Aug 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-585

 

અધ્યાય-૧૨-નકુલનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत पांडव: प्रभुर्विराटराजं तरसा समेयिवान् I 

तमापतंतं ददशे पृथग्जनो विमुक्तमभ्रादिव सूर्यमण्डलं II १ II

વૈશંપાયન બોલ્યા-એ પછી,એક બીજો સમર્થ પાંડુપુત્ર નકુલ ઉતાવળે વિરાટરાજ પાસે આવી ઉભેલ જણાયો.અન્યજનોએ તેને મેઘમંડળમાંથી મુક્ત થયેલા સૂર્યમંડળ જેવો જોયો.તે નકુળ ઘોડાઓની તપાસ કરતો હતો ત્યારે વિરાટરાજે તેને જોયો.ને પોતાના અનુચરોને કહ્યું કે-દેવના જેવો આ પુરુષ ક્યાંથી આવે છે? એ પોતે મારા અશ્વોને ઝીણવટથી તપાસે છે,તો એ કોઈ અશ્વવેત્તા હોવો જોઈએ,એને મારી પાસે લઇ આવો'

પછી,નકુળ વિરાટરાજ પાસે પહોંચીને બોલ્યો-'હે મહીપાલ,તમારો જય હો,

હું સદૈવ રાજાઓનો માનીતો નિપુણ અશ્વવેત્તા છું ને તમારો અશ્વશિક્ષક થવા ઈચ્છું છું (4)

વિરાટ બોલ્યો-'હું તને વાહનો,ધન ને નિવાસસ્થાન આપું છું,તું મારે ત્યાં અશ્વશિક્ષક થવાને યોગ્ય છે.

પણ,પ્રથમ તું ક્યાંથી આવ્યો છું?કોનો પુત્ર છે?ને શા માટે આવ્યો છે તે કહે'


નકુલ બોલ્યો-પૂર્વે યુધિષ્ઠિરે મને તેમના અશ્વોનો અધ્યક્ષ નીમ્યો હતો.હું ઘોડાઓની જાત ઓળખું છું ને તેમને

પુરી રીતે કેળવી જાણું છું.ખોડવાળા ઘોડાઓની ખોડ હું દૂર કરી શકું છું.તેમ જ તેમનું વૈદું જાણું છું.

યુધિષ્ઠિર અને બીજા લોકો મને 'ગ્રંથિક'(અશ્વશાસ્ત્રવેત્તા) ના નામે બોલાવતા હતા (8)


વિરાટ બોલ્યો-મારે ત્યાં જે કોઈ ઘોડાઓ તથા વાહનો છે તે હું તારે અધીન કરું છું.તને જો આ કામ ગમતું હોય

તો કહે તું શું વેતન લઈશ? ખરી રીતે તો આ કામ તારે માટે યોગ્ય નથી જ કેમ કે તું રાજા જેવો શોભી રહ્યો છે.

અહીં તારાં દર્શનથી મને જાને યુધિષ્ઠિરનાં દર્શન કર્યાં હોય તેટલી પ્રસન્નતા થઇ છે.તેઓ ક્યાં વસતા હશે?'


વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે વિરાટરાજે નકુલને સત્કાર આપ્યો ને તે ટૂંક સમયમાં રાજાનો માનીતો થઇ પડ્યો.

પોતાના કામમાં તે વિચરતો રહેતો હતો તેથી તેને કોઈ ઓળખી શક્યું નહિ.

આ પ્રમાણે પાંચે પાંડવો ને દ્રૌપદી.મત્સ્યદેશમાં.પ્રતિજ્ઞા પ્રમાણે ગુપ્તવેશે રહીને દિવસો ગાળવા લાગ્યા (13)

અધ્યાય-૧૨-સમાપ્ત 

પાંડવ પ્રવેશ પર્વ સમાપ્ત