Aug 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-587

કીચક વધ પર્વ

અધ્યાય-૧૪-કામાંધ કીચક અને કૃષ્ણાનો સંવાદ 


II वैशंपायन उवाच II वसमानेषु पार्थेषु मत्स्यनगरे तदा I महारथेषु च्छ्न्नेषु मासा दश समाययुः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,તે મહારથી પૃથાનંદનોને મત્સ્યનગરમાં ગુપ્ત રીતે રહેતાં દશ માસ વીતી ગયા.

યાજ્ઞસેની કે જે સેવા કરાવવાને યોગ્ય હતી તે સુદેષ્ણાની સેવા કરતી હતી.એવામાં વિરાટરાજના (સાળા) મહાબળવાન સેનાપતિ કીચકે એ દ્રુપદપુત્રીને દીઠી.દેવકન્યાના જેવી કાંતિવાળી અત્યંત સુંદર દ્રૌપદીને જોઈને તે કીચક કામબાણથી અત્યંત પીડાવા લાગ્યો.તે સુદેષ્ણા પાસે જઈને કહેવા લાગ્યો કે-

'અહીં આ ભવનમાં પૂર્વે મેં આવી સુંદરીને જોઈ જ નથી.જેમ,ઉત્તમ મદિરા મનુષ્યને પોતાની ગંધથી જ ઉન્મત્ત કરી મૂકે છે તેમ,આ ભામિની,મને તેના રૂપથી ઉન્મત્ત કરી મૂકે છે.હે શુભા,એ કોણ છે?કોની સ્ત્રી છે?તે તું મને કહે કેમકે મારા મનની શાંતિ માટે તેની પ્રાપ્તિ વિના બીજું કોઈ ઓસડ નથી,એમ મારુ માનવું છે.તારું દાસીપણું તેને યોગ્ય નથી,તે તો મારુ જે કંઈ  છે તેના પર સ્વામિત્વ જ ભોગવાને યોગ્ય છે.તે ભલે મારા મહેલને શોભાવે'(10)


આમ,સુદેષ્ણા સાથે વાત કરી,તે કૃષ્ણા પાસે ધસી ગયો ને તેને કહેવા લાગ્યો કે-હે કલ્યાણી,તું કોણ છે?કોની છે?ને આ વિરાટનગરમાં ક્યાંથી આવી છે? તારું રૂપ અનુપમ છે,તારી કાંતિ અનુત્તમ છેને તારી સુકુમારતા શ્રેષ્ઠ છે.

પૃથ્વીમાં તારા જેવી બીજી કોઈ સ્ત્રીને મેં જોઈ નથી.તારા મુખને જોઈને આ જગતમાં કયો એવો મનુષ્ય છે 

કે જે કામવશ ન થઇ જાય? તારી કમનીય કાયાને જોઈને કામવ્યાધિએ મને પીડવા લાગ્યો છે,નિર્દય કામાગ્નિ.દાવાગ્નિની જેમ ભડભડી ઉઠ્યો છે,ને તારા સમાગમના સંકલ્પથી વધી રહ્યો છે,તો 

હે વરારોહા,સમાગમરૂપી મેઘથી અને આત્મદાન રૂપી વર્ષાથી તું એ બળતા કામાગ્નિને શાંત કર.


તું સુખ ભોગવવાને યોગ્ય છે,છતાં અહીં તું સુખથી રહિત છે,માટે સુંદર આભૂષણો સજીને,ને અનુપમ પેયો પીને મારી પાસેથી અનુપમ સુખ પ્રાપ્ત કર.તારે માટે હું મારી બીજી સ્ત્રીઓનો ત્યાગ કરીશ,મારી તે સર્વ સ્ત્રીઓ તારી દાસી થશે,ને હું પણ સદૈવ તારો દાસ થઈને રહીશ,ને તારે આધીન રહી વર્તીશ'(33)


દ્રૌપદી બોલી-હે સૂતપુત્ર,તું મને ન ઇચ્છવા જેવીને ઈચ્છી રહ્યો છે.હું તો હલકા વર્ણની છું,બીભત્સ છું અને કેશ ઓળનારી છું.વળી,હું પરસ્ત્રી છું,એટલે તારી આ યાચના અયોગ્ય છે.તું ધર્મનો વિચાર કર.જે પાપી મનનો મનુષ્ય,મોહમાં આવી મિથ્યા વસ્તુની અભિલાષા કરે છે તે ભયંકર અપકીર્તિ ને પ્રાણસંકટ પામે છે (37)


કીચક બોલ્યો-હે સુંદરવદના,મને આમ ના પાડવું એ તને ઘટતું નથી.તારે કારણે હું મદનથી ઘેરાયો છું,હું તારે અધીન

છું ને તારું પ્રિય બોલું છું,છતાં જો તું મને ના પડશે તો તારે ચોક્કસ પસ્તાવો કરવાનો આવશે.

હું જ આ અખિલ રાજ્યનો સ્વામી છું અને તેને વસાવનાર છું.પૃથ્વીમાં બીજો કોઈ મનુષ્ય મારી બરોબરીનો નથી,

હું તને રાજ્ય આપું છું,તું તેની સ્વામીની છે,તું મને ભજ ને ઉત્તમ ભોગો ભોગવ.


દ્રૌપદી બોલી-હે સૂતપુત્ર,તું ગાંડો થા નહિ,જોજે આજે જ તારો જીવ જાય નહિ.તું જાણી લે કે પાંચ ઘોર પુરુષો મારુ ચારેકોરથી રક્ષણ કરે છે.તું મને કદી પણ મેળવી શકીશ નહિ કેમકે મારા ગંધર્વ પતિઓ કોપ કરશે તો તારો નાશ થશે.મારો અપરાધ કરીને તું પૃથ્વીના પેટાળમાં પણ છુપાઈ જશે તો પણ મારા ગંધર્વ પતિઓના હાથથી છૂટી શકશે નહિ.પરસ્ત્રીથી સદાય દૂર રહેવાની અને તે દ્વારા જીવનને જીવંત રાખવાની દ્રષ્ટિ તારી પાસે નથી (52)

અધ્યાય-૧૪-સમાપ્ત