Jul 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-580

 

અધ્યાય-૭-વિરાટરાજને ત્યાં યુધિષ્ઠિરનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततो विराटं प्रथमं युधिष्ठिरो राज सभायामुपविष्टमाव्रजत I 

वैदूर्यरुपान्प्रतिमुच्य कान्चनानक्षान्स कक्षे परिगृह्य वाससा II १ II

 વૈશંપાયન બોલ્યા-પછી,સૌ પ્રથમ,તે યુધિષ્ઠિર,વૈડૂર્ય જડેલા સોનાના પાસાઓને વસ્ત્રમાં લપેટીને,બગલમાં દબાવીને સભામાં બેઠેલા વિરાટરાજા પાસે ગયા,ત્યારે તે બળ અને અપૂર્વ તેજ વડે દેવ જેવા,સૂર્ય જેવા અને ભસ્મથી ઢંકાયેલા

અગ્નિ જેવા વીર્યવાન લાગતા હતા.તેમને આવતા જોઈને વિરાટરાજ વિચારવા લાગ્યો કે-

'પૂર્ણચંદ્રના જેવા તેજસ્વી મુખવાળા આ કોઈ મહાનુભાવ આવ્યા છે' તેણે પોતાની પાસે બેઠેલા મંત્રીઓને પૂછ્યું કે-રાજાના જેવા લક્ષણોવાળો આ કોણ પહેલી વાર જ મને મળવા આ સભામાં આવી રહ્યો છે? તે બ્રાહ્મણ હોય તેવું મને લાગતું નથી,તેના શરીરના ચિહ્નો પરથી લાગે છે કે તે કોઈ રાજવી છે.જેમ,કોઈ મદમસ્ત હાથી કમલસરોવર પાસે જાય તેમ,આ જરા પણ વ્યથા વિના મારી પાસે આવી રહ્યો છે'(7)

વિરાટરાજ આમ તર્કવિતર્ક કરી રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિર તેમની પાસે જઈને બોલ્યા કે-'હે સમ્રાટ,હું દ્વિજ છું,મારુ સર્વસ્વ નાશ પામ્યું છે અને હું અહીં આજીવિકાને અર્થે આવ્યો છું.હું અહીં તમારી ઈચ્છા અનુસાર વર્તીને તમારી પાસે રહેવા ઈચ્છું છું' ત્યારે વિરાટરાજે હસીને તેને આવકાર આપ્યો ને બોલ્યા-'ભલે પધાર્યા.તમે કયા રાજાના રાજ્યમાંથી અહીં આવ્યા છો?તમારું ગોત્ર કયું?તમારું નામ શું?તમે કઈ વિદ્યા સિદ્ધ કરી છે તે મને કહો'


યુધિષ્ઠિર બોલ્યા-'હે વિરાટરાજ,હું પૂર્વે યુધિષ્ઠિરનો સખા હતો.હું વ્યાઘ્રપાત ગોત્રનો વિપ્ર છું,

ને પાસા નાખવામાં કુશળ છું.અને આ જગતમાં કંક નામે વિખ્યાત છું'

વિરાટ બોલ્યો-'હો,તમે જે વર ઈચ્છો છો તે હું તમને ખુશીથી આપું છું.

મને દ્યુત રમનારા જુગારીઓ સદૈવ પ્રિય છે,હે વિપ્ર,તમે તો આ રાજ્યને માટે યોગ્ય જ છો' (13)


યુધિષ્ઠિર બોલ્યા-હે મત્સ્યનરેશ,એકવાર શરત બક્યા પછી,હારનાર પુરુષ સાથે મારે કોઈ પણ વિવાદ થવો જોઈએ નહિ,મેં કોઈને જીત્યો હોય તો તે મારુ જીતેલું ધન લઇ જાય નહિ,એવો તમારી કૃપાથી મને વર હો'

વિરાટ બોલ્યો-'કોઈ તમારું અપ્રિય આચરશે તો હું તેને અવશ્ય હણી નાખીશ,તે જો બ્રાહ્મણ હશે તો તેને દેશપાર કરીશ,હે પ્રજાજનો,સાંભળો કે આ કંક મારો સખા છે ને આ દેશનો સ્વામી છે.હે કંક,તમે આજથી મારા સખા છો,તમને મારા જેવા વાહનો,વસ્ત્રો ને માનપાન મળશે,તમે અંતઃપુર ને બહારના કામો નિત્ય જોતા રહેજો.

આજીવકાનું કષ્ટ ભોગવતા કોઈ મનુષ્યો તમારી પાસે આવી વાત કરે તો તમારે મને ખબર આપવી,

હું તેમને બધું જ આપીશ,તે વિશે તમારે સંશય રાખવો નહિ.મારું દ્વાર તમારા માટે સદાયે ખુલ્લું છે,

તમારે મારી આગળ કોઈ ભય રાખવો નહિ'


વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે યુધિષ્ઠિરે,વિરાટરાજ જોડે સમાગમ કર્યો ને તેમની પાસેથી વર પ્રાપ્ત કર્યો ને પછી,

સન્માન પામેલા તે ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા.ને કોઈ પણ મનુષ્ય  તેમના અજ્ઞાતવાસ સંબંધના 

તેમના આ નવા ચરિત્રને જાણી શક્યો નહિ' (18)

અધ્યાય-૭-સમાપ્ત