અધ્યાય-૯-દ્રૌપદીનો પ્રવેશ
II वैशंपायन उवाच II ततःकेशान्समुत्क्षिप्य वेल्लिताग्राननिंदितान I
कृष्णान सुक्ष्मान मृदून दीघान समुद्ग्रथ्य शुचिस्मिता II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,નિર્મળ સ્મિતવાળી,શ્યામળ લોચનવાળી કૃષ્ણાએ પોતાના વાંકડિયા,સુંદર,કાળા,પાતળા,
કોમળ અને લાંબા કેશોને એકઠા કરીને ગૂંથી લીધા,ને તેને જમણા પડખામાં ઢાંકીને,અત્યંત મલિન એવું એક વસ્ત્ર પહેરીને,સૈરંધ્રીનો વેશ ધારણ કરીને દુ:ખીયારીની જેમ વિરાટનગરમાં ભટકવા લાગી.નગરવાસી સ્ત્રીઓએ
તેને પૂછ્યું કે-'તું કોણ છે? ને તું શું કરવા ઈચ્છે છે?'
ત્યારે દ્રૌપદીએ તેમને કહ્યું કે-'હું સૈરંધ્રી છું ને આજીવિકા માટે અહીં આવી છું,જે કોઈ મને કામે રાખશે તેનું હું કામ કરવા ઈચ્છું છું' પણ તેનાં રૂપ,વેશ ને સુમધુર વાણીને લીધે કોઈએ માન્યું નહિ કે તે અન્નને માટે આવેલી દાસી છે.
તેવામાં વિરાટરાજની અતિમાનીતી રાણી સુદેષ્ણાએ તે દ્રુપદપુત્રીને જોઈ.તેથી તેણે તેને બોલાવીને પૂછ્યું કે-
હે ભામિની,તું ભલે કહે પણ તારા જેવી રૂપાળી સ્ત્રીઓ દાસી હોય જ નહિ.તું કહે કે તું કોણ છે?દાસી તો તું કોઈ રીતે નથી જ.તું યક્ષી,દેવી,ગાંધર્વી,અપ્સરા,દેવકન્યા,નાગકન્યા,વિદ્યાધરી,કિન્નરી,કે સાક્ષાત રોહિણી છે?
અથવા તું ઈન્દ્રાણી કે વારુણી છે?કે પછી તું દેવોમાં વિખ્યાત એવી દેવીઓમાંથી કોઈ દેવી છે? (16)
દ્રૌપદી બોલી-હું દેવી,ગાંધર્વી નથી કે આસુરી કે રાક્ષસી નથી,હું તો દાસીપણું કરનારી સૈરંધ્રી જ છું,આ હું તમને સાચું જ કહું છું.હું વાળના સુંદર અંબોડા ગૂંથું છું,અંગરાગ માટે ઉત્તમ ચંદન ઘસી જાણું છું ને ઉત્તમ ફૂલોની માળા પરોવું છું,પૂર્વે હું કૃષ્ણની પટરાણી સત્યભામાની ને પાંડવોની પત્ની કૃષ્ણાની સેવામાં રહી હતી.હું જુદે જુદે સ્થાનમાં ફરું છું અને સુંદર ભોજન ને વસ્ત્રો પામું છું.દ્રૌપદીએ મારુ નામ માલિની પાડ્યું હતું'
સુદેષ્ણા બોલી-હું તને અહીં રાખું,પણ ન કરે નારાયણ ને રાજા તારા રૂપ પર આસક્ત થઈને તારી કામના કરે તો?
કેમ કે અહીંની સર્વ સ્ત્રીઓ પણ તને આસક્તિપૂર્વક જોઈ રહી છે તો તું કયા પુરુષને મોહિત ન કરે? અહીંના વૃક્ષો પણ તને જાણે નમન કરી રહ્યાં હોય તેમ દેખાય છે તો તું કયા પુરુષને મોહિત ન કરે? વિરાટરાજ તારું રૂપ જોઈને મારો ત્યાગ કરી દે તો?જેમ,મનુષ્ય પોતાના વધને માટે જ વૃક્ષ પર ચડે છે તેમ,મારા રાજઘરમાં તારો વાસ મારે માટે જ વિનાશકારક થઇ પડે.ને આમ અહીં તારો વાસ મારો વિનાશ નોતર્યા જેવું જ થાય (29)
દ્રૌપદી બોલી-'હે ભાવિની,વિરાટરાજ કે બીજો કોઈ પણ પુરુષ મને મેળવી શકે તેમ નથી કેમ કે પાંચ યુવાન ગંધર્વો મારા પતિ છે,ને મારી રક્ષા કરે છે.વળી,હું પણ છંછેડી ન શકાય તેવી છું,જે મને એઠું ન આપે તથા મારી પાસે પગ ધોવરાવે નહિ તેને ત્યાં વાસ કરવાથી મારા ગંધર્વ પતિઓ પ્રસન્ન રહે છે,ને જે પુરુષ મને બીજી સાધારણ સ્ત્રી માનીને મારી અભિલાષા કરશે તે પુરુષ તે જ રાત્રે મરણ પામશે.વળી,કોઈ પણ પુરુષ મને શિયળથી ડગાવી શકે તેમ નથી,કારણકે મને મારા ગંધર્વ પતિઓ અતિ વહાલા છે,ને તેઓ ગુપ્ત રીતે રહી મારુ રક્ષણ કરે છે'
સુદેષ્ણા બોલી-હે નંદિની,તો હું તને તું ઈચ્છે છે તેમ રાખીશ,
તને કદી પણ કોઈના પગનો કે એંઠનો સ્પર્શ કરવાનો પ્રસંગ નહિ આવે'
આમ,વિરાટરાજની રાણીએ કૃષ્ણાને સાંત્વન આપ્યું એટલે તે પતિવ્રતા ને ધર્મપરાયણ સતી દ્રૌપદી
તે નગરમાં રહેવા લાગી છતાં પણ ત્ત્યાં તેને કોઈ બરાબર ઓળખી શક્યું નહિ (37)
અધ્યાય-૯-સમાપ્ત