સમયપાલન પર્વ
અધ્યાય-૧૩-જીમૂતનો વધ
II जनमेजय उवाच II एवं ते मत्स्यनगरे प्रच्छनाः कुरुनन्दनाः I अत ऊर्ध्व महावीर्याः किमकुर्वत वै द्विज II १ II
જન્મેજય બોલ્યા-હે દ્વિજ,એ મહાવીર્યવાન કુરુનંદનોએ મત્સ્યનગરમાં ગુપ્તવાસ કર્યા પછી શું કર્યું?
વૈશંપાયન બોલ્યા-ધર્મદેવના અનુગ્રહથી પાંડવો વિરાટનગરમાં અજ્ઞાતવાસે રહ્યા.ત્યાં યુધિષ્ઠિર સભાસદ થયા ને વિરાટરાજ,તેમના પુત્રો ને મત્સ્યદેશવાસીઓનાં પ્રિયપાત્ર થયા હતા.યુધિષ્ઠિર,તે વિરાટરાજને દ્યુતસભામાં યથેચ્છ
રીતે રમાડતા હતા ને પોતાનું જીતેલું ધન વિરાટરાજ ન જાણે એ રીતે ભાઈઓને યથાયોગ્ય આપતા હતા.
વળી,તે ભાઈઓ પણ પોતપોતાનું કામ કરીને એકબીજાને સહાયક થતા હતા
ને દ્રૌપદીની સંભાળ રાખીને તેઓ વિરાટનગરમાં ગુપ્તપણે વિચરતા હતા.(13)
પછી,ચોથે મહિને,મત્સ્યદેશમાં પુરુષોનો માનીતો એવો મહોત્સવ આવ્યો.ત્યાં જુદીજુદી દિશાઓમાંથી હજારો મલ્લો આવીને એકઠા થયા.રાજાએ તેમનો સત્કાર કર્યો.પછી,તેમાંના એક અતિબળવાન મલ્લે,સર્વ મલ્લોને કુસ્તીનું તેડું કર્યું.પણ તેની સામે કુસ્તી ખેલવા કોઈ પણ ઉભો થયો નહિ.આમ જયારે સર્વ મલ્લો,નિસ્તેજ ને ઉદાસ થયા ત્યારે વિરાટરાજે બલ્લવને (ભીમને) તે મલ્લ સાથે લડવાની આજ્ઞા કરી.એ વખતે 'પોતે રખે ઉઘાડો પડી જાય'
એ બીકે ભીમ કુસ્તી લડવાને તૈયાર નહોતો,છતાં,દુઃખપૂર્વક તેણે લડવાનો નિર્ણય કર્યો કેમ કે તે રાજાને ખુલ્લી રીતે ના પણ કહી શકે તેમ નહોતું.તે વિરાટરાજને વંદન કરીને અખાડામાં પેઠો.(21)
ત્યાં ભીમે કચ્છ કસીને લોકોમાં હર્ષ ઉપજાવ્યો,ને પ્રસિદ્ધ પરાક્રમી જીમૂત નામના મલ્લને પડકાર્યો.
બંને પરાક્રમી ને બળિયા હતા,એટલે તેમની વચ્ચે ભીષણ યુદ્ધ થયું.કુસ્તીની અનેક રીતો જેવી કે,
મલ્લ પ્રકર્ષણ (સામાને ગોદમાં ખેંચવો)આકર્ષણ (સામાને સામો ખેંચી લાવવો)વિકર્ષણ (સામાને વેગથી પછાડવો)
થી એકબીજાને ખેંચીને એકબીજા પર પ્રહાર કરતા હતા.ને મોટી બૂમો પાડીને એકબીજાને તિરસ્કારતા હતા.
પછી,ભીમે જીમૂતને બે હાથથી ખેંચીને,તેને ઊંચકીને ઘુમાવવા લાગ્યો.ને એમ તેને સો વાર ઘુમાવીને
જમીન પર પટક્કી તેને રગડી નાખ્યો.જીમૂત મરણ પામ્યો એટલે વિરાટરાજા આનંદ પામ્યો ને બલ્લવને હર્ષપૂર્વક પુષ્કળ ધન આપ્યું. ને આમ બલ્લવે વિરાટરાજની પ્રીતિ સંપાદન કરી.
ભીમની તોલે આવે તેવો કોઈ પુરુષ મળતો નહિ ત્યારે વિરાટરાજ ભીમને સિંહો,વાધો ને હાથીઓ સાથે કુસ્તી માટે ભીડાવતો.બીજી બાજુ,અર્જુન પણ ગીત નૃત્ય વડે રાણીવાસની સર્વ સ્ત્રીઓ અને વિરાટરાજને સંતોષ આપતો હતો.
નકુલે ઘોડાઓને કેળવીને ને સહદેવે બળદોને કેળવીને.વિરાટરાજની પ્રીતિ પ્રાપ્ત કરીને ધન મેળવ્યું.
પરંતુ,દ્રૌપદી,પોતાના આ સર્વ મહારથી પતિઓને ક્લેશ પામી રહેલા જોઈને મનમાં અત્યંત ખેદ પામતી હતી ને
ઊંડા ઊંડા નિસાસા નાખ્યા કરતી હતી.આ પ્રમાણે તે સર્વ વિરાટનગરમાં ગુપ્ત રીતે વસતા હતા.(46)
અધ્યાય-૧૩-સમાપ્ત
સમયપાલન પર્વ સમાપ્ત