અધ્યાય-૧૫-કીચક અને સુદેષ્ણાની યુક્તિ
II वैशंपायन उवाच II प्रस्याख्यातो राजपुत्र्या सुदेष्णां कीचकोब्रवीत् I अमर्यादेन कामेन घोरेणामिपरिप्लुतः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ રાજપુત્રી દ્રૌપદીએ,કીચકને હડધૂતી કાઢ્યો ત્યારે ભયંકર અને અમર્યાદ કામથી ઘેરાયલો એ (બહેન)સુદેષ્ણા પાસે જઈ તેને કહેવા લાગ્યો કે-હે કૈકેયી,તું એવું ગોઠવ કે તે સૈરંધ્રી મારી પાસે આવી મારા પર પ્રેમ કરે,એની ઘેલછામાં હું જીવ ખોઈ ન બેસું એમ તું કર' કીચકનાં વિલાપવચનો સાંભળીને સુદેષ્ણાએ એના પર દયા કરીને કહ્યું કે-તું પર્વનો દિવસ જોઈને સૂરા ને ભોજનો તૈયાર કરાવજે એટલે હું તેને સૂરા લાવવા તારી પાસે મોકલીશ,
એટલે તું અડચણ વિનાના તારા સ્થાનમાં તેને સમજાવજે,તો કદાચ તે તારે વશ થાય'(6)
બહેને આ પ્રમાણે કહ્યું એટલે તેણે ઉત્તમ પ્રકારની મદિરા તૈયાર કરાવી ને જાતજાતનાં ભોજનો બનાવડાવીને સુદેષ્ણાને સંદેશો મોકલાવીને તે સૈરંધ્રીને પોતાને ઘેર મોકલવાનું કહ્યું.સંદેશો સાંભળીને સુદેષ્ણાએ સૈરંધ્રીને
કહ્યું કે-હે સૈરંધ્રી,તું કીચકને ઘેર જા અને મારે માટે મદિરા લઇ આવ,મને ભારે શોષ પડે છે'
સૈરંધ્રી બોલી-હે રાજપુત્રી,હું તેને ઘેર નહિ જ જાઉં,તમે જાણો છો કે એ કેવો નિર્લજ છે.તમારા મહેલમાં પ્રવેશ કરતી વખતે મેં તમારી પાસે ઠરાવ કર્યો હતો.તે કીચક મૂરખ છે ને મદનથી મત્ત છે.મને જોતાં જ તે મારુ અપમાન કરશે એથી હું ત્યાં નહિ જાઉં.તમારી પાસે અનેક દાસીઓ છે તેને ત્યાં મોકલો કેમ કે હું ત્યાં જઈશ તો તે અવશ્ય મને છેડશે ' ત્યારે સુદેષ્ણા બોલી કે-'હું તને અહીંથી મોકલું છું એટલે તે કીચક તારું કોઈ અપમાન કરશે નહિ;
પણ મનમાં શંકા કરતી અને રુદન કરતી તે સૈરંધ્રી દૈવને શરણે જઈને કીચકના ઘર તરફ ચાલી.
તે અબળાએ બે ઘડી સુધી સૂર્યની ઉપાસના કરી એટલે સૂર્યે દ્રૌપદીનો સર્વ વિચાર જાણીને તેના રક્ષણ માટે
એક ગુપ્ત રાક્ષસને આજ્ઞા કરી,એટલે તે ગુપ્ત રાક્ષસ દ્રૌપદીને એકલી ન મૂકતાં તેની સાથે જ ચાલવા લાગ્યો.
કીચક દ્રૌપદીને એકલી આવેલી જોઈને એકદમ હરખમાં આવીને ઉભો થઈ ગયો (21)
અધ્યાય-૧૫-સમાપ્ત