Aug 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-589

 

અધ્યાય-૧૬-દ્રૌપદીનો પરાભવ 


II कीचक उवाच II स्वागतं ते सुकेशांते सुख्युष्टा रजनी मम I स्वामिनी त्वमनुप्राप्ता प्रकुरुष्व मम प्रियम् II १ II

કીચક બોલ્યો-હે સુંદરકેશી,તું ભલે આવી,આજે મારી રાત સારી જશે,તું મારી સ્વામીની છે,મારુ પ્રિય કર.

તારે માટે આ સુંદર આભૂષણો ને વસ્ત્રો છે ને આ મારી આ શય્યા તારા માટે જ શણગારીને રાખી છે,

તો તું આવ અને મારી સાથે મધુપુષ્પની મદિરા પી.

દ્રૌપદી બોલી-રાણી સુદેષ્ણાએ મને તારી પાસેથી મદિરા લેવા મોકલી છે તે મને આપ.

કીચક બોલ્યો-'તે મદિરા તો બીજી દાસીઓ લઇ જશે' આમ કહી તેણે દ્રૌપદીનો હાથ પકડી લીધો.

ત્યારે હાથ તરછોડતી રહેલી તે દ્રૌપદીને જોઈને કીચકે તેનો સાડીનો છેડો પકડીને તેને ખેંચવા લાગ્યો.

એટલે દ્રૌપદીએ તેને નિઃશ્વાસો નાખીને જોરથી ધક્કો માર્યો,એટલે તે નીચે પટકાઈ પડ્યો.

આમ તે નીચે પડ્યો એટલે દ્રૌપદી ધ્રૂજતી ધ્રૂજતી યુધિષ્ઠિર જે સભામાં બેઠા હતા તે સભાને શરણે ગઈ.

પણ,કીચકે દોડી આવીને દ્રૌપદીના વાળ પકડીને,રાજા દેખતાં જ તેને પગ વડે લાત મારી.


આ વખતે,સૂર્યે જે રાક્ષસને દ્રૌપદીના રક્ષણ માટે યોજ્યો હતો તેણે કીચકને ધક્કો મારીને દૂર ફેંકી દીધો.

રાક્ષસના બળથી તે કીચક ચક્કર ખાઈને બેભાન થઈને પડ્યો.સભામાં બેઠેલા ભીમ અને યુધિષ્ઠિર,દ્રૌપદીનો આ પરાભવ જોઈ શક્યા નહિ,ભીમ તો કીચકનો વધ કરવા ટાંપી ઉઠ્યો,ને ક્રોધમાં આવી તેણે એકાએક ઉભા થવાની ઈચ્છા કરી,ત્યારે રખેને પોતે છતા પડી જાય એ બીકને લીધે યુધિષ્ઠિરે પોતાના અંગુઠાથી ભીમના અંગુઠાને દબાવીને તેને ઉઠતો રોક્યો.છતાં ભીમ તો કીચકને મારવા માટે તેની સામે જોવા લાગ્યો,


દ્રૌપદી ત્યારે પોતાના દીનમન થયેલા પતિઓને જોતી,પોતાના ખરા રૂપને છુપાવતી,રૌદ્ર નયનથી જાણે બળી  રહી હોય તેમ તે મત્સ્યરાજને કહેવા લાગી કે-જેમનો વેરી,દેશ છોડીને ભાગીને બીજા દેશમાં પણ નિરાંતે સુઈ શકતો નથી,તેમની હું માનિની ભાર્યા છું,એવી મને આ કીચકે લાત મારી છે.જેઓ શરણની ઇચ્છાએ આવેલાને શરણરૃપ થાય છે,એ મહારથીઓ આ લોકમાં ક્યાં ગુપ્તરૂપે વિચરે છે? આ સૂતપુત્ર તેમની પ્રિયતમાને મારી રહ્યો છે,છતાં તે અમાપ બળવીરો નપુંસકની જેમ કેમ સહન કરી લે છે? ને કેમ તેઓ વહારે ધાતા નથી?


મને નિર્દોષને માર પડે છે તે જોવા છતાં,વિરાટરાજ તે સહન કરી લે છે એવા ધર્મદૂષક રાજા સમક્ષ હું શું કરી શકું?

આ કીચકના સંબંધમાં રાજકર્તાને યોગ્ય કશો વર્તાવ કેમ નથી?અહીં રાજસભામાં ચોરડાકુના જેવો ધર્મ ન જ શૉભે.તમારી સમક્ષ આ કીચક મને અબળાને મારે એ યોગ્ય નથી.હે સભાસદો,તમે આ કીચકનો અપરાધ જુઓ.

આ કીચક કે મત્સ્યરાજને કોઈ રીતે ધર્મ સમજતો નથી,તો તમે પણ શું ધર્મ જાણતા નથી?


આ રીતે આંસુભર્યા નેત્રવાળી તે દ્રૌપદીએ સર્વને ઠપકો આપ્યો,ત્યારે તે કૃષ્ણાની વાત બરાબર જાણી લઈને 

સભાસદોએ તેની પ્રશંસા કરી ને કીચકને ફીટકાર  આપ્યો.સભાસદોએ આમ કૃષ્ણાની સ્તુતિ કરી ત્યારે યુધિષ્ઠિરને કોપને લીધે કપાળે પરસેવો થઇ આવ્યો અને તેમને દ્રૌપદીને કહ્યું કે-હે સૈરંધ્રી,તું અહીં ઉભી ન રહેતાં સુદેષ્ણાના ભવને ચાલી જા.મને લાગે છે કે,તારા પતિઓએ આ સમયે ક્રોધ કરવો યોગ્ય નહિ લાગતો હોય,એટલે તે તેજસ્વી ગંધર્વો તારી  વહારે ધાતા નથી.હાલ,તું અહીંથી જા,ગંધર્વો જેણે  તારું અપ્રિય કર્યું છે તેનું કાસળ કાઢી નાખશે'


પછી,તે દ્રૌપદી સુદેષ્ણાના ભવન તરફ દોડી ગઈ ત્યારે તેની આંખ ક્રોધથી લાલ થઇ ગઈ હતી.ને તે રડતી હતી.

સુદેષ્ણાએ તેને રડવાનું કારણ પૂછ્યું તો દ્રૌપદી બોલી-હું તમારે માટે સુરા લેવા ગઈ ત્યારે કીચકે મારુ અપમાન કર્યું ને સભા વચ્ચે મને તેને લાત મારીને માર માર્યો છે.' સુદેષ્ણા બોલી-તારી મરજી હશે તો હું તે કીચકનો ઘાત કરાવીશ,કેમ કે કામમાં ઉન્મત્ત થઇ તેણે તારું અપમાન કર્યું છે.


દ્રૌપદી બોલી-તમે નહિ,એ તો જેમનો એ અપરાધ કરી રહ્યો છે તેઓ જ તેને મારી નાખશે,

હું માનું છું કે એ આજે જ ખાતરીથી યમલોકમાં પહોંચી જશે (51)

અધ્યાય-૧૬-સમાપ્ત