Aug 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-584

 

અધ્યાય-૧૧-અર્જુનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत रूपसंपदा स्त्रीणांलंकारधरो ब्रुह्त्युमान I 

प्राकारवप्रे प्रतिमुच्य कुण्डले दीर्घे च कंवुपरिहाटके शुभे  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ત્યાં સ્ત્રીઓના અલંકારોને ધારણ કરનારો એક રૂપસંપત્તિવાળો ભવ્ય પુરુષ કોટની નજીકમાં દેખાયો,કે જેણે કાને મોટાં કુંડળો પહેર્યા હતા અને હાથમાં શંખનાં બલૈયાં તેમ જ સોનાનાં કડાં પહેર્યા હતાં.એ અર્જુન,પોતાના લાંબા બાહુઓને તથા કેશોને પ્રસારીને વિરાટરાજની સભા પાસે આવી ઉભો.

વિરાટરાજે આશ્ચર્યથી તેને પૂછ્યું કે-તું સત્ત્વશાળી,દેવતુલ્ય,શ્યામ,યુવાન લાગે છે.તારી વેશભૂષા સ્ત્રીની હોવા છતાં

તું કોઈ ધનુષ્યબાણ ધારણ કરનારા યોદ્ધા જેવો શોભી રહ્યો છે,તું વાહનો પર બેસીને મારા પુત્રો સમાન થા.

હું હવે ઘરડો થયો છું અને મંત્રીઓ પર રાજ્યભર છોડવાને ઈચ્છું છું તો તું જ સામર્થ્યપુર્વક સર્વ મત્સ્યવાસીઓનું

પાલન કર.તારા જેવો ક્યારેય નપુંસક ન જ હોય એવી મને ખાતરી છે (7)


અર્જુન બોલ્યો-હે નરદેવ,હું ગાઉં છું,નાચું છું,વાજિંત્ર બજાવું છું,નૃત્યમાં નિપુણ છું અને ગીતમાં કુશળ છું,તો તમે મને (રાજકુમારી) ઉત્તરાની પાસે રાખો,હું તે દેવીનો નૃત્યશિક્ષક થઈશ.આ રૂપ મને શાથી આવ્યું? તે કહેવાનું કશું પ્રયોજન નથી કેમ કે તેથી તો મારા શોકમાં વધારો થશે.તમે મારુ બૃહન્નલા નામ જાણો'


વિરાટ બોલ્યો-'હે બૃહન્નલા,હું ખુશીથી તારી ઈચ્છીત વરદાન આપું છું,તું મારી પુત્રીને નૃત્ય શીખવ,

મારું તો માનવું છે કે આ કામ તને યોગ્ય નથી,તને તો પૃથ્વીનું આધિપત્ય ઘટે છે'


વૈશંપાયન બોલ્યા-પછી,વિરાટરાજે,તરુણ સ્ત્રીઓ પાસે એની પરીક્ષા કરાવી અને એનું નિશ્ચિત નપુંસકપણું સાંભળ્યા પછી,એને કુંવરીવાસમાં મોકલ્યો.ત્યાં એ સમર્થ ધનંજય,વિરાટરાજની પુત્રીને,તેની સખીઓને ગાયનવાદન ને નૃત્ય શીખવવા લાગ્યો.ને સર્વ કન્યાઓને પ્રિય થઇ પડ્યો.આમ તે કપટવેશથી ત્યાં રહેવા લાગ્યો 

છતાં,બહારના કે અંદરના કોઈ માણસો તેને ત્યાં ઓળખી શક્યા નહિ  (14)

અધ્યાય-૧૧-સમાપ્ત