Aug 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-583

 

અધ્યાય-૧૦-સહદેવનો પ્રવેશ 


II वैशंपायन उवाच II सह्देवोपि गोपानां कृत्वा वेषमनुत्तमम् I भाषां चैपां समास्थाय विराटमुपयादथ II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સહદેવ પણ ગોવાળનો ઉત્તમ વેશ લઈને,ગોવાળિયાઓની બોલી બોલતો વિરાટરાજાની

પાસે જવા નીકળ્યો,ને રાજભવન પાસેની ગૌશાળા પાસે જઈને ઉભો રહ્યો.રાજાએ તેને જોયો,ત્યારે તેને પૂછ્યું કે-

'તું કોણ છે?ક્યાંથી આવ્યો છે?તું શું કરવા ઈચ્છે છે? મેં તને પૂર્વે જોયો નથી,તો તું સાચેસાચું કહે'

સહદેવ બોલ્યો-હું અરિષ્ટનેમિ નામનો વૈશ્ય છું,હું પાંડવોનો ગોપરીક્ષક હતો,તે રાજસિંહ પૃથાપુત્રો ક્યાં છે તેનો 

મને પત્તો નથી,આથી હું તમારી પાસે રહેવાને ઈચ્છું છું,કારણકે ઉદ્યોગ વિના મનુષ્ય જીવી શકતો નથી.(6)


વિરાટ બોલ્યો-તું તો બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય તેવો લાગે છે,તારું રૂપ પૃથ્વીના રાજા જેવું લાગે છે,તું આ વૈશ્યકર્મ માટે ઉચિત નથી,તું કયા રાજ્યમાંથી આવ્યો છે? તારી પાસે કઈ આવડત છે?તું વેતન શું લેશે?


સહદેવ બોલ્યો-'રાજા યુધિષ્ઠિરને ત્યાં સો સોનાં એક એવાં ગાયોનાં આઠ લાખ ટોળાં હતા,વળી,તેમને ત્યાં બસો બસોનાં એક એવા બીજાં ગાયોનાં એક લાખ ટોળાં હતાં.એ સર્વ ગાયોનો હું પરીક્ષક હતો અને લોકો મને તંતિપાલને નામે ઓળખાતા હતા.ચારે બાજુ દશ યોજનમાં રહેનારી ગાયોની ભૂત,ભવિષ્ય અને વર્તમાનની જે કંઈ સંખ્યા હોય તે મને અજાણી નહોતી.યુધિષ્ઠિર મારા કામથી સંતુષ્ટ હતા,જે જે ઉપાયોથી ગાયોમાં વધારો થાય ને તેમને કશો રોગ લાગે નહિ,તે તે ઉપાયો હું જાણું છું.શુભ લક્ષણવાળા આખલાઓને પણ હું ઓળખી શકું છું.(14)


વિરાટ બોલ્યો-મારે ત્યાં એક જ વર્ણ વાળી,અને વિવિધ ગુણોવાળી ગાયોનાં એક લાખ ટોળાં  છે.

હું તે સર્વ પશુઓ અને તેમના રક્ષકો તને સોંપું છું,મારા પશુઓ હવે તારા આશ્રયમાં રહેશે.


વૈશંપાયન બોલ્યા-આમ નરોત્તમ સહદેવ વિરાટરાજને મળીને ત્યાં જ સુખપૂર્વક રહેવા લાગ્યો,રાજાએ તેની ઇચ્છાનુસાર જીવિકા પણ બાંધી આપી.ને તેને ત્યાં કોઈ પણ જણ તેને કોઈ પણ રીતે ઓળખી શક્યું નહિ (16)

અધ્યાય-૧૦-સમાપ્ત