અધ્યાય-૧૭-દ્રૌપદી ભીમની પાકશાળામાં
II वैशंपायन उवाच II सा हता सूतपुत्रेण राजपत्नी यशस्विनी I वधं कृष्णा परिप्संति सेनावाहस्य भामिनी II १ II
વૈશંપાયન બોલ્યા-સૂતપુત્ર કીચકે,યશસ્વિની રાજરાણી કૃષ્ણાને આમ લાત મારી,એટલે એ ભામિની,એ સેનાપતિનો
વધ કરવાની ઈચ્છાથી પોતાના મુકામે ગઈ.ને રડતાં રડતાં તે પોતાના દુઃખના નિકાલ વિશે વિચાર કરીને તેણે
મનમાં ભીમનું સ્મરણ કર્યું,ને મનમાં જ બોલી કે-'ભીમ વિના બીજું કોઈ મારા મનનું પ્રિય કરે એમ નથી'
એટલે તરત જ તે રાતમાં તે પથારી છોડીને ઉભી થઈને ભીમસેનના ભવન તરફ દોડી.
ત્યાં,મનમાં સંતાપ પામેલી એ દ્રૌપદીએ ભીમે સૂતો જોઈને તેને કહ્યું કે-'અરે ઓ ભીમ,મને લાત મારનાર મારો શત્રુ પાપી સેનાપતિ હજી જીવે છે છતાં તમને કેમ ઊંઘ આવે છે?' આમ કહીને તેણે બે હાથે ભેટીને જાગ્રત કર્યો.
દ્રૌપદીએ ભીમને આમ જગાડ્યો ત્યારે તેને આમ અચાનક એકલી રાતે આવેલી જોઈને વિસ્મિત થયો.
ને કહ્યું કે-તું શા માટે આમ રાતે એકલી અહીં આવી છે?તું મને પુરી વાત કહે અને પછી હું તારે પ્રિય જે કરવાનું હશે તે અવશ્ય કરીશ,હે કૃષ્ણા,સર્વ કામોમાં હું જ તારો વિશ્વાસપાત્ર છું,ને વારંવાર તને આપત્તિઓમાંથી છોડાવનાર છું,એટલે તું મને જે કાર્ય કરવાનું છે તે કહે અને બીજું કોઈ જાણે તે પહેલાં અહીંથી ચાલી જા (21)
અધ્યાય-૧૭-સમાપ્ત