અધ્યાય-૬-દુર્ગા સ્તવન
II वैशंपायन उवाच II विराटनगरं रम्यं गच्छमानो युधिष्ठिरः I अस्तुवन्मनसा देवीं दुर्गा त्रिभुवनेश्वरीं II १ II
વૈશંપાયન બોલ્યા-રમણીય વિરાટનગરીમાં પ્રવેશ કરતી વખતે,યુધિષ્ઠિરે યશોદાના ગર્ભમાં ઉત્પન્ન થયેલાં,નારાયણને અતિપ્રિય,નંદગોપના કુળમાં જન્મેલાં,મંગલ આપનારાં,કૂલનું વર્ધન કરનારાં,કંસને ભગાડનારાં,અસુરોનો ક્ષય લાવનારાં,શિલા પર પછાડતાં જ આકાશ તરફ ઉડી જનારાં,વાસુદેવનાં બહેન,દિવ્ય ફુલમાળાઓથી શોભિત,દિવ્ય અંબરને ધારણ કરનારાં અને ઢાલ-તલવારને ધારણ કરનારાં એ ત્રિભુવનેશ્વરી
દેવી દુર્ગાનું મનથી સ્તવન કર્યું.જે મનુષ્યો,પૃથ્વીનો ભાર ઉતારનારાં,પુણ્યરૂપા,અને સદૈવ કલ્યાણકારી
એ દેવીનું સ્મરણ કરે છે તેને તે,કાદવમાં ખૂંચેલી દુબળી ગાયની જેમ તે પાપમાંથી તારી લે છે (5)
યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ સાથે,વિવિધ સ્તોત્રાત્મક નામો વડે એ દેવીની વારંવાર સ્તુતિ કરવા માંડી -
'હે વરદાયિની,હે કૃષ્ણા,હે કુમારી,હે બ્રહ્મચારિણી,હે બાલસૂર્ય સમાન આકારવાળી,પૂર્ણચંદ્ર સમાન મુખવાળી,તમને નમસ્કાર હો.હે ચતુર્ભુજા,હે ચાર મુખવાળાં,હે પુષ્ટ સાથળ ને સ્તનવાળાં ,હે મોરપીંછના કંકણવાળાં,હે કેયુર અને બાજુબંધ ધારનારાં,તમે નારાયણપત્ની લક્ષ્મીના જેવાં શોભો છો.હે ખેચરી,તમારું સ્વરૂપ અને તમારું બ્રહ્મચર્ય વિશુદ્ધ છે.તમારા શરીરનો વર્ણ નીલ મેઘના જેવો છે.તમારું મુખ સંકર્ષણ સમાન છે,તમારા બાહુઓ ઇન્દ્રધ્વજ જેવા ઊંચા અને વિશાળ છે,તમે તમારા હાથોમાં પાત્ર,કમળ,ઘંટા,પાશ,ધનુષ્ય,મહાચક્ર આદિ વિવિધ આયુધો ધારણ કરો છો,પૃથ્વીમાં તમે જ વિશુદ્ધ સ્ત્રીરૂપ છો,કુંડળોથી ભરેલા બે કાનો વડે તમે અત્યંત શોભી રહ્યાં છો.(11)
હે દેવી,તમે ચંદ્રની સ્પર્ધા કરતા મુખ વડે,વિચિત્ર મુકુટ વડે,અને સુશોભિત કેશબંધ વડે વિરાજી રહ્યાં છો,સર્પના જેવા આકારવાળી ઝળહળતી કટિમેખલા ધારણ કરવાથી તમે જાણે અહીં,સર્પથી વીંટાયેલા મંદાર પર્વતની જેમ શોભી રહ્યા છો.મોરનાં પીંછાના ઊંચા ધ્વજ વડે તમે શોભી રહ્યાં છો.કૌમાર વ્રતને ધારણ કરીને તમે સ્વર્ગને પાવન કર્યું છે.જેથી દેવો તમારી સ્તુતિ કરે છે ને તમને પૂજે છે.હે ત્રણે લોકના રક્ષણ અર્થે મહિષાસુરનું મર્દન કરનારાં દેવી,તમે મારા પર પ્રસન્ન થાઓ,દયા કરો ને કલ્યાણકારી થાઓ.(15)
તમે જયા છો,તમે વિજયા છો,સંગ્રામમાં જયદાયિની છો અને વરદાત્રી છો,તો તમે મને અત્યારે વિજય આપો.
હે કાલી.હે મહાકાલી,હે મદ્ય,માંસ અને પશુ પર પ્રીતિવાળાં,ગિરિશ્રેષ્ઠ વિંધ્ય ઉપર તમારું સનાતન સ્થાન છે.
હે કામચારિણી,જે મનુષ્ય તમારી યાત્રાએ આવે છે તેમને તમે વરદાન આપો છો.હે ભૂમિનો ભાર ઉતારનારાં,
જે મનુષ્યો તમારું સ્મરણ કરે છે ને પ્રભાતે પ્રણામ કરે છે,તે મનુષ્યોને આ પૃથ્વી પર ધન,પુત્રો એમાંનું કશું જ દુર્લભ નથી.તમે દુર્ગ (સંકટ)માંથી તારો છો એટલે લોકો તમને દુર્ગા કહે છે.વનમાં રખડી ગયેલા,મહાસાગરમાં ડૂબી ગયેલા ને ચોર ડાકુઓથી ઘેરાઈ ગયેલા મનુષ્યો માટે તમે જ પરમ આધાર છો.
તમે કીર્તિ છો,લક્ષ્મી છો,ધૃતિ છો,સિદ્ધિ છો,લજ્જા છો,વિદ્યા છો ને મતિ (બુદ્ધિ) છો,તમે જ સંધ્યા ને રાત્રિ છો,તમે પ્રભા ને નિંદ્રા છો,તમે જ્યોત્સના અને કાંતિ છો,તમે ક્ષમા ને દયા છો,તમારી પૂજા કરવાથી તમે મનુષ્યોનાં બંધન,મોહ,ધનનાશ,વ્યાધિ,મૃત્યુ ને ભયનો નાશ કરો છો,આથી રાજ્યથી ભ્રષ્ટ થયેલો હું તમારી શરણે આવ્યો છું.
હે દેવી,હે સુરેશ્વરી,હું શિર નમાવીને તમને પ્રણામ કરું છું,તમે મારુ રક્ષણ કરો.હે સત્યા,તમે અમને સત્યરૂપે દર્શન આપો,હે શરણાગતરક્ષિણી,ભક્તવત્સલા,તમે મને શરણરૂપ થાઓ' (26)
યુધિષ્ઠિરે આમ સ્તુતિ કરી ત્યારે દેવીએ તેમને દર્શન આપી કહ્યું કે-'હે સમર્થ,મારાં વચન સાંભળ.તને સંગ્રામમાં ટૂંક વખતમાં જ વિજય મળશે,મારી કૃપાથી તું કૌરવસેનાને પરાજય આપી,તેનો નાશ કરીને રાજ્યને નિષ્કંટક કરીને ફરી પૃથ્વીને ભોગવશે,ભાઈઓ સાથે આનંદ પામશે ને તને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થશે.
આ લોકમાં જે પુણ્યશીલ મનુષ્યો મારા આ સ્તોત્રનું સંકીર્તન કરશે,તેમને હું પ્રસન્ન થઈને રાજ્ય,આવરદા,સુંદર દેહ અને પુત્ર આપીશ.પ્રવાસમાં,નગરમાં,સંગ્રામમાં,શત્રુ તરફથી સંકટમાં,સાગરમાં કે ગિરિ પર,જે મનુષ્યો,તેં જેમાં મારુ સ્મરણ કર્યું છે તેમ મારું સ્મરણ કરશે તેમને માટે આ લોકમાં કશું દુર્લભ રહેશે નહિ.ને તેમના સર્વ કાર્યો સિદ્ધ થશે.
મારી કૃપાથી તમે વિરાટનગરમાં રહ્યા હશો ત્યારે કૌરવો કે ત્યાંના નિવાસીઓ તમને ઓળખી શકશે નહિ.'
યુધિષ્ઠિરને આ પ્રમાણે કહીને વરદાયિની દેવી ત્યાંથી અંતર્ધાન થઇ ગયાં.(35)
અધ્યાય-૬-સમાપ્ત