના કર્મને લીધે જ હું આ પાર વિનાના દુઃખને પામી છું.જુગારમાં પોતાનું સર્વસ્વ હાર્યા પછી પણ ભૂંડા જુગારી વિના બીજું કોણ વનવાસની શરતે હોડ કરે? જો એ સવાર સાંજ હજાર હજાર સોનામહોરોથી રમ્યા હોત તો પણ અનેક વર્ષોં સુધી રમી શકત અને કશું પણ ખૂટી ન પડત.પણ હવે એ યુધિષ્ઠિર જુગારના છંદમાં સર્વ લક્ષ્મી હારીને પોતા કર્મોનો વિચાર કરતા મૂઢની જેમ મૂંગા બેસી રહયા છે ને દાસ બનીને જુગારના અનર્થકારી ધન પર પેટગુજારો કરે છે.જે અનેકોનું ભરણપોષણ કરતા હતા તે આજે નરક જેવી દશામાં પડીને વિરાટરાજના સેવક થયા છે ને પોતાને પાસા નાખનાર કંક તરીકે ઓળખાવે છે.જે યુધિષ્ઠિરને સભામાં સમગ્ર વસુંધરા પાયે પડતી હતી,તે આજે અન્યના પગે પડી રહ્યા છે,ને ભરી સભામાં મારી સાથે થતા અત્યાચારને જોઈ રહ્યા હોવા છતાં કશું કરી કે કશું બોલી શકતા નથી.હું અનાથની જેમ અનેકવિધ દુઃખોથી પીડાઈ રહી છું

અને શોકસાગરમાં ડૂબી છું,તે તમે કેમ જોતા નથી? (33)

અધ્યાય-૧૮-સમાપ્ત